બાબુ સોલંકી :- સુખસર
દાહોદ જિલ્લાના ૩૫૦ સહિત ગુજરાત રાજ્યના ૭૦૦૦ HTAT આચાર્યો ૨ જુલાઈથી ગાંધીનગર ખાતે આંદોલનના માર્ગે
ગુજરાત રાજ્યમાં HTAT આચાર્યોની ભરતીના પરિપત્ર બાદ ૧૨ વર્ષ વીતવા છતાં નિયમો ન આવતા આચાર્યોમાં ભભૂકતો રોષ
સુખસર,તા.૩૦
છેલ્લા બાર વર્ષ કરતાં વધારે સમયથી રાજ્યની પ્રાથમિક શાળાઓમાં એચ-ટાટ આચાર્યોની ભરતી કરવામાં આવી છે.ભરતીના વર્ષો વિતવા છતાં હજી સુધી તેમની બદલીઓ માટેના નિયમો બહાર નહીં આવતાં આચાર્યોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.અને શિક્ષણ ખાતાને લાગતા વળગતા તંત્રને અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ નિર્ણય નહીં લેવાતા આચાર્યોના સંગઠન દ્વારા ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ૨ જુલાઈના રોજ આમરણાંત ઉપવાસ આંદોલન કરવાનો એચ ટાટ આચાર્યો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હોવાનું અને તેમાં દાહોદ જિલ્લાના ૩૫૦ એચ ટાટ આચાર્યો સહિત રાજ્યના ૭૦૦૦ આચાર્યો દ્વારા આંદોલનનો માર્ગ અપનાવવામાં આવ્યો હોવાનું અને તેમાં રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ તેમજ દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ સહિત દાહોદ જિલ્લાના ૧૨૦૦૦ શિક્ષકો દ્વારા પણ આ આંદોલનને ટેકો જાહેર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
એચ ટાટ આચાર્યોનો કાલ્પનિક ઈજાફો,વહીવટી કેડર,નિયમોનુસાર બદલી તથા ભરતી માટેનો પરિપત્ર બહાર પાડવામાં આવેલ છે.અને જેનો અમલ નહીં થતાં શિક્ષણ મંત્રીથી લઈ સચિવો સુધી વારંવાર રજૂઆતો અને બેઠકોના દોર બાદ પણ વર્ષો વિતવા છતાં બદલીઓ માટેના નિયમો જાહેર થઈ શક્યા નથી.જેના કારણે પોતાના વતન કે પોતાના પતિ કે પત્ની પાસે બદલી કરાવવા માટે ઇચ્છિત આચાર્યની બદલીઓ થઈ શકતી નથી. અને બદલીઓ અટકી પડી છે.જ્યારે શિક્ષકોમાં ચર્ચાતા પ્રશ્ન મુજબ નિયમો જાહેર કરવામાં સરકાર દ્વારા આટ આટલો વિલંબ કેમ કરવામાં આવી રહ્યો છે?એક બાજુ તેજ કેડરના શિક્ષકોના નિયમ બે વાર બદલાઈ ચૂક્યા છે.તો બીજી બાજુ આચાર્યના નિયમોને લઇ જ્યારે ત્યારે કોકડુ ગુચવાતુ જોવા મળે છે.જેને લઇ હવે આચાર્યોએ કમર કસી છે.અને હવે ગાંધીનગર ખાતે આંદોલનનો માર્ગ અપનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.પરિણામે આગામી ૨ જુલાઈના રોજ દાહોદ જિલ્લાના આચાર્યો ગાંધીનગર ખાતે બદલીઓના નિયમો માટે એચ ટાટ આંદોલન કરશે.જેમાં આખા ગુજરાતમાંથી આચાર્યો ઉમટી પડે તેવી શક્યતા જણાઇ રહી છે.
*12 વર્ષથી માંગણી સ્વીકારતી નથી, હવે ન્યાય માટે આમરણાંત ઉપવાસ આંદોલન કરીશું.*રમેશભાઈ કટારા,(પ્રમુખ,એચ ટાટ સંઘ દાહોદ જિલ્લો(સુચિત)*
અમો એચ ટાટ આચાર્યો છેલ્લા ૧૨ વર્ષ ઉપરાંતથી ભરતીની જોગવાઈ મુજબ કાલ્પનિક ઇજાફો,વહીવટી કેડર,નિયમોનુસાર બદલી અને બઢતી થી વંચિત છીએ.જોકે એક વર્ષથી નિયમો તૈયાર કરેલા છે.પણ સરકાર દ્વારા નિયમો જાહેર કરવામાં આવતા નથી.જેને લઇ ગાંધીનગર ખાતે ૨ જુલાઇના રોજ અમો ગુજરાતના તમામ એચ ટાટ આચાર્યો આમરણાંત ઉપવાસ આંદોલનમાં જોડાનાર છીએ. અને અમોને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમો આ આંદોલનમાં સક્રિય રહીશું.