રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ જિલ્લામાં સાવિત્રીક મેઘ મહેર:માછળનાળા ડેમ ઓવરફ્લો, સાત ગામોને એલર્ટ કરાયા.
જિલ્લાના સાત પૈકી એકમાત્ર ડેમ ઓવરફ્લો બાકીના છ હજી પણ ખાલી,ખેડૂતો ચિંતિત.
દાહોદ તા. 12
દાહોદ જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.થોડાક સમય માટે સૂર્ય નીકળતાં તેની ઉપર વાદળો છવાઇ જતાં ફરીથી વાતાવરણ વાદળછાયુ થઇ જાય છે. એક વખતના ધોધમાર વરસાદે આખા જિલ્લામાં નદી,ચેકડેમ,તળાવો, નાળા સાથે ડેમોમાં પણ પાણીની આવક વધારી હતી. ત્યાર બાદ પણ જિલ્લામાં ઝરમરિયા અને ઝાપટા સ્વરૂપે સતત વરસાદ ચાલુ જ રહ્યો હોવાને કારણે ડેમોમાં પાણીની આવક જોવા મળી રહી છે. ઝાલોદ તાલુકામાં અત્યાર સુધી સીઝનનો 61.08 ટકા વરસાદ વરસી ગયો છે.ત્યારે તેની અસર રૂપે ઝાલોદ તાલુકાનો માછણનાળા ડેમ તેની મહત્તમ સપાટી 277.64 મીટરની સપાટીની પૂર્ણ સપાટી વટાવતા ઓવર ફ્લો થવા પામ્યો છે.આ સાથે કબુતરી ડેમ પણ હાલમાં 79.85 ટકા ભરાઇ ગયો છે. દાહોદ શહેરની જીવાદોરી સમાન પાટાડુંગરી ડેમમાં પણ પાણીની આવક થતાં તે હાલમાં 45.68 ટકા ભરાયેલો નોંધાયો છે. આ સાથે અન્ય ડેમોમાં પણ પાણીની આવક થતાં ખેડુતોને રાહત થઇ છે. ગઈકાલે અને આજે જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થતા તમામ ડેમોની સપાટી વધવા પામી છે.પરંતુ એકમાત્ર માછલાળા ડેમ ઓવરફ્લો થવા પામ્યો છે. જ્યારે જિલ્લાના સાત પૈકી છ ડેમો હજી પણ ખાલી જોવા મળતા ખેડૂતો ચિંતિત જોવા મળ્યા છે.