બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના સુખસર ગામમાં પાલતુ રખડતા ગંધર્ભોથી અકસ્માતનો ભોગ બનતા વાહન ચાલકો તથા રાહદારીઓ
માલિકીના છૂટા મૂકવામાં આવતા ગધેડાઓથી અકસ્માત થાય કે રાહદારીને ઈજા થાય તો તેનો માલિક બહાના બતાવી છટકી જાય છે!
સુખસર,તા.2
ફતેપુરા તાલુકાના સુખસરમાં માલિકીના છૂટા મૂકવામાં આવતા ગધેડાઓથી અનેક ટુ વ્હીલર વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે.સાથે-સાથે આસપાસના ગામડાઓમાંથી વેપાર અથવા કોઈ કામ અર્થે અવર-જવર કરતા રાહદારી લોકોને સુખસર ગામમાં જેટલું વાહનોથી સાચવી ચાલવું પડતું હોય તેનાથી વધુ રખડતા ગધેડાઓથી સાચવીને બજારમાં નીકળવું પડતું હોવાનું આગાઉ ગધેડાઓ દ્વારા અકસ્માતના શિકાર બનેલા વાહન ચાલકો તથા રાહદારી લોકો દ્વારા જાણવા મળી રહ્યું છે.
જાણવા મળેલ વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સુખસરમાં માલિકીના છૂટા મૂકવામાં આવતા ગધેડાઓનો ત્રાસ વધી રહ્યો છે.જોકે સુખસરના પ્રજાપતિ સમાજના મોટાભાગના લોકોએ વંશ પરંપરાગત માટીકામના ધંધાને દૂર કરી અન્ય વેપાર ધંધાઓ તરફ વળ્યા છે.ત્યારે તેમની પાસે હાલ માટી તથા માટીના વાસણોની હેરફેર બંધ થતા ગદર્ભ પાલન બંધ કરેલ હોવાનું જોવા મળે છે.પરંતુ હાલ શિયાળા તથા ઉનાળાના સમયે ઇંટ ભટ્ટાઓમાં ઈંટોની હેરાફેરી માટે થોરી સમાજના લોકો દ્વારા પાલતુ ગધેડા રાખવામાં આવે છે.પરંતુ તેમના માલિકો દ્વારા પોતાના પાલતુ ગધેડાઓને છુટા મૂકી દેવામાં આવતા સુખસર ગામમાં દિવસ દરમિયાન આ ગધેડાઓ જાહેર માર્ગો ઉપર પુરપાટ દોડતા નજરે પડે છે. જેના લીધે અવાર-નવાર સુખસર ગામમાં પુરપાટ દોડી જતા ગધેડાઓ કેટલાક ટુ વ્હીલર વાહનોની અડફેટમાં આવતા વાહન ચાલકો,મહિલાઓ તથા બાળકો વાહન ઉપરથી રસ્તા ઉપર પટકાવાના અનેક કિસ્સા બની ચૂકેલા છે.
તેમજ સુખસર ગામમાં જાહેર માર્ગ ઉપર ગધેડા પુરપાટ દોડી જતા તેની અડફેટમાં આવતા કેટલાક રાહદારી લોકો શારીરિક ઈજાઓના શિકાર બની રહ્યા છે.જ્યારે કેટલીક વાર જાહેર માર્ગો ઉપર દોડી જતા આ ગધેડાઓ કોઈ મોટા વાહનની અડફેટમાં આવે છે અને ગધેડાઓને નુકસાન પહોંચે અથવા તેનું મરણ થાય ત્યારે તેના માલિક દ્વારા મરણ ગયેલ ગધેડાનો નિકાલ કરવાના બદલે આ પશુ અમારું નથી તેમ જણાવી છટકી જાય છે.હાલ બે દિવસ અગાઉ બે ગધેડાઓ કોઈ વાહનની અડફેટમાં આવતા હાલી ચાલી નહી શકતા તેના માલિકને વાત કરતા આ ગધેડા અમારા નહીં હોવાનું જણાવતા ઇજાગ્રસ્ત ગધેડાઓને ગ્રામ પંચાયત દ્વારા ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
આમ,ગધેડા પાલન કરતા લોકો પાલતુ ગધેડાની સારી સ્થિતિમાં કામ કરાવવા તૈયાર છે. પરંતુ તેમના પાલતુ ગધેડાઓ દ્વારા વાહન ચાલકો તથા રાહદારીઓને ઈજા પહોંચે કે ગધેડાને ઇજા થાય ત્યારે તેના માલિક કોઇ જવાબદારી લેવા તૈયાર થતા નથી.ત્યારે ગંદર્ભ પાલન કરતાં લોકો દ્વારા પોતાના પાલતુ ગધેડાઓની યોગ્ય વ્યવસ્થા કરે તેના માટે લાગતા- વળગતા તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામેલ હોવાનું જાણવા મળે છે.