રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં લાઇબ્રેરીની સુવિધા ઉભી કરાવવા યુવક યુવતીઓનું કલેકટરને આવેદન..
દાહોદ તા. 06
આદિવાસી બાહુલી ધરાવતા દાહોદ જિલ્લામાં આદિવાસી સમાજના યુવક યુવતીઓ હવે બદલાતા સમયના વેણમાં જાગૃત બન્યા છે.મોટા પાયે થતા સ્થળાંતર તથા રોજગારના અભાવે તેઓનો સર્વાંગી વિકાસ થતો નથી. પરંતુ હવે આદિવાસી સમાજમાં શિક્ષણનો મહત્વ વધતો જાય છે. નવી પેઢી અભ્યાસ મેળવવા માટે જાગૃત બની છે. યોગ્ય ભણતર મેળવી પોતાનું ભવિષ્ય ઉજવળ બનાવવાની કામના સાથે હવે આદિવાસી સમાજમાં યુવક યુવતીઓ આગળ આવી રહ્યા છે. અને લાઇબ્રેરી જેવી સુવિધા ગ્રામ્ય મથકે ઊભી થાય તે માટે માંગ કરી રહ્યા છે.
દાહોદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સ્પર્ધાત્મક પરીક્ષા અને ભણતર મેળવવા માટે કોઈ લાઇબ્રેરી જેવી સુવિધા ન હોવાથી પાંદડી ગામના યુવક યુવતીઓ દ્વારા આજરોજ કલેકટર યોગેશ નિર્ગુડે ને આવેદનપત્ર આપી ગ્રામ્ય વિસ્તારોમાં લાઇબ્રેરીની સુવિધા ઉભી કરવા માટે રજૂઆત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારના યુવક યુવતીઓ ફિઝિકલી ફીટ હોય છે પરંતુ યોગ્ય માર્ગદર્શનના અભાવે તેઓ આગળ વધતા નથી. ગ્રામ્ય મથકે લાઇબ્રેરીની સુવિધા હોય તો તેઓને યોગ્ય માર્ગદર્શન મળે તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરવા માટે તેઓને સાનુકૂળ વાતાવરણ પણ ઉપલબ્ધ થાય જેથી તેઓના ભવિષ્યને ઉજ્વળ બનાવવા માટે પોતાની કારકિર્દી બનાવવા માટે તથા રાજ્ય તથા કેન્દ્ર લેવલે લેવાતી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ તેમજ વાંચન માટે લાઇબ્રેરી જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે તેવી માંગણી કરી છે.