બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના મોટાનટવા જાંબુડી ખાતે ગામ ગજરા અને જાતરની અનોખી રીતે વિધિ કરતાં ગ્રામજનો
આદિવાસી સમાજમાં અનેક ગામડાઓમાં જાતર વિધિમાં ગ્રામજનો ભેગા થઈ માંડલુ કરી ગામ ગજરાની વિધિમાં કુકડા કે બકરાની બલી ચડાવે છે!
મોટા નટવાના જાંબુડી ખાતે ગામ ગજરા અને જાતર વિધિમાં જીવ હત્યા ની પરંપરા બંધ કરી શ્રીફળ વધેરી હવન કરવામાં આવ્યું
સુખસર,તા.12
ફતેપુરા તાલુકાના મોટાનટવાના જાંબુડી ગામે આદિવાસી પરંપરા મુજબ જાતર કરવાની પ્રથા આદિ કાળથી ચાલી આવે છે.દરેક ગામોમાં અને ફળિયામાં જાતરની વિધિ કરતા હોય છે.જેમાં વરસાદ પડતા નવા ઉગતા શાકભાજીનો જાતર કર્યા બાદ જ ઉપયોગ કરતા હોય છે.જાતર વિધિમાં ગામની ખેડાની માતા પર ગામજનો ભેગા થાય છે અને કુકડા કે બકરાની બલી ચડાવવામાં આવે છે. ત્યાર પછી સેવા પૂજા કરવામાં આવે છે.સાથે માંડલુ અને ગામ ગજરાની વિધિ પણ કરતા હોય છે.જેમાં પણ આખા વર્ષ દરમિયાન ઢોર પશુઓને કોઈ પણ પ્રકારની બીમારી ન આવે અને સુખ શાંતિ રહે તે માટે બડવા દ્વારા વિધિ કરવામાં આવે છે.ત્યારબાદ બકરાની બલી ચડાવે છે.આ રીતે આખા આદિવાસી સમાજમાં ગામડે- ગામડે ફળીએ ફળીએ કેટલાય નિર્દોષ જીવોની હત્યા થતી હોય છે. આદિવાસી સમાજના ઉત્થાન માટે અને અન્ય સમાજની હરોળમાં માનભેર જીવતો થાય એમાં અમુક પરંપરા રિવાજોમાં બદલાવ લાવવો ખૂબ જરૂરી છે.આમાં માતાજી ભાવના ભૂખ્યા છે. કુકડા કે બકરાની બલી ચઢાવો કે શ્રીફળનો હવન કરો માતાજી માન્ય રાખતા હોય છે.જેથી મોટાનટવાના જાંબુડી ગ્રામજનો ભેગા મળીને બલી ચઢાવવાની પ્રથા જીવ હત્યા બંધ કરીને શ્રીફળનું હવન કરીને જાતર વિધિ કરવામાં આવે છે. સાથે ગામ ગજરામાં પણ બકરાની બલિ ચડાવવાના બદલે શ્રીફળ હવન કરીને ખેડાની માતાને અરજ કરી કે,અમે હવેથી કુકડા કે બકરાની બલી આપવાના બદલે શ્રીફળ વધેરીને અને શ્રીફળનો હવન કરીને ગામ ગજરાની વિધિ કરીશું.પંચ ત્યાં પરમેશ્વર મુજબ માતાજી આ વિચારને માન્ય રાખશે આ ભાવ સાથે એક જીવ હત્યા કરવાની પરંપરા બંધ કરી અને જાતર અને ગામ ગજરાની વિવિધ કરવામાં આવી.