અહો આશ્ચર્યમ..પોતાના પોલીસ સ્ટેશનમાં જ પીએસઆઈ સામે ગુનો નોંધાતા પોલીસ બેડામાં ચકચાર..
દાહોદ તા. ૮
– દેવગઢબારિયા તાલુકાના સેવાનિયા ગામે એક ઘરે તપાસ માટે ઘસી ગયેલી પોલીસે યુવકને માર માર્યો હતો. આ જોઈને ગભરાઈને ભાગેલા યુવકના પુત્રને લટકતા વીજ વાયરનો કરંટ લાગતા તેનું મોત થઈ ગયું હતું. આ ઘટનાથી દેવગઢબારિયા પંથકમાં ખળભળાટ મચી ગયો હતો. યુવકના મોત અંગે અકસ્માતે મોત અન્વયે ગુનો દાખલ કરાયો હતો જ્યારે યુવકને ઢોર માર મારવા બદલ પીએસઆઇ સહિત અન્ય પાંચ પોલીસ કર્મીઓ સામે એક જુદો ગુનો દાખલ કરાયો છે
એકાદ દિવસ પહેલા પંચમહાલ જિલ્લા ની સ્ટેટ મોનીટરીંગ સેલે વિદેશી દારૂ ભરેલી એક ગાડી પકડી હતી. આ ગાડી દેવગઢ બારિયા તાલુકાના સેવનીયા ગામના રમણ રાઠવાના નામે હોવાનું સામે આવ્યું હતું. ત્યારે દાહોદ જિલ્લાના સાગટાળા પોલીસ મથકના પીએસઆઇ ભરવાડ, કોન્સ્ટેબલ ચૌધરી, જયપાલ પટેલ અને અન્ય બે પોલીસ કર્મચારી શુક્રવારની રાતના 8 વાગ્યાના અરસામા રમણભાઈના ઘરે ધસી ગયા હતા. ઘરમાં ધસી જઈ પીએસઆઇ ભરવાડે નામ પૂછી કેમ ઊંઘે છે કહેતા રમણભાઈએ પાચ દિવસથી તાવ આવતો હોવાનું જણાવ્યું હતું. ત્યારે પીએસઆઇ ભરવાડે હાથે, પગે તેમજ બરડે લાકડી મારીને બે કોન્સ્ટેબલ પકડી બહાર લઇ આવ્યા હતા અને ઢોર માર માર્યો હતો. જોકે બીજી તરફ પોલીસ દ્વારા રમણ ભાઈ ને માર મારવામાં આવતા પરિવાર પણ ઘરની બહાર આવી ગયો હતો. પોલીસ મારશે તેવી બીકે રમણભાઈના છોકરાએ ઘરની પાછળ દોટ મૂકી હતી. આ વખતે વીજ થાંભલેથી લટકતા વીજ વાયરનો મુકેશને કરંટ લગતા તેનું મોત થઇ ગયું હતું. આ વખતે રમણભાઈ પણ પોલીસથી છટકીને ભાગી ગયા હતા. આ ઘટનાથી પરિવારમાં શોક વ્યાપ્યો હતો. મુકેશના મોત મામલે સાગટાળા પોલીસે અકસ્માતે મોત અન્વયે ગુનો દાખલ કરાયો હતો જયારે રમણભાઈની ફરિયાદના આધારે પીએસઆઇ ભરવાડ તેમજ અન્ય ચાર પોલીસ કર્મચારીઓ સામે માર માર્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો પોતાનાજ પોલીસ સ્ટેશન માં પી એસ આઈ તેમજ અન્ય પોલીસ કર્મીઓ ના આ અમાનુષી અત્યાચાર ના વિરોધ માં ગુનો નોંધાતા સમગ્ર પોલીસ બેડા માં ચકચાર મચી છે