રાજેશ વસાવે :- દાહોદ
*જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેએ દૂધીમતી નદીકાંઠાની મુલાકાત કરી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું*
*ડેમ અને નદી કાંઠાના વિસ્તારના લોકોને પાણીમાં ન જવા અપીલ અને સાવધાની સતર્કતા રાખવા અપીલ કરી હતી*
દાહોદ તા. ૨૬
દાહોદ જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે છેલ્લા બે દિવસથી અનરાધાર વરસી રહેલા વરસાદના કારણે જિલ્લાના તમામ નદી અને ડેમમાં પાણીની આવક થતા ડેમ અને નદીમાં પાણીનો પ્રવાહ ધસમસી રહ્યો છે. ત્યારે નદી કાંઠા વિસ્તાર અને ડેમ કાંઠે લોકોને ન જવા માટે અપીલ કરાઈ છે અને સાવધાની સતર્કતા રાખવા જણાવ્યું છે.
જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેએ દાહોદ ખાતે આવેલી દૂધીમતી નદીની રૂબરૂ મુલાકાત લઈ પાણીની આવક-જાવક અંગેની માહિતી મેળવી હતી. આ મુલાકાત વેળાએ દાહોદ પ્રાંત અધિકારી સુશ્રી નીલાંજસા રાજપૂત મામલતદાર શ્રી મનોજ મિશ્રા ફાયર વિભાગના અધિકારી શ્રી દિપેશ જૈન, સહિત અધિકારી શ્રીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લાના તમામ તાલુકા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી તથા ગ્રામ્ય કક્ષાના અધિકારીઓને તાકીદ કરાઈ છે કે, વધુ વરસાદ પડે અને લોકોના જનજીવન પ્રભાવિત થાય તો તેમને સલામત જગ્યાએ ખસેડીને પ્રાથમિક સુવિધા પણ ઉપલબ્ધ કરાવવા અને કોઈ જાનમાલનું નુકશાન ન થાય તેની તકેદારી રાખવા સૂચના આપી હતી.
અને રસ્તા પર ઝાડ પડી જાય કે રસ્તો ધોવાઈ જાય કે ભયજનક લાગે તો પોલીસ તંત્રને જાણ કરીને આગોતરા પગલાં ભરવા પણ અનુરોધ કરવામાં આવ્યો હતો. આમ, વરસાદની પરિસ્થિતિમાં કંઈપણ ઘટના કે બનાવ બને તો ડિઝાસ્ટર શાખાને જાણ કરવી અને કન્ટ્રોલ રૂમના નંબર – ૦૨૬૭૩ – ૨૩૯૦૮૦ ૦૨૬૭૩-૨૩૯૨૭૭ ૦૨૬૭૩-૨૩૯૧૨૩ પર સંપર્ક કરવા જણાવાયું છે.
૦૦૦