રાજેશ વસાવે :- દાહોદ
મંદિર ચોરીમાં પકડાયેલા બંને આરોપીઓ આંતરરાજ્ય ઘરફોડ ચોરી ગેંગના મેમ્બર, 70 થી વધુ ઘરફોડ ચોરીની પોલીસ પૂછપરછમાં કબુલાત..
ઝાલોદમાં મંદિરની ચોરી દરમિયાન પથ્થરમારો કરી ભાગેલા બે તસ્કરોને પોલીસે નાઈટ વિઝન કેમેરાથી ઝડપ્યા, બે આરોપી ફરાર..
મંદીર પરિસરના રૂમમાંથી ચાંદીનું છત્ર અને રોકડની ચોરી કરી હતી : ગૃહ મંત્રીએ ઝાલોદ પોલીસને અભિનંદન પાઠવ્યા
દાહોદ તા ૧૭
દાહોદ. ઝાલોદ નગરમાં મહાદેવ મંદીર પરિસરમાં ચોરીના ઇરાદે આવેલા તસ્કરો મંદિરના રૂમના તાળા તોડીને ચોરીનો પ્રયાસ કરી રહ્યા હતા તે સમયે પૂજારી જાગી જતા તેને બૂમાબૂમ કરતાં તસ્કરો પથ્થમારો કરીને ભાગી છુટ્યા હતાં. દરમિયાન બનાવની જાણ પોલીસને થતા પોલીસે તસ્કરોને પકડવા માટે કામગીરી શરૂ કરતાં ઝાલોદ પીએસઆઇ સહિતની ટીમ કાદવ કીચડમાં ખૂપીને અસરોને પકડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મકાઈના ખેતર તેમજ ઝાડીઓમાં ભાગી છુટેલા ચોરોને પકડવા માટે પોલીસે નાઇટ વિઝન ડ્રોન ઉડાવીને બે ચોરોને પકડી પાડ્યા હતાં. આ બાબતે ગૃહમંત્રીએ ઝાલોદ પોલીસને અભિનંદન પાઠવ્યા છે.જોકે પોલીસે તને આરોપીઓને ઝડપી પૂછપરછ હાથ ધરતા ચોકાવનારા ખુલાસા સામે આવ્યા છે. સાથે બંને આરોપીઓના નામદાર કોર્ટે સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
પ્રાપ્ત વિગત મુજબ 15મી તારીખની રાત્રે મધ્ય પ્રદેશના ચોરોએ ઝાલોદ નગરના સોમનાથ મહાદેવ મંદીરને ટાર્ગેટ કર્યુ હતું. મંદીર પરિસરમાં આવેલા રૂમના તાળા તોડીને તસ્કરોએ અંદર મુકેલી તીજોરીમાંથી ચાંદીનું છત્ર અને રોકડની ચોરી કરી હતી. મંદીરમાં ચોર ભરાયા હોવાની જાણ થતાં પૂજારી પરેશભાઇ જોષીએ દોડી આવીને ચોર-ચોરીની બૂમો પાડતાં તેમની ઉપર તથા અન્ય યુવકો ઉપર ચોરોએ પથ્થમારો પણ કર્યો હતો. મંદીરની પાછળ તરફ ગીચ ઝાડીઓમાં ભાગી છુટેલા તસ્કરોનું લોકેશન જાણવા પોલીસે નાઇટ વિઝન ડ્રોન કેમેરો ઉડાવ્યો હતો. ત્યારે તસ્કરોનું લોકેશન મળતાં ચાર પૈકીના ઠાકોર ફુલસીંગભાઈ રાવત અને શંભુસિંહ હુસનાભાઈ મહેરાને પોલીસે ઝડપી પાડ્યા હતાં. જ્યારે મોહન તેરસીંગ ભીલાલા અને રાહુલ થાનસીંગ ચૌહાણ ફરાર થઇ ગયા હતાં. આ મામલે પરેશભાઇની ફરિયાદના આધારે ઝાલોદ પોલીસે ચોરી સબંધે ગુનો પણ દાખલ કર્યો હતો.
પકડાયેલા તસ્કરો કર્ણાટક રાજ્યમાં ઘરફોડ ચોરીઓમાં અગાઉ પકડાઇ ચૂક્યા છે. જેમાં ફુલસિંહ સામે તો 70 જેટલા ચોરીના ગુના પણ નોંધાયેલા હોવાનું જાણવા મળ્યુ છે. પોલીસે બંને આરોપીઓને આજરોજ નામદાર કોર્ટમાં રજુ કરી 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી જેમાં બંને આરોપીઓના સાત દિવસના રીમાન્ડ મજૂર કર્યા છે.