રાજેશ વસાવે :- દાહોદ
દાહોદમાં લીમખેડા તાલુકાના મોટી બાંડીબાર ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી કેન્દ્ર, સસ્તા અનાજની દુકાન તેમજ પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાત લેતા કલેકટરશ્રી યોગેશ નિરગુડે
દાહોદ તા. ૬
દાહોદ જિલ્લામાં લીમખેડા તાલુકાના મોટી બાંડીબાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી તેમજ પ્રાથમિક શાળા ખાતે કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે દ્વારા આકસ્મિક મુલાકાત કરવામાં આવી હતી.
મુલાકાત દરમિયાન કલેકટરશ્રી યોગેશ નિરગુડેએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દવાઓના ઉપલબ્ધ સ્ટોક તેમજ લેબોરેટરી ટેસ્ટ વિશે માહિતી મેળવી હતી. ઉપરાંત આરોગ્ય અંગેની સેવાઓનું નિરીક્ષણ કર્યું હતું. આરોગ્ય અંગેની તમામ સેવાઓ લાભાર્થીઓને સાચા અર્થમાં મળે છે કે કેમ તેનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
મોટી બાંડીબાર આંગણવાડી કેન્દ્રોમાં પણ કલેકટરશ્રી યોગેશ નિરગુડેએ મુલાકાત લઈને બાળકોના વજન અને ઊંચાઈ ચેક કર્યા હતા. તથા પ્રાથમિક શાળા, બાંડીબાર ખાતે પણ શાળા તરફથી બાળકોને આપવામાં આવતા ભોજનની તપાસ કરી બાળકોને કેવું ભોજન આપવામાં આવે છે તેની ચકાસણી કરવામાં આવી હતી તેમજ સસ્તા અનાજની દુકાનોની પણ મુલાકાત લઈને ત્યાંના લોકોને સમયસર પૂરતું અનાજ મળી રહે છે કે કેમ તે અંગેની તપાસ કરવામાં આવી હતી. જે નિમિતે કલેકટરશ્રી યોગેશ નિરગુડેએ ગ્રામજનો જોડે સંવાદ કરી તેઓને પડતી મુશ્કેલીઓ તેમજ પ્રશ્નો અંગેની જાણકારી મેળવી હતી.
આ મુલાકાત દરમ્યાન કલેકટરશ્રી યોગેશ નિરગુડે દ્વારા કામગીરીની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન તેમજ કામગીરી સમયસર પૂર્ણ કરવા સહિત સૂચનો આપવામાં આવ્યા હતા. એ દરમ્યાન લીમખેડા પ્રાંત અધિકારી શ્રી બી.જી.નિનામા, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી મીતેશ વસાવા, અધિક મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સુશ્રી શિલ્પા યાદવ, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર સુ શ્રી ઇરા ચૌહાણ, વનવિભાગના અધિકારી શ્રી ,ક્વોલીટી મેડિકલ ઓફિસરશ્રી, તાલુકા હેલ્થ ઓફિસરશ્રી, તેમજ આરોગ્ય ટીમ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦