બાબુ સોલંકી, મહેન્દ્ર ચારેલ, કલ્પેશ, દકશેષ શાહ :- સુખસર, દાહોદ, સીંગવડ, ફતેપુરા, સંજેલી, ઝાલોદ.
ધૂળની ડમરીઓ સાથે તોફાની પવન ફુકાતા વિઝિબિલિટી ઘટી,ગાજવીજ સાથે સતત ત્રીજા દિવસે કમોસમી માવઠુ
દાહોદમાં ભરઉનાળે ચોમાસાની જમાવટ, અનેક વૃક્ષો ધરાશાયી, શુભ પ્રસંગોના મંડપ ઉડ્યા.
કમોસમી વરસાદથી ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી ડૂલ થતાં અંધારપટ.
દાહોદ તા.14
ગુજરાતમાં સાયકોલોનીક સર્ક્યુલેશનની અસરના પગલે દાહોદ જિલ્લામાં સતત ત્રણ દિવસથી કમોસમી વરસાદ વરસતા વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. પંચકમાં આજે વહેલી સવારે આંકરો તાપ નીકળતા વરસાદ પડવાની સંભાવનાઓ નહીવત હતી પરંતુ સાંજ પડતા પડતા એકાએક વાતાવરણમાં પલટો આવ્યો અને દાહોદ ઉપરાંત સંજેલી ઝાલોદ સહિતના વિસ્તારોમાં ધૂળની ડમરીઓ સાથે તોફાની પવન ફુકાતા એક તરફ હાઈવે પર વિઝિબિલિટી ઘટી હતી. તો બીજી તરફ વીજળીના કડાકા ભડાકા સાથે લીમડી પેથાપુર સહિતના વિસ્તારોમાં કરા સાથે વરસાદ વરસવા પામ્યો હતો. જોકે દાહોદ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા કમોસમી વરસાદથી એપીએમસી ખાતે અનાજનો બગાડ થવા પામ્યો છે સાથે સાથે ખેતરમાં મગ,સોયાબીન કેરી, મહુડા સહિતના પાકને વ્યાપક નુકસાન પહોંચતા ખેડૂત પુત્રો પણ ચિંતામાં ગરકાવ થવા પામ્યા છે. જોકે રાજીના હવામાન વિભાગ તેમજ અંબાલાલ પટેલ દ્વારા સાત દિવસની વરસાદની અગાહી કરવામાં આવી છે ત્યારે દાહોદ જિલ્લામાં સતત ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદના પગલે ભરઉનાળે ચોમાસાની જમાવટ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયો છે.
*તોફાની પવન ફુંકાતા સિંગવડમા લગ્નનો માંડવો તેમજ પેથાપુરમાં કથાનો શમિયાનો ઉડ્યો.*
દાહોદ જિલ્લામાં સાયકોલોનીક સર્ક્યુલેશનની અસરથી તોફાની પવન સાથે કમોસમી વરસાદ વરસતા સિંગવડ તાલુકાના ચુંદડી ગામે લગ્નનો માંડવો પત્તાના મહેલની જેમ ઉડી જવા પામ્યો હતો. તો બીજી તરફ ઝાલોદ તાલુકાના પેથાપુરમાં ચાલી રહેલી ભાગવત સપ્તાહમાં બાંધવામાં આવેલો સમીયાણો પણ તોફાની પવનની લપેટમાં આવી જતા વેર વિચાર થઈ જવા પામ્યો હતો.
*તોફાની પવન ફુંકાતા સંખ્યાબંધ વૃક્ષો ધરાસાયી, ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો*
બપોર બાદ તોફાની પવન સાથે શરૂ થયેલા કમોસમી વરસાદના પગલે પંથકમાં જુદા જુદા સ્થળે સંખ્યાબંધ વૃક્ષો ધરાશાયી થવાના બનાવો સામે આવ્યા છે જેમાં ગરબાડા મેન બજારમાં માતાજીના મંદિર પાસે પીપળાનું મહાકાય વૃક્ષ જમીનદોસ્ત થયો હતો. તો પાટીયા ઝોલ ગામે હાઇવે પર વૃક્ષ પડી જતા વાહનોની અવરજવર પ્રભાવી થઈ હતી જોકે આસપાસના સ્થાનિકોએ તંત્ર સાથે ભેગા મળી વૃક્ષની ટ્રીમિંગ કરી રસ્તો ખુલ્લો કર્યો હતો. સાથે સાથે વાવાઝોડાના પગલે એમજીવીસીએલ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ કરી દેતા સંખ્યાબંધ ગામોમાં અંધારપટ જેવી પરિસ્થિતિનો નિર્માણ થયો હતો
*પંથકમાં ધૂળની ડમરીઓ સાથે પવન ફુકાતા વીઝીબીલીટી ઘટી,*
તોફાની પવન ફુકાતા દાહોદ, કતવારા, સિંગવડ, ઝાલોદ , સંજેલીના ઇડારી તળાઈ ચમારીયા ગામો ઉપરાંત દાહોદ શહેર તેમજ હાઇવે સહિત આસપાસના વિસ્તારોમાં તોફાની પવન સાથે ધૂળની ડમરીઓ ઉડતા વિઝિબિલિટી ઘટી હતી.