બાબુ સોલંકી :- સુખસર
*સુખસર પંથકમાં દશામાં વ્રતની ભક્તિ ભાવપૂર્વક થતી ઉજવણી*
સુખસર,તા.11
પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થતા દિવાસાના દિવસથી ધર્મ પ્રેમી બહેનોએ મા દશામાના દશ દિવસના ઉપવાસ શરૂ કર્યા.ઉપાસક બહેનોએ વ્રતનો પ્રારંભ કરી ભક્તિ ભાવપૂર્વક ઘરે ઘરમાં માં દશામાં માંની પ્રતિમાઓની સ્થાપના કરી આનંદ, ઉમંગ અને ભારે શ્રદ્ધાપૂર્વક આ પર્વની શુભ શરૂઆત કરી રંગે ચંગે ભાવિક બહેનો ઉત્સવ મનાવી રહ્યા છે.બહેનો પોતાની યથાશક્તિ પ્રમાણે મૂર્તિઓ લાવી તેને વિવિધ પોશાકમાં અને આભૂષણોથી સજ્જ કરી માતાજીને પ્રસન્ન કરવા પૂજન અર્ચન કરતી નજરે પડે છે.દશા માં ના વ્રતથી સુખસર વિસ્તારમાં શ્રદ્ધાળુ બહેનો ભક્તિમાં રસ તરબોળ બની ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરી રહેલ હોવાનું નજરે જોતા જણાઈ આવે છે.
સુખસર સહિત કાળીયા, આફવા,બલૈયા,પાડલીયા તથા અન્ય ગામડાઓમાં માં દશામાની પ્રતિમાઓની સ્થાપના કરી સવાર સાંજ આરતી,ધૂપ,દીપ,નૈવેદ,પૂજન, અર્ચન તથા વ્રત કથાઓનું શ્રવણ થઈ રહ્યું છે.ભક્તો માતાજી પાસે જઈ મનોરથોની સિદ્ધિ માટે પ્રાર્થના કરતાં જોવા મળે છે.ઘરે ઘરમાં ગરબા ગવાતા હોય માં દશામા પ્રત્યે બહેનોની અપાર શ્રદ્ધા અને ભક્તિના દર્શન થઈ રહ્યા છે.4 ઓગસ્ટ થી શરૂ થયેલ દશામાં વ્રતની પૂર્ણાહુતિ 13 ઓગસ્ટ- 2014 બુધવાર વહેલી સવારે દશામાં ની મૂર્તિને ઊંડા જળમાં પધરાવી વ્રતની પૂર્ણાહુતી કરવામાં આવશે.