રાજેશ વસાવે :- દાહોદ
દિલ્હી-મુંબઈ કોરીડોરની કામગીરીનો 14 ગામોમાં વિરોધ..
પ્રોજેક્ટમાં સંપાદિત થયેલી જમીનનું પૂરતું વળતર આપવાની માંગ સાથે એકત્ર થઈ વિરોધ પ્રદર્શિત કર્યો
પોલીસે સુરક્ષાની દ્રષ્ટિએ બંદોબસ્ત ગોઠવ્યો,
દાહોદ તા.06
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાંથી પસાર થતો ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત ચાલતા નેશનલ કોરિડોરનો ઝાલોદના ૧૪ જેટલા ગામોના લોકોએ ભારે વિરોધ દર્શાવ્યો છે જેમાં ૧૪ ગામના લોકો કામ ચાલી રહેલ નેશનલ કોરિડોરના સ્થળે પહોંચી જઈ ભારે વિરોધ નોંધાંવ્યો હતો ત્યારે પરિસ્થિતીને પારખી ગયેલ પોલીસ કર્મચારીઓની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી જ્યાં લોકોનો વિરોધ જાેઈ નેશનલ કોરિડોરની કામગીરી બંધ કરવાની ફરજ પડી હતી.
ઝાલોદમાંથી પસાર થતાં ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત ચાલતા નેશનલ કોરિડોરનું કામકાજ ચાલી રહ્યું છે. ત્યારે આ નેશનલ હાઈવે કોરિડોરનો ઝાલોદના આસપાસના ગામોના લોકો દ્વારા અવાર નવાર વિરોધ પણ ભુતકાળમાં કરવામાં આવ્યો હતો ત્યારે આજરોજ પુનઃ એકવાર ઝાલોદના આસપાસના ૧૪ જેટલા ગામોના લોકોએ ફરી એકવાર વિરોધ દર્શાવ્યો છે. જેમાં ૧૪ જેટલા ગામોના લોકોએ નેશનલ કોરિડોરની કામગીરી ચાલી રહી છે તે સ્થળે એકઠા થયાં હતાં અને આ નેશનલ કોરિડોરનો ભારે વિરોધ નોંધાંવ્યો હતો. ગ્રામજનોના જણાવ્યાં અનુસાર, આ નેશનલ કોરિડોરના બાંધકામને પગલે પોતાની જમીનો છીનવાઈ ગઈ છે.
પોતે ઘર વિહોણા થઈ ગયાં છે સાથે સાથે પોતાના ખેતરો પણ આ નેશનલ કોરિડોરમાં સામેલ થતાં પોતાના ખેતરો પણ છીનવાઈ જતાં ખેતીકામ ન થતાં પોતાના ઘર પરિવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે. પશુઓને બાંધવા માટેની જગ્યા પણ બચી નથી.
આ નેશનલ કોરિડોરની આસપાસ લોકોના આવેલ ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતાં લોકોના ઉભા પાક જેવા કે, મકાઈ, ડાંગર જેવા પાકને પણ ભારે નુકસાન થયું હોવાનું અહીંના ગ્રામજનો દ્વારા જણાવાયું છે.
ઉપરોક્ત સમગ્ર મામલે દાહોદ જિલ્લા કલેક્ટર તેમજ મામલતદારને વર્ષાેથી લેખિત તેમજ મૌખિક રીતે અનેકવાર રજુઆત કરવા છતાંય આજદિન સુધી અમારી સમસ્યાઓનું કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવ્યું ન હોવાના ગ્રામજનો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યાં છે. વધુમાં ગ્રામજનોના જણાવ્યાં અનુસાર, તંત્ર દ્વારા આ સમગ્ર મામલે આંખ આડા કાન કરવામાં આવી રહ્યાં છે.
ઝાલોદના ૧૪ જેટલા ગામોના લોકો દ્વારા આ નેશનલ કોરિડોરનો વિરોધ કરાતાં કોઈ અનીચ્છીનીય બનાવ ન બને તે માટે પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને જ્યાં સ્થિતીને જાેઈ નેશનલ કોરિડોરની કામગીરી બંધ કરવાની ફરજ પણ પડી હતી.