Thursday, 28/03/2024
Dark Mode

ઓમિક્રોન વેરિઅન્ટના ભયને લઇ દાહોદમાં પોલીસની લાલ આંખ, એક જ દિવસમાં માસ્ક મામલે 21 હજારનો દંડ વસુલ્યો

December 9, 2021
        1217
ઓમિક્રોન વેરિઅન્ટના ભયને લઇ દાહોદમાં પોલીસની લાલ આંખ, એક જ દિવસમાં માસ્ક મામલે 21 હજારનો દંડ વસુલ્યો

જીજ્ઞેશ બારીયા :- દાહોદ 

ઓમિક્રોન વેરિઅન્ટના ભયને લઇ દાહોદમાં પોલીસની લાલ આંખ, એક જ દિવસમાં માસ્ક મામલે 21 હજારનો દંડ વસુલ્યો

જન આરોગ્યના હિતમાં કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે: જિલ્લા પોલીસ વડા પાલિકાએ પણ માસ્ક અને સોશિયલ ડિસ્ટનસ બાબતે જનજાગૃત્તિ અભિયાન શરુ કર્યુ

દાહોદ તા.09

દાહોદમાં હાલ દુબઇથી આવેલા ત્રણ સિવાય કોઇ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા નથી. તેમ છતાં રાજ્ય અને દે:- dqશમાં વધતાં કેસોએ ચિંતા તો વધારી જ છે. જેથી દાહોદ શહેર સહિત જિલ્લામાં પોલીસ ફરીથી કોરોના મામલે કડકાઇ બતાવશે તેમ લાગી રહ્યુ છે. કારણ કે પેલીસે હાલમાં જ એક જ દિવસમાં માસ્ક મામલે 21 હજાર રૂપિયાનો દંડ વસુલ કર્યો છે.

 

દાહોદ જિલ્લામાં કોરોનાની બીજી લહેરમાં અત્યંત દારુણ દશા થઇ હતી. દવાખાનાઓ અને સ્મશાન ગૃહ ઉભરાઇ ગયા હતા. ત્યારે કેટલાયે બાળકોએ માવતર પણ ગુમાવી દીધા હોવાની ઘટનાઓ પણ નોંધાઇ છે. આવા કેટલાયે પરિવારો પોતાના સ્વજનોની વર્ષી પણ આવી ગઇ છે. તેવા સમયે ફરીથી કોરોનાનો ભય ઉભો થયો છે. તેમાંયે વિદેશથી ઓમિક્રોન નામનો નવો વોરિઅન્ટ આવ્યો હોવાથી ભયનુ વાતાવરણ સર્જાયુ છે.

 

બીજી તરફ દુબઇથી દાહોદ આવેલા ત્રણ વ્યક્તિઓએ ફરીથી વિદેશ જવા રિપોર્ટ કરાવતા તેઓ કોરોના પોઝિટિવ આવતા જાણે ભુકંપ આવ્યો હોય તેવી દહેશત સર્જાઇ છે. હાલ તેઓ હોમ ક્વોરોન્ટાઇન છે ત્યારે રાહત આપનારા સમાચાર એ છે કે તેમના સંપર્કમાં આવેલા તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા હોવાનું કહેવાય છે. ત્યાર પછી એક પણ નવો દર્દી નોંધાયો નથી.

 

બીજી તરકફ દાહોદ જિલ્લામાં હાલ લગ્નસરાની મોસમ પૂર બહારમાં જામી છે, ત્યારે સ્વાભાવિક રીતે જ કોરોનાને કોરાણે મુકીને લોકો માંગલિક પ્રસંગોમાં મ્હાલી રહ્યા છે. પાર્ટી પ્લોટ્સમાં પણ ભારે ભીડ જામી રહી છે તેમજ સરકારી, સામાજીક અને રાજકીય મેળાવડાઓમાં સોશિયલ ડિસ્ટન્સીંગ તેમજ માસ્કના નિયમોનો સરેઆમ ભંગ કરવામાં આવી રહ્યો છે. કારણ કે હવે સૌ કોઇ કોરોના મામલે બેફિકર થઇ ગયા છે.

 

દેશ અને રાજ્યમાં કોરોનાના કેસ ફરી વધી રહ્યા છે, ત્યારે તંત્ર પણ હવે ફરીથી સતર્ક થઇ રહ્યુ હોય તેમ લાગી રહ્યુ છે. દાહોદનો પોલીસ વિભાગ પણ હવે દંડો પછાડશે તે નિશ્ચિત માનવામાં આવે છે. કારણ કે માસ્ક ન પહેરનારા લોકો પાસેથી હાલમાં જ પોલીસે એક જ દિવસમાં રૂપિયા 21 હજારનો દંડ વસુલ્યો છે. ત્યારે જિલ્લા પોલીસ વડાએ હિતેષ જોયસરે પણ જણાવ્યુ છે કે, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગ મામલે હવે નિયમોનું કડક પાલન કરાવવામાં આવશે અને જન આરોગ્યના હિતમાં કાયદેસરની કાર્યવાહી પણ કરાવવામાં આવશે.

દાહોદ નગર પાલિકાએ પણ માસ્ક મામલે દુકાને દુકાને ફરીને જન જાગૃત્તિ આભિયાન પણ શરુ કરાવ્યુ છે, પરંતુ આવી કાર્યવાહી થોડા દિવસો સુધી અવિરત યથાવત રાખવી તે જનહિતમાં છે. દુકાનદારોએ પણ ફરીથી નો માસ્ક, નો એન્ટ્રી ની ઝુંબેશ શરુ કરવી જરુરી લાગી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!