બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના મોટીઢઢેલીમાં એન.આર.જી યોજના હેઠળ ખેડૂત લાભાર્થીના સર્વેમાં મંજૂર થયેલ કુવાની કામગીરીના નાણા બારોબાર ચાઉ કરાયા
એન.આર.જી યોજનામાં મંજૂર થયેલ રકમ લાભાર્થીની જાણ બહાર બારોબાર અન્ય વ્યક્તિઓએ ઉપાડી લેતા ત્રણ વિરુદ્ધ લેખિત ફરિયાદ અપાઈ
સુખસર,તા.23
ફતેપુરા તાલુકામાં સરકારની વિવિધ યોજનાઓમાં સાચા લાભાર્થીઓની સાથે કેટલાક તકવાદી તત્ત્વો ગેરરીતિ આચરી લાભાર્થીઓ સાથે છેતરપિંડી કરતા હોવાના કિસ્સા બનતા રહે છે.તેવી જ રીતે વર્ષ-2021 માં મોટી ઢઢેલીના એક ખેડૂત લાભાર્થી ના નામે એન.આર.જી યોજના હેઠળ મંજૂર થયેલ કુવાના પુરેપુરા નાણા લાભાર્થીની જાણ બહાર ગામના જ ત્રણ જેટલા ઇસમોએ ઉપાડી લેતાં તેની સુખસર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી હોવાનું જાણવા મળે છે.
જાણવા મળી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના મોટી ઢઢેલી ગામે રહેતા સુભાષભાઈ મંગળાભાઈ તાવીયાડ નાઓના સર્વે નંબરમાં વર્ષ- 2021 માં એનઆરજી યોજના હેઠળ કુવો મંજૂર કરવામાં આવ્યો હતો.આ કુવાની મંજૂરી મળતા લાભાર્થીએ કુવાની કામગીરી ચાલુ કરી હતી.અને કુવાની મંજૂરી મળી છે,અને નાણાં આવશેની આશામાં ને આશામાં 45 ફૂટ જેટલી ઊંડાઈનો કૂવો ખોદકામ કર્યો હતો.જેને પ્લાસ્ટર કરી પૂર્ણ કરી દેવામાં આવ્યો ત્યાં સુધી આ કુવા માટે મંજૂર થયેલ નાણા નહીં મળતા લાભાર્થીએ ફતેપુરા તાલુકા એન.આર.જી શાખાનો સંપર્ક કર્યો હતો.ત્યારે લાભાર્થીને જાણવા મળેલ કે આ કૂવાના મંજૂર થયેલ પૂરેપૂરા નાણા ઉપાડી લેવામાં આવ્યા છે.જેથી લાભાર્થીએ જે-તે ખાતેદારોના નામે નાણા આવેલ તેના મસ્ટરો કઢાવતા ગામના જ અને ગેરરીતિ આચરનાર લોકોના માણસોના ખાતામાં આ નાણાં નંખાવી ઉપાડી લેવામાં આવ્યા હોવાની જાણ થતા લાભાર્થી સુભાષભાઈ મંગળાભાઈ તાવીયાડના ઓએ પોતાના જ કુટુંબી એવા ત્રણ ઈસમોની વિરુદ્ધમાં નાણા ઉપાડી લેનાર ઈસમોપાસેથી નાણાં રિકવર કરી તેમની સામે યોગ્ય કાર્યવાહી કરવા તેમજ આ નાણાં કોના કોના મેળાપીપણાથી ઉપાડવામાં આવ્યા છે તેની તટસ્થ તપાસ કરવા સુખસર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી હોવાનું જાણવા મળે છે.
*:-બોક્સ:-*
*બોગસ કામગીરીના લોકેશનથી નાણાં ચૂકવાતા હોય તો તપાસ જરૂર*
એન.આર. જી યોજના હેઠળ જે-તે કામગીરી મંજૂર કરવામાં આવતી હોય તે સ્થળનું લોકેશન આપવાનું હોય છે.ત્યારબાદ જ્યાં સુધી કામગીરી ચાલુ હોય ત્યાં સુધી દરરોજ કામગીરી સ્થળના મજૂરો સાથેના ફોટા ઓનલાઇન કરવાના હોય છે.ત્યારે સાચા લાભાર્થી એ કામગીરી કરેલ સ્થળનું લોકેશન તથા મજૂરો દ્વારા કરવામાં આવતી કામગીરીના સ્થળ ઉપરના ફોટા આપ્યા વિના કે લીધા વિના તેમજ સ્થળ ઉપર કામગીરી પૂર્ણ કરવામાં આવી હોવા બાબતે ટેકનિકલની હાજરીના સ્થળ ઉપર કામગીરી પૂર્ણ થયાના ફોટા વિના એન.આર.જી શાખા દ્વારા મટીરીયલ બિલના નાણા પણ બારોબાર તકવાદી તત્વોના હાથમાં સોંપી દેતા જવાબદારોની જવાબદારી કેમ થતી નથી?
*:-બોક્સ-:*
*સાચી કામગીરી કરનાર લાભાર્થીઓને દિવસો સુધી ધક્કા ખવડાવતા એન. આર.જી શાખાના જવાબદારો?*
ફતેપુરા તાલુકા એન.આર.જી શાખામાં મોટાભાગનો સ્ટાફ પણ ગેરહાજર જોવા મળતો હોય છે. અને તેઓ તેમના અંગત કામમાં કે તેમના મળતીયા લોકોના ખાનગી સ્થળો ઉપર બેસી કામ કરતા હોય તેવી પણ ચર્ચા સાંભળવા મળે છે.ત્યારે જે લોકોએ સાચી કામગીરી કરી આગળના ડોક્યુમેન્ટ તૈયાર કરવા દિવસો સુધી ધક્કા ખાવા છતાં કામો થતા નહીં હોવાની ફરિયાદો પણ ઉઠવા પામે છે. તેમજ કેટલા કર્મચારીઓ ઓફિસમાં હાજર ન હોય જેઓને મોબાઇલ દ્વારા સંપર્ક કરવા પ્રયત્નો કરતા તેઓ મોબાઇલ પણ રિસીવ કરતા ન હોવાનું જાણવા મળે છે.જેથીફતેપુરા તાલુકા એન.આર.જી શાખા રામ ભરોસે ચાલતી હોય તેવું જણાય છે.ત્યારે ફતેપુરા તાલુકા એન.આર.જી શાખાની કામગીરી ઉપર ઉચ્ચ અધિકારીઓ ચાંપતી નજર રાખે તે પણ જરૂરી છે.