રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ તાલુકાના નસીપુર ગામે દૂધિમતી નદીમાં ન્હાવા પડેલા છ પૈકી એક બાળકનું મોત, પાંચનો બચાવ..
મરણ જનાર બાળક ઘાચીવાડ વિસ્તારનો, પરિવારજનોમાં આક્રંદ..
દાહોદ તા.06
દાહોદ તાલુકાનાં નસિરપુર ગામે દુધિમતી નદીમાં નાહવા પડેલાં ઘાચીવાડા વિસ્તારના 6 પૈકી બે બાળકો ઉંડા પાણીમાં ડુબવા લાગતા એક બાળકને બચાવી લેવામાં આવ્યો છે. જ્યારે એક બાળકનું મોત નિપજ્યું હોવાનુ સામે આવ્યું છે. અકાળે બનેલી આ ઘટનાના પગલે મૃતક બાળકના પરિવારજનોમાં માતમ છવાઈ જવા પામ્યો છે.
દાહોદ શહેરના નસીરપુર ગામ પાસેથી પસાર થતી દુધીમતી નદીમાં દાહોદ શહેરના ઘાંચીવાડા વિસ્તારના છ બાળકો બપોરના સમયે નદીમાં નાહવા પડ્યા હતા. તે સમયે છ પૈકી બે બાળકો ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગતા ઉપરોક્ત બાળકોએ બુમાબુમ મચાવતા આસપાસના સ્થાનિકોએ ઉપરોક્ત ચારેય બાળકોને બહાર કાઢ્યા હતા. સાથે સાથે ઊંડા પાણીમાં ગરકાવ થયેલા બે માંથી એક બાળકને બહાર કાઢી નજીકના હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ દરમિયાન મોસીન ભુંગા નામનો બાળક ઉંડા પાણીમાં ગરકાવ થઈ જતા મોતને ભેટ્યો હતો.જોકે આ બાળકને પણ બહાર કાઢી હોસ્પિટલ લઈ જવાયો હતો પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. અકાળે બનેલી આ ઘટના ના પગલે પરિવારજનોના હૈયાફાટ રૂદન થી વાતાવરણમાં ગમગીની છવાઈ જવા પામી હતી.