સંતરામપુર ડાયટના ઓડિટોરિયમ હોલમાં જાણીતા ચિત્રકાર બિપીન પટેલના માર્ગદર્શનમાં નિ:શુલ્ક પેઈન્ટીંગ ડેમો વર્કશોપ યોજાયો
ચિત્રકલામાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ માટે સમન્વય એડવેન્ચર એન્ડ ક્રિયેટિવિટી ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું આયોજન
સંતરામપુર તા. ૧
મહીસાગર જિલ્લામાં સાહસિક તથા સર્જનાત્મક પ્રવૃત્તિઓનો વિદ્યાર્થીઓમાં વિકાસ થાય તે હેતુસર વિવિધ ક્ષેત્રના કલાકારો, સર્જકો અને પ્રકૃતિ શિક્ષણમાં રસ ધરાવતા પર્યાવરણ પ્રેમીઓએ સમન્વય એડવેન્ચર એન્ડ ક્રિયેટિવિટી ગ્રુપ શરૂ કર્યુ છે. આ ગ્રુપ દ્વારા આજરોજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સંતરામપુર ના વિદ્યા સમીક્ષા કેન્દ્રના ઓડિટોરિયમ હોલમાં જાણીતા ચિત્રકાર શ્રી બિપીનભાઇ પટેલના માર્ગદર્શનમાં નિ:શુલ્ક પેઈન્ટીંગ ડેમો વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચિત્રકલામાં રસ ધરાવતા સંતરામપુરની વિવિધ સ્કૂલો તથા કોલેજમાંથી ૧૫૦ થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ વર્કશોપમાં વિદ્યાર્થીઓ જીવંત ચિત્રકલાના નિદર્શનથી રેખા અને રંગ સંયોજનના પાઠ શીખ્યા હતા. આ વર્કશોપનું આયોજન વિદ્યાર્થીઓમાં રહેલી સર્જનાત્મક શક્તિઓ બહાર લાવવામાં મદદરૂપ બનશે અને ઉત્તમ ચિત્રકારો સમાજમાં પોતાની કલાના રંગ પુરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
આગામી સમયમાં ગ્રુપ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે જંગલ ટ્રેકીંગ, રોક કબાઈમ્બીંગ રેપલીંગ, રીવર ક્રોસીંગ, પક્ષી નિરીક્ષણ, આકાશ-દર્શન, સર્પ નિદર્શન (જાગૃતિ કાર્યક્રમ), પ્રકૃતિ શિક્ષણ શિબિર, પેઈન્ટીંગ, સ્કલ્પચર, કોલાજ મેકીંગ, ફોટોગ્રાફી, કાવ્ય-વાર્તા-પઠન-લેખન કળા, નાટય અભિનય કલા -નિદર્શન, ફિલ્મ-નિદર્શન, યોગ જેવી સર્જનાત્મક પ્રવુતિઓ નિષ્ણાતોના માર્ગદર્શનમાં કરવામાં આવનાર છે. આ વર્કશોપમાં શિવાજીભાઇ મહાડીક, ભાનુભાઇ કાનસર, પિયુષભાઇ પરમાર, જીજ્ઞેશભાઇ પટેલ, કિરણભાઇ ભોઇ, યોગેશભાઈ ભોઇ સહિત ગ્રૂપના સભ્યો તથા ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર વર્કશોપનું સફળ સંચાલન ભરતભાઇ ચૌહાણે કર્યું હતું.