બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના આફવા ગ્રામ પંચાયત મકાન બાંધકામ માટે સાત માસથી કામગીરી ખોરંભે?
કેટલાક વિઘ્ન સંતોષી લોકો દ્વારા ગ્રામ પંચાયત ભવન ગામની બહાર બાંધકામ કરવા સક્રિય: આફવા ડેપ્યુટી સરપંચ
જમીનદોસ્ત કરાયેલી ગ્રામ પંચાયતની જગ્યા ઉપર નવીન ગ્રામ પંચાયત બાંધકામ કરવા ગ્રામજનોની માંગ
સુખસર,તા.6
ફતેપુરા તાલુકાના આફવા ગ્રામ પંચાયતના નવીનીકરણ બાબતે ગામમાં અલગ-અલગ મત પ્રવર્તી રહ્યા હોવાનું જાણવા મળે છે.જેના કારણે છેલ્લા સાત માસથી ગ્રામ પંચાયતનું નિર્માણ કાર્ય અટકી પડેલ હોવાની ચર્ચા સાંભળવા મળે છે.જોકે આગળ જે જગ્યાએ ગ્રામ પંચાયત હતી તે જ જગ્યા ઉપર નવીન ગ્રામ પંચાયત ભવન નું મકાન બનાવવા માટે જૂની ગ્રામ પંચાયતનું મકાન જમીન દોસ્તી કરવામાં આવ્યું હતું.પરંતુ કેટલાક લોકો ગ્રામ પંચાયતનું સ્થળ બદલાવી અમુક લોકોને ફાયદો કરાવવા માંગતા હોવાની ચર્ચા પણ તીવ્ર બની રહી છે.અને થતી ચર્ચા મુજબ ગ્રામ પંચાયત ભવન ગામની બહાર બાંધકામ કરી કેટલાક લોકો ગ્રામજનોને નુકસાન પહોંચાડવા માંગતા હોવાની પણ ચર્ચા ઊઠવા પામી છે.ગામમા કેટલાક વિઘ્ન સંતોષી લોકો ગામની વચ્ચે ગ્રામ પંચાયત ભવન બને તેના માટે રાજી ન હોવાનું જાણવા મળે છે.તેમજ ગ્રામ પંચાયત મકાન જૂની જગ્યાએથી હટાવી પોતાના મળતીયા લોકોને ફાયદો પહોંચાડવા ગ્રામ પંચાયતનું સ્થળ બદલવા માંગી રહ્યા હોવાના આક્ષેપ પણ થઈ રહ્યા છે. જોકે એકવાર ગ્રામ પંચાયત ભવન ગામના મધ્યમાંથી બહાર બની ગયા બાદ ફરીથી ગ્રામ પંચાયત ભવન ગામ વચ્ચે આવી શકવાની શક્યતાઓ નથી. ત્યારે જે જગ્યાએ અગાઉ ગ્રામ પંચાયત હતું અને તે જગ્યાએ ગ્રામ પંચાયત બાંધકામ કરવા માટે જમીનદોસ્ત કરવામાં આવ્યું છે તે જ જગ્યાએ ગ્રામ પંચાયત ભવન બને તેવી ગ્રામજનો ઇચ્છી રહ્યા છે.ગામના કેટલાક લોકોના ફાયદા માટે સંપૂર્ણ ગામ લોકોને ગામ બહાર ગ્રામ પંચાયતના કામ અર્થે જવું પડશે.ત્યારે જે જગ્યાએ ગ્રામ પંચાયત ભવન હતું તે સ્થળે બાંધકામ કરવામાં આવે તો કોઈને નડે છે શું? તેવી ચર્ચા પણ જાગૃત લોકોમાં થઈ રહી છે.જોકે જે જગ્યાએ ગ્રામ પંચાયત ભવન હતું તે જગ્યાએ જગ્યા ઓછી પડતી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે ત્યારે આ ગ્રામ પંચાયતની ઉપર એક માળ બનાવી જગ્યાનો અભાવ દૂર થઈ શકે તેમ પણ છે.નવીન ગ્રામ પંચાયત ભવનના નિર્માણ માટે ગામજનો પોતાનો મત જણાવે તથા જરૂર પડે તો અવાજ ઉઠાવે.તેમ આફવા ગ્રામ પંચાયત ડેપ્યુટી સરપંચ હરીશભાઈ લબાનાએ જણાવ્યું છે.