બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરા તાલુકામાં સતત ત્રણ દિવસથી વરસતા વરસાદના કારણે માનવજીવન પ્રભાવિત:ખેતીમાં નુકસાનના અનુસાર*
*વરસાદના કારણે મોટાભાગના રસ્તાઓ વૃક્ષો પડવાથી તથા નદીનાળા ઓના કારણે વાહન વ્યવહાર અટકાવાયો*
*ફતેપુરા તાલુકામાં નદીનાળાં છલકાયાં,પવન સાથે વરસતા વરસાદના કારણે મકાઈની ખેતીમાં વ્યાપક નુકસાન જવાની ખેડૂતોની ચિંતા*
સુખસર,તા.26
ફતેપુરા તાલુકામાં સતત ત્રણ દિવસથી વરસતા વરસાદના કારણે નદી,નાળા,કુવા અને તળાવોમાં પાણીની આવક થતા પાણીનો પ્રશ્ન હલ થયો છે.સાથે-સાથે લોકોને વિવિધ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.વરસાદના કારણે અનેક જગ્યાઓ ઉપર આસપાસના નાના શહેરો સાથેનો ગ્રામ લોકોને સંપર્ક તૂટવા પામતા કેટલીક મુશ્કેલીઓ પણ પડી હતી.જ્યારે પણ સાથે આવેલા વરસાદના કારણે મકાઈની ખેતી પડી જતા ખેતીમાં ફાયદા કરતાં વધુ નુકસાન થવાના અને મકાઈ પાક નિષ્ફળ જવાના એંધાણ વાર્તાતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.
જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકામાં છેલ્લા ત્રણ દિવસથી પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. જેથી નદી,નાળા,કુવા અને તળાવો ભરાઈ ચૂક્યા છે.જેથી તાલુકામાં પાણીનો પ્રશ્ન હાલ થયો છે.સાથે-સાથે તાલુકામાં વરસાદના કારણે લોકોને વિવિધ મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડ્યો હતો.તેમાં ફતેપુરા તાલુકાના મુખ્ય મથકની સ્થિતિ જોઈએ તો ગામમાં રસ્તાઓ ઉપર જ્યાં જુઓ ત્યાં પાણીનો ભરાવો થતા સ્થાનિક લોકો તથા વાહનચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો.જ્યારે બલૈયા વિસ્તારમાં જોઈએ તો બલૈયા નદી બે કાંઠે વહેતી જોવા મળી હતી.જ્યારે ખેતરોમાં પણ જ્યાં જોઈએ ત્યાં પાણી પાણી જોવા મળતું હતું. બલૈયા ક્રોસિંગ થી ફતેપુરા જતા માર્ગ ની સાઈડમાં એરટલ કંપની દ્વારા પાઇપો નાખવા કરેલ ખોદાણ બેસી જતા અકસ્માતનો ભય વધી ગયો છે.તાલુકાના મોટાભાગના ગામડાઓમાં છેલ્લા બે દિવસથી વીજ પ્રવાહ બંધ થતા લોકો મુશ્કેલી ભોગી રહ્યા છે.26 ઓગસ્ટ ના રોજ ધોધમાર વરસાદના કારણે તાલુકાના મોટાભાગના માર્ગો ઉપર વૃક્ષો પડી જતા તથા નદી,નાળા ઓના પાણી ઉપરથી પસાર થતા વાહન વ્યવહાર અટકાવી દેવામાં આવ્યો હતો.તેમાં સંતરામપુર થી ઝાલોદ તરફ જતા પાડલીયા ખાતે બે કાંઠે વહેતી નદીમાં પુલ ઉપરથી પાણી વહેતા કલાકો સુધી વાહન વ્યવહાર બંધ રહ્યો હતો.તેમજ આ રસ્તાઓ ઉપર ક્યાંક વૃક્ષો પડી જતા પણ વાહન વ્યવહાર ખોરવાયો હતો.આ નદી નાળા ઓના પાણી ઓસરતાં અને વૃક્ષો હટાવતા કલાકો બાદ વાહન વ્યવહાર પુનઃ પૂર્વવત ચાલુ કરવામાં આવ્યો હતો.
વધુ વરસાદ અને પવનના કારણે બલૈયા ખાતે બે મકાનો પડી જવા પામ્યા હોવાનું જાણવા મળે છે.પરંતુ કોઈ જાનહાની થવા પામેલ નથી.જોકે હિન્દોલીયા ખાતે મકાન પડી જતા તેમાં બાંધેલા પશુઓ ઇજાગ્રસ્ત થયા હતા.જેની જાણ દાહોદ કલેકટરને થતા તાત્કાલિક ધ્યાન આપી પશુઓને સારવાર આપવા સૂચના કરાતા પશુ ચિકિત્સક દ્વારા સારવાર કરવામાં આવી હતી.તાલુકામાં મોટાભાગના ગામડાઓમાં છેલ્લા બે દિવસથી વીજ પ્રવાહ બંધ છે.ત્યારે વરસાદી માહોલમાં લોકો અંધારા ઉલેચી રહ્યા છે.તેમજ મોબાઇલમાં ચાર્જિંગ તથા નેટ ના અભાવે લોકોનો પરસ્પરનો સંપર્ક પણ તૂટવા પામેલ છે.
જ્યારે ફતેપુરા તાલુકામાં અવિરત બે દિવસથી વરસતા વરસાદના કારણે ખેતી પાકોને જીવત દાન મળ્યું છે.પરંતુ કેટલાક ખેડૂતોએ કાળા બજારમાંથી બમણા ભાવે ખાતર લાવી ખેતીમાં મૂક્યું હતું.પરંતુ ભારે પવન સાથે આવેલા વરસાદના કારણે મકાઈની ખેતી પડી જતા મકાઈની ખેતીમાં વ્યાપક નુકસાન જવાના અણસાર જણાતા વેપારીઓએ તો લુટ્યા પણ કુદરતે પણ દગો કર્યો હોવાનો અહેસાસ થતાં ખેડૂતો ચિંતિત બન્યા છે.તાલુકામાં મોટાભાગની મકાઈની ખેતી નિષ્ફળ જવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.આમ ફતેપુરા તાલુકામાં બે દિવસથી વરસતા વરસાદ થી ફાયદો જોવાય છે.પરંતુ ખેડૂતોને ખેતીમાં નુકસાનીનો ભય પણ ઉભો થયો છે.