રાજેશ વસાવે :- દાહોદ
શિક્ષણ વિભાગ દ્વારા પત્ર જાહેર કર્યો, આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા કાર્યક્રમો શાળામાં યોજાશે..
દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસને અનુલક્ષીને તમામ શાળા કોલેજોમાં રજા જાહેર કરાઈ..
દાહોદ તા. 06
દાહોદ જિલ્લામાં આગામી 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસનાં રોજ દાહોદની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.સાથે સાથે ત્રણ દિવસ આદિવાસી સમાજની આગવી ઓળખ ધરાવતી ભાતીગળ સંસ્કૃતિઓ આદિવાસી અસ્મિતા અને સંસ્કૃતિને ઉજાગર કરવા હેતુથી તમામ શાળાઓમાં વિવિધ કાર્યક્રમમાં યોજવા માટે નિર્દેશ કરવામાં આવ્યા છે.
સંયુક્ત રાષ્ટ્ર સંઘ યુનોએ 9 ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. જેના પગલે આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસ નિમિતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ પરંપરાગત રેલી નું આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ દાહોદ જિલ્લાનાં 8 તાલુકામાં પણ સરકારી કાર્યક્રમ યોજવામાં આવ્યા છે. આદિવાસી,સંસ્કૃતિ પરંપરા અને અસ્મિતાને ઉજાગર કરતા આ તહેવારને અનુલક્ષીને દાહોદ જિલ્લા વહીવટી તંત્રે પ્રાથમિક,માધ્યમિક,ઉચ્ચતર માધ્યમિક, સહિતની ગ્રાન્ટેડ નોન ગ્રાન્ટેડ શાળાઓ તથા કોલેજોમાં 9 ઓગસ્ટના દિવસે રજા જાહેર કરવામાં આવી છે. સાથે તારીખ 5 ઓગસ્ટ થી આઠ ઓગસ્ટ સુધી તમામ શાળાઓમાં આદિવાસી સમાજની અસ્મિતા સંસ્કૃતિને ઉજાગર કરતા કાર્યક્રમો યોજવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે.