રાજેશ વસાવે :- દાહોદ
અવિરત મેઘમહેર.દાહોદમાં 12 કલાકમાં સવા પાંચ ઇંચ વરસાદ: ઐતિહાસિક છાબ તળાવ ઓવરફ્લો, દુધીમતી નદી બે કાંઠે..
રહેણાંક સોસાયટીની બાઉન્ડ્રી બોલ ધારાશાયી, માંછળ નાળા ડેમમાં 70% પાણી ભરાયું..
જિલ્લાની હડફ તેમજ કબૂતરી નદીએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું, ચીબોટા નદી પર કોઝ વે ધોવાયો..
દાહોદ તા.29
દાહોદ જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી મેહુલિયો મહેરબાન થતાં સમગ્ર પંથકમાં સાવત્રીક વરસાદ નોંધાવવા પામ્યું છે.જેના પગલે નદી નાળા છલકાઈ જતા જિલ્લાના તમામ ડેમોમાં નવા નીરની આવક થતા ખેડૂત પુત્રોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે. ચાર દિવસથી ચાલી રહેલા શ્રાવણિયા ઝરમર તેમજ ધોધમાર વરસાદ બાદ ખેડૂતો વાવણીની પ્રક્રિયામાં જોતરાયા છે.જૉકે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે જિલ્લાની હડફ,કબૂતરી,પાનમ,અનાસ, દુધિમતી નદી બે કાંઠે જોવા મળી હતી. માછલનાળા ડેમમાં 70% પાણીનો ભરાવો થતા નીચાણ વાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. કલેકટર શ્રી યોગેશ નિર્ગુડે તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ની ટીમ પણ માછલનાળાની મુલાકાતે પહોંચ્યા હતા. છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા અવીરત વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક છવાઈ જવા પામી છે. ગઈકાલ રાતથી સાંજના ચાર વાગ્યા સુધીમાં જિલ્લામાં 511 મિલિમિટર વરસાદ નોંધાવા પામી છે જેમાં સૌથી વધુ દાહોદમાં સવા પાંચ ઇંચ વરસાદ, ઝાલોદમાં સાડા ત્રણ ઇંચ વરસાદ, ફતેપુરામાં ત્રણ ઇંચ વરસાદ, લીમખેડામાં અઢી ઇંચ, ગરબાડામાં 17 મીલીમીટર, દેવગઢબારિયામાં દોઢ ઇંચ, ધાનપુરમાં એક ઇંચ, સંજેલીમાં દોઢ ઇંચ, તેમજ સિંગવડમાં સવા બે ઇંચ વરસાદ ખાબક્યો છે.
*દાહોદનો ઐતિહાસિક છાબ તળાવ ઓવરફલો,દુધીમતી બે કાંઠે,સોસાયટીની બાઉન્ડ્રી વોલ ધરાશાયી*
દાહોદ શહેરમાં 12 કલાકમાં સવા પાંચ ઇંચ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરવાના બનાવો સામે આવ્યા છે. ભારે વરસાદના પગલે દાહોદનો ઐતિહાસિક સિદ્ધરાજ જયસિંહ છાબ તળાવ,એક ફૂટ ઉપરથી ઓવરફ્લો થતો જોવા મળ્યો છે. સાથે સાથે દાહોદની ઐતિહાસિક ધરોહર દૂધીમતી નદી બે કાંઠે વહેંતી જોવા મળી છે.પંથકમાં વરસાદના પગલે બુવાલિયા ખાતે આવેલી શ્રીનાથજી રેસીડેન્સી બાઉન્ડ્રી વોલ જમીન દોસ્ત થઈ જવા પામી છે. ત્યારબાદ નગરપાલિકાના શોપિંગ સેન્ટર સરવે નંબર 85 માં બેઝમેન્ટમાં પણ વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા છે.
*માછળનાલાં ડેમ 70 ટકા ભરાયો:નિચાણવાળા ગામોને સાબદા કરાયા.*
વરસાદની આગાહીના પગલે તાજેતરમાં અવિરત પડી રહેલા વરસાદના કારણે દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના માછણનાળા ડેમમાં ૭૦% ટકા પાણીની આવક થતાં અગમચેતીના ભાગરૂપે સાત ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા.આ ડેમની પૂર્ણ સપાટી ૨૭૫.૯૦૦ મીટરની છે. આજે તા.૨૯/૦૭/૨૦૨૩ના રોજ ૭૦% પાણી ભરાયા છે. ડેમ પાણીથી હાલ છલોછલ ભરેલો છે ઉપરાંત હજી પણ પાણીની આવક વધવાની શકયતાએ હાલની સપાટી હાઈ એલર્ટ સ્ટેજના લેવલે થયેલ છે.આ શક્યતાઓને ધ્યાને લઇને જિલ્લા કલેક્ટરશ્રી ડો યોગેશ નિરગુડે અને ડિઝાસ્ટર શાખા મામલતદાર દ્વારા ડેમના નીચવાસના ઝાલોદ તાલુકાના ભાનપુર, ચિત્રોડિયા, ધાવડીયા, મહુડી, માંડલીખુટા, મુનખોસલા અને થેરકા એમ મળી કુલ સાત ગામોને સાવચેતીના પગલા લેવા સબંધિત સ્થાનિક લોકોને, ગ્રામ પંચાયત તેમજ તલાટી કમ મંત્રી, મામલતદાર, પ્રાંત અધિકારી તેમજ તાલુકા વિકાસ અધિકારીને સૂચના આપવામાં આવી છે.
*સંજેલીમાં ચીબોટા નદી પર બનાવેલો કોઝ વે ધોવાયો, સંજેલી પ્રતાપપુર વચ્ચે વાહન વ્યવહાર ખોરવાયો.*
સંજેલી પંથકમાં ભારે વરસાદના પગલે મામલતદાર કચેરી કવાટર્સ , તેમજ પેટ્રોલ પંપ સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. સંજેલી પંથકમાં ધોધમાર વરસાદ તેમજ ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ચીબોટા નદીમાં પૂર આવતા હિરોલા પાસે આવેલો કોઝ વે ડીપનાળુ ધોવાઈ જતા પ્રતાપપુર સંજેલી વચ્ચેનો વાહન વ્યવહાર ઠપ થઈ જવા પામ્યો છે.
*લીમખેડાની હડફ તેમજ સિંગવડની કબૂતરી નદીએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું.*
દાહોદ જિલ્લામાં અવિરત મેઘમહેર તેમજ ઉપરવાસમાં ભારે વરસાદના પગલે લીમખેડા ની હડપ નદી, તેમજ સિંગવડની કબુતરી નદીમાં સતત પાણીની આવક થતા બંને નદીઓમાં પાણીના ધસમસતા પ્રવાહ જોવા મળતા બંને નદીએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેવા ચિત્ર સામે આવ્યા છે.