રાજેશ વસાવે :- દાહોદ
દાહોદમાં ફાયર સેફટી વગર ધમધમતા ક્રિષ્ના પાર્ટી પ્લોટ ને વહીવટી તંત્રે સીલ માર્યું.
આગના બનાવ સમયે શું કાળજી લેવી જોઈએ તે અંગે પણ શહેર તેમજ તાલુકા લેવલે મોક ડ્રીલનુ આયોજન.
દાહોદ તા.06
દાહોદ શહેરમાં આવેલી હાઈરાઈઝ બિલ્ડીંગ તેમજ વાણિજ્ય એકમો ઉપર રાજકોટ ટીઆરબી ગેમઝોનમાં બનેલા આગના બનાવ બાદ વહીવટી તંત્ર દ્વારા સતત ચેકિંગ હાથ ધરી કાર્યવાહી કરવાનો દોર આજ દિન સુધી યથાવત રહેવા પામ્યો છે. તંત્રની ટીમોએ આજે વધુ એક વાણિજ્ય એકમની ચેકિંગ દરમિયાન ફાયર સેફ્ટી નો અભાવ જોવા મળતા સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરી હોવાનું સામે આવ્યું છે.
રાજકોટ ખાતે બનેલી ગોઝારી ઘટના બાદ સમગ્ર રાજ્યમાં આ ઘટનાના પડઘા પડ્યા છે. સરકારના આદેશો બાદ દાહોદ જિલ્લાભરમાં વહીવટી તંત્ર દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. દાહોદ ફાયર વિભાગે ગઈકાલે કોમ્પ્યુટર ક્લાસીસ ને ફાયર સેફ્ટીના અભાવે સીલ માર્યા બાદ આજરોજ દાહોદ શહેરના ગોદીરોડ વિસ્તારમાં આવેલા ક્રિષ્ના પાર્ટી પ્લોટની ચેકિંગ હાથ ધરતા ચેકિંગ દરમિયાન ક્રિષ્ના પાર્ટી પ્લોટ માં ફાયર સેફ્ટી નો અભાવ જોવા મળતા ફાયર ઇન્સ્પેક્ટર દીપેશ જૈન તેમજ તેમની ટીમે તાત્કાલિક અસરથી ઉપરોક્ત પાર્ટી પ્લોટ સીલ મારી નોટીસ ફટકારી દીધી છે. ખાસ કરીને રાજકોટની ગોઝારી ઘટના બાદ સફાળા જાગેલા તંત્ર દ્વારા એક તરફ આવા વગર મંજૂરીએ ચાલતા વાણિજ્ય એકમો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે તો સાથે સાથે આવા આગના બનાવો સમયે કેવા પ્રકારની કાળજી લેવી જોઈએ તે માટે મોક ડ્રિલનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.