રાજેશ વસાવે :- દાહોદ
જનતાની રક્ષક જ હાથ ઊંચા કરી દેતો પ્રજા કોના ભરોસે.??
ઝાલોદ તાલુકાના લીમડી માતા તસ્કરોથી ઘેરાયેલા પરિવારે પોલીસને જાણ કરી,પોલીસે કહ્યું આવી ને ફરીયાદ કરો.!!
હેડ કોન્સ્ટેબલ સસ્પેન્ડ કરાયો,
દાહોદ તા.01
ઝાલોદ તાલુકાના લીમડી ગામમાં અડધી રાત્રે મકાનમાં એક તસ્કરની એન્ટ્રી થાય છે, મકાન માલિક ઊંઘ ઉડતા જ ઘરમાં રહેલા સીસીટીવી ચેક કરે છે, તો તેને જાણ થાય છે કે, તસ્કર એક નહીં પણ હથિયાર સાથે પાંચથી 6 લોકો છે, જેથી તે ગભરાઈ જાય છે, તેમ છતાં તસ્કરોથી ગભરાયેલો પરિવાર જેમતેમ કરી પોલીસને ફોન કરી રક્ષણ માટે મદદ માંગતા કહે છે -‘સાહેબ પ્લીઝ જલ્દી આવો’, બીજી તરફ જનતાની રક્ષક ગણાતી પોલીસ કહે છે કે, ‘તો અહીં શું કામ ફોન કરો છો, આવીને ફરિયાદ કરો’. પોલીસ તરફથી મદદ ન મળતા તસ્કરોને જાણે મોકળું મેદાન મળી ગયું હોય તેમ ઘરમાં સર સામાન વેર વિખેર કરીને સોના-ચાંદીના દાગીના લઈને ફરાર થઈ ગયા બાદ બીજા દિવસે પોલીસ આવે છે. હાલમાં આ સમગ્ર મામલે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરનાર પોલીસ કર્મીને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અને વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.
*તસ્કરો સીસીટીવીમાં કેદ થયા.*
દાહોદના ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં એક પરિવારના ઘરે રાત્રીના સમયે આવેલા તસ્કરોએ મકાનમાં પરિવારજનો હાજર હોવા છતાં મકાનના બીજા માળે પ્રવેશ કરી મકાનમાંથી સોના-ચાંદીના દાગીના મળી અંદાજે 19 હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થયા હતા. આ બનાવમાં મકાન માલિકે પોતાના ઘરની બહાર લાગેલા સીસીટીવીમાં તસ્કરો આવતા જોતા લીમડી પોલીસને આ અંગેની મોબાઈલ ફોન મારફતે જાણ કરી હતી. જોકે, પોલીસે અરજદાર સાથે માત્ર ટાઈમ પાસ કરી તેમજ ગોળ ગોળ જવાબો જ આપ્યા હતા. લીમડી નગરમાં ઝાલોદ રોડ ખાતે રહેતાં દેવેન્દ્રકુમાર ભટેવરા(કલાલ)ના મકાનમાં તસ્કરો ત્રાટક્યાં હતાં. એક બાજુ તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા હતા તો બીજી તરફ પોલીસની મદદ ન મળતા પરિવારના સભ્યો ગભરાયેલી હાલતમાં સમગ્ર ઘટનાને નિહાળી રહ્યા હતા. હથિયાર સાથે પાંચથી છ તસ્કરો હોવાથી પરિવારના સભ્યો પણ કઈ કરી શકે તેમ ન હતા.
*પોલીસે કોઈ સંતોષપૂર્વક જવાબ ન આપ્યો..*
રાત્રે પોલીસ સ્ટેશનમાં ફોન કરનાર પ્રવિણભાઈ કલાલે જણાવ્યું હતું કે, રાત્રે ચોર ઘરમાં ઘૂસ્યા હતા. જેથી મારાભાઈએ મને ફોન કર્યો કે તુ પોલીસ સ્ટેશનમાં ફોન કર ઘરમાં ચોર ઘૂસેલા છે એટલે મારાથી વાત થાય તેમ નથી. જેથી મે પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો હતો અને પોલીસની મદદ માંગી હતી. પણ ત્યા પોલીસ સ્ટેશનમાંથી અમને રિસપોન્સ મળ્યો ન હતો અને મારી સાથે ગોળ ગોળ વાતો કરી હતી. કોઈ સંતોષપૂર્વક જવાબ આપ્યો ન હતો. અમારા ઘરમાં તો ડરનો માહોલ હતો. હથિયારો સાથે તસ્કરો આવેલા હતા. કોને કોલ કરવો કે શું કરવુ તે અમને કઈ સમજમાં જ આવતું ન હતું. પોલીસને કોલ કર્યો તો ત્યાથી પણ કોઈ સારો રિસ્પોન્સ ન મળ્યો હતો.
*હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયા..*
આ સમગ્ર મામલે ઝાલોદના Dy.SP ડી.આર.પટેલે જણાવ્યું હતું કે, પ્રવિણ કલાલ નામના એક અરજદારે રાત્રે અઢી કલાકે તેઓને ત્યા કોઈ ચોર ઈસમો આવ્યા હોવા અંગેની જાણ પોલીસ સ્ટેશનમાં ફોન પર કરતા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અજીતભાઈ ડામોરે અરજદાર સાથે ઉદ્ધાતાઈ ભર્યું વર્તન કર્યું હતું. ફરિયાદીને જે રિસ્પોન્સ આપવો જોઈએ તે રિસ્પોન્સ આપ્યો નહીં. જેના કારણે આ જે તસ્કરો છે તેઓ ચોરી કરવામાં સફળ રહ્યા હતા. તે બાબતે આ અજીતભાઈ હેડ કોન્સ્ટેબલ વિરૂદ્ધ ખાતાકિય તપાસ કરવા માટે પોલીસ અધિક્ષકને રિપોર્ટ કર્યો છે. જે રિપોર્ટના આધારે પોલીસ અધિક્ષકે તાત્કાલીક હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દીધા છે.