રાજેશ વસાવે :- દાહોદ
દાહોદની એમ એન્ડ પી હાઈસ્કૂલ ને રમત ગમત ના મેદાન માટે ફાળવેલી જમીન પાલિકા એ પરત લઇ લીધી..
વર્ષો પહેલાં ફાળવેલી જમીન નો હેતુ ફેર કે ભરવાપાત્ર પ્રિમિયમ પણ નહીં ભરતા કાર્યવાહી
પાલિકા એ નગરના વિકાસ અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ માટે જમીન પરત લીધી..
દાહોદ તા. ૧૩
દાહોદ નગરપાલિકાની ટીમ દ્વારા શૈક્ષણિક સંસ્થાને રમત ગમતના મેદાન ના ઉપયોગ માટે આપેલી શહેરના મધ્યમાં આવેલી અને કરોડો રૂપિયાની લગડી જમીન પરત લીધી હોવાનું જાણવા મળેલ છે. વર્ષો પહેલા રમત ગમતના મેદાન માટે ફાળવેલી ઉપરોક્ત જમીન બાબતે શૈક્ષણિક સંસ્થા દ્વારા ફાળવવામાં આવેલી જમીન બાબતે સરકારશ્રીમાં કોઈ કાયદેસરની કાર્યવાહી ન કરતા અને નગરપાલિકા અથવા સરકારમાં ઉપરોક્ત જમીનનું ભરવાનું થતું પ્રીમિયમ અથવા ભાડું પણ ન ભર્યો હોવાનું પાલિકાને ધ્યાને આવતા પાલિકા તંત્ર નગરપાલિકાના વિકાસ તેમજ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ માટે આ જમીન પરત લીધી હોવાનો અધિકારિક સૂત્રો દ્વારા જાણવા મળે છે.
દાહોદ નગરપાલિકા દ્વારા ભૂતકાળમાં શહેરની વિવિધ સંસ્થાઓને શૈક્ષણિક હેતુ માટે તેમજ અન્ય સામાજિક હેતુ માટે મસમોટી લગડી જમીનો ઠરાવ કરીને લ્હાણી કરાઈ હતી.એ પૈકી કેટલીય સંસ્થાઓ કરવી પડતી સરકારી કાર્યવાહી ન કરી અને જમીનોને યોગ્ય હેતુ માટે ઉપયોગ ન કરી હમણાં સુધી વાપરતા હોવાનું ધ્યાને આવતા દાહોદ નગરપાલિકાએ આખરે લાલ આંખ કરી આવી જમીનો પરત લેવાની કાર્યવાહી હાથ ધરી છે. અને એ બાબતથી અનેક સંસ્થાઓમાં એક પ્રકારની દોડધામ મચી જવા પામી છે. તો કેટલીક સંસ્થાઓએ સરકારી એવોર્ડ મેળવી તેનો પ્રીમિયમ ભરી જમીનો કાયદેસર પોતાના નામે ચડાવી અને જે હેતુ માટે જમીન આપવામાં આવી હતી એ હેતુનો ઉપયોગ કરી રહ્યા છે.પરંતુ શરતભંગ કરેલ જમીનો પૈકી પરત લેવાની થતી જમીનોમાં દાહોદ ગોવિંદરોડ અને ચાકલીયારોડ ને અડીને આવેલી ફાઇનલ પ્લોટ નંબર 99 ની આશરે 20 ગુંઠા જમીન એમ. એન્ડ.પી હાઈસ્કૂલની સંસ્થાને નાણાકીય વર્ષ 2000/01 માં ખેલકુદનાં મેદાન માટે શરતોને આધીન ફાળવણી કરી હતી.અને તેનો ઠરાવ કરી એમ.એન્ડ.પી સ્કૂલનાં ટ્રસ્ટને જમીન સોંપણી કરવામાં આવી હતી.જે બાદ ઉપરોક્ત ટ્રસ્ટ દ્વારા સંચાલિત શાળા મંડળને આ જમીનના હેતુફેર માટે કાયદેસરની કાર્યવાહી જે ગુજરાત સરકારમાં કરવાની હોય છે.તે આજ દિન સુધી કરી નહોતી.એટલું જ નહિ સંસ્થાએ નગરપાલિકામાં અથવા અન્ય કોઈ સરકારી પરિપત્ર મુજબ ભરવાનું થતું પ્રીમિયમ કે ભાડું ન ભરતા આખરે આ મામલે નગરપાલિકાની નોટિસ મળ્યા બાદ પણ સંસ્થા દ્વારા કોઈ કામગીરી ન કરતા પાલિકા તંત્ર દ્વારા આજરોજ દબાણ વિભાગ તેમજ સર્વે વિભાગની ટીમ દ્વારા એમ. એન્ડ. પી. હાઈસ્કૂલને ફાળવવામાં આવેલી ઉપરોક્ત જમીનનો કબજો લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે શહેરની અન્ય સંસ્થાઓને ફાળવયેલી અને જે હેતુથી ફાળવવામાં આવી છે. તે હેતુ ન જળવાતો હોય અથવા વપરાશ ન ન થતો હોય અથવા આજદિન સુધી એ જમીન ખુલ્લી પડેલી હોય તે જમીનો નગરપાલિકાએ પોતાના વિકાસ અને સ્માર્ટ સિટી ને લગતા પ્રોજેક્ટો માટે હાલ શહેરના મધ્યમાં આવેલી લગડી જેવી કરોડો રૂપિયાની જમીનો પરત લેવાની કાર્યવાહી શરૂ કરી છે. આ મામલે નગરપાલિકાએ અચાનક લાલ આંખ કરતા શહેરભરની અન્ય સંસ્થાઓમાં અને અન્ય વ્યક્તિઓમાં એક પ્રકારનો ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.તથા કેટલાકે તો દોડધામ શરૂ કરી વ્યાજ સહિત પૈસા ભરવાની તૈયારી દર્શાવવી હોવાનું જણાવ્યું છે.પરંતુ શરતભંગ થયો હોવાથી સરકારશ્રીની સૂચના મુજબ નગરપાલિકા કોઈપણ પ્રકારનું જોખમ લેવા તૈયાર નથી. ત્યારે આજની શરૂ થયેલી કામગીરીથી નગરપાલિકા કેટલી જમીનો પોતાના હસ્તક લેવામાં સફળ રહે છે તે આવનાર સમય બતાવશે.