દક્ષેશ ચૌહાણ :- ઝાલોદ
કુદરતી આફત પરિવાર પર આભ બનીને તૂટી, કેન્દ્રની PM આવાસ યોજના ફારસરૂપ સાબિત થઇ..
ઝાલોદના ખરવાણીમાં દિવાલ ધરાશાયી થતાં નિંદર માણી રહેલો પરિવાર દબાયો, 2 માસુમ બાળકીઓના મોત,અન્ય પુત્ર અને પિતા ઈજાગ્રસ્ત..
કાચા મકાનની દીવાલ ધરાશાયી થતા પરિવારના 7 સભ્યો કાટમાળમાં દબાયા હતા.
દાહોદ તા. 11
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ખરવાણી ગામે ભારે વરસાદના પગલે એક કાચા મકાનની દિવાલ મધરાતે ધરાશાઈ થઈ હતી.જેથી ઘરમા મીઠી નિંદર માણી રહેલા પરિવારના સભ્યો પર દિવાલ પડી હતી. જેને પગલે બે બાળકીઓ દબાઈ જતા મોત નિપજ્યા હતા,જ્યારે અન્ય પિતા-પુત્ર ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલમા દાખલ કરવામા આવ્યા છે.
દાહોદ જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે છેલ્લા ચાર દિવસથી સમગ્ર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગતમોડી રાતે ભારે વરસાદ વરસતા ઝાલોદ તાલુકાના ખરવાણી ગામના સંગાડા ફળીયામા એક કાચા મકાનની દિવાલ આકસ્મિક ધરાશાઈ થતા ઘરમાં ઊંઘી રહેલા પતિ-પત્ની અને પાંચ બાળકો દિવાલની માટીમાં દબાઈ ગયા હતા. ઘટનાની જાણ થતા આસપાસ ના લોકો દોડી આવ્યા હતા અને દિવાલ ધરાશાયી થતા દબાઈ ગયેલા લોકો પરથી માટી હટાવીને બહાર કાઢવામા આવ્યા હતા. જેમા ઘર માલિક મનુભાઈ ભુરાભાઈ ડામોર અને 11 વર્ષીય પુત્ર કિરણ ઈજાગ્રસ્ત થતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામા આવ્યા હતા, જ્યારે ઘરમા માતા પિતા સાથે નીંદર માણી રહેલ 7 વર્ષીય જોસનાબેન અને 5 વર્ષીય રોસનીબેન દિવાલની માટીમા દબાઈ જતા ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા.ઘટનાની જાણ થતા લીમડી પોલીસ ઘટના સ્થળે પહોંચી અકસ્માત મોતની ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
*દાહોદ જિલ્લામાં સરકારી ચોપડે ચાલુ વર્ષે 400 ઉપરાંત કાચા મકાનો ધરાશાયી.*
દાહોદ જિલ્લાને મહત્વકાંશી જિલ્લામાં સામેલ કરવામાં આવ્યો છે. જેના પગલે કેન્દ્રની ઘણી બધી યોજનાઓ સીધી રીતે અમલમાં છે. સાથે સાથે ટ્રાઇબલ વિસ્તાર હોવાથી પછાત વિસ્તારને મુખ્ય ધારામાં લાવવા માટે અહીંયા વિશેષ પ્રકારની સત્તાઓ સાથે રાજ્ય સરકારની યોજના અમલમાં છે. તેમ છતાં ગ્રામીણ વિસ્તારોમાં હજી સુધી સરકારની યોજનાઓનો લાભ નથી પહોંચ્યો તે આ આંકડા પરથી સાબિત થાય છે કે કારણ કે ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન 400 ઉપરાંત મકાનો વરસાદી માહોલમાં ધારાશાયી થયા છે.તો આટલા બધા મકાનો વરસાદી માહોલમાં પડી જતા હોય તો પીએમ આવાસ યોજનાનો લાભ આદિવાસી વિસ્તારમાં જેવી રીતે પહોંચવો જોઈએ તેવી રીતે પહોંચ્યો નથી તે સાર્થક થાય છે.