
મહેન્દ્ર ચારેલ :- સંજેલી
સંજેલીમાં પરિવાર સુંદરકાંડમાં ગયો ને 4 તસ્કરોનો 1.60 લાખનો હાથફેરો…
વકીલના બંગલાને મુખ્ય ગેટ તોડવાનો પ્રયાસ : તસ્કરો સીસીટીવીમાં કેદ
6 તોલા સોનું અને 250 ગ્રામ ચાંદી અને 30,000 રોકડની તસ્કરી
સંજેલી તા. ૮
સંજેલી તાલુકાના ચમારીયા રોડ પર આવેલ આવેલ સોસાયટીના મકાન માલિક સુંદરકાંડ પાઠમાં લાભ લેવા પહોંચ્યા અને તેનો લાભ લઇ તસ્કરોએ બંધ મકાનનો દરવાજો તોડી ઘરમાં પ્રવેશી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમનો હાથ ફેરો કર્યો હતો. તેમજ નજીકમાં આવેલ વકીલના બંગલામાં પણ ચોરીનો પ્રયાસ કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. સંજેલી નગરમાં ચમારિયા રોડ પર આવેલ સોસાયટીમાં રહેતા ગોવિંદ લક્ષ્મીનારાયણ લખારા પોતાના પરિવાર સાથે બપોરે મકાનને તાળું મારી અને જેસાવાડા ગામે રહેતા સાળા મનોજ લખારાને ત્યાં સુંદરકાંડ પાઠના કાર્યક્રમમાં લાભ લેવા માટે પહોંચ્યા હતા.
ત્યારે વહેલી સવારે ઘરે આવતા ઘરનો મેન ગેટ અને દરવાજો ખુલ્લો જોઈ ચોકી ઉઠ્યા હતા. જ્યારે ઘરમાં પ્રવેશી તપાસ કરતાં ઘરમાં તિજોરી અને કબાટો માનો સામાન વેર વિખેર જોવા મળતા ચોરી કઈ હોવાનું જાણવા મળ્યું હતું.જે વાત ઘરમાં તપાસ કરતા તિજોરીમાં મૂકી રાખેલા સોનાના સેલરો, બુટ્ટી, ચેન, પેન્ડલ, વીંટીમળી 6 તોલા સોનુ અને 250 ગ્રામ ચાંદી તેમજ 30000 રોકડ રકમ મળી કુલ 1 લાખ 60 હજારની મુદ્દામાલની ચોરી થઈ હોવાનું સંજેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
સાથે નજીકમાં જ રહેતા શૈલેષ રાજેન્દ્રભાઈ પટેલના મકાનમાં પણ ચોરી થઈ હોવાનું અને વકીલ અજય પ્રતાપસિંહ રાજેન્દ્રસિંહ ચૌહાણના બંગલે પણ ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વકીલ અજય પ્રતાપસિંહ ચૌહાણના બંગલાના મુખ્ય ગેટમાં તોડી અને પ્રવેશવા માટે ચડ્ડી બનીયાનધારી ચાર જેટલા લૂંટારાઓએ લગભગ અડધી કલાક સુધી ગેટ તોડવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ નિષ્ફળ ગયા હતા. વકીલના બંગલામાં પણ ચોરીનો પ્રયાસ કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. જ્યારે સંજેલી નગરમાં આ ચોરી થઈ હોવાનું જાણ થતા જ પોલીસે ડોગ સ્ક્વોડ સાથે પહોંચી અને આગળની વધુ તપાસ હાથ ધરી હતી.