
રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ ખાતે ભીલ સમાજ સમૂહ લગ્નોત્સવ યોજાયો.
દાહોદ તા. ૧૦
બિરસા મુંડા ભવન દાહોદ અને દાપંમ ભીલ સમાજ પંચ દ્વારા આજરોજ દાહોદ ખાતે તપોવન ફાર્મ હાઉસમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ચાર યુગલો દિનેશ અને સુધા, ગણેશ અને નાનુ, કૃષ્ણકાંત અને ચેતના, પંકજ અને હંસા લગ્નગ્રંથિથી જોડાયા હતા.
આદિવાસી સંસ્કૃતિ અને પરંપરા મુજબ ઢોલ શરણાઈના તાલે અને રીત રિવાજોને અનુસરીને સમાજના વડીલો દ્વારા પૂજા વિધિ કરીને લગ્ન કરવામાં આવ્યા હતા. નવ યુગલોને તિજોરી, પેટી પલંગ, ટેબલ ખુરશી, રસોડોના તમામ વાસણોનું દાન આપવામાં આવ્યું હતું.
બિરસા મુંડા ભવનના પ્રમુખ શ્રી વી.એમ.પારગી, દાહોદના ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી, મંત્રી શ્રી સી.આર. સંગાડા સહિત સમાજના આગેવાનો, વડીલો, સમાજ જનો, બાળકો, યુવાઓ, મહિલાઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નવ પરિણીત યુગલોને આશિર્વાદ આપ્યા હતા.
અને આવતા વર્ષે વધુ સંખ્યામાં યુગલો જોડાય તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. લગ્નનો તમામ લોકફાળા દ્વારા બિરસા મુંડા ભવન અને દાહોદ, પંચમહાલ, મહીસાગર ભીલ સમાજ પંચ દ્વારા કરવામાં આવ્યો હતો.
સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા માટે સમૂહ લગ્ન આયોજન સમિતિએ ભારે જહેમત ઉઠાવી હતી.