રાજેશ વસાવે :- દાહોદ
લોકસભા ચૂંટણીને લઇ તમામ તૈયારીઓ પૂર્ણ કરાઇ, વેલ એન્ડ ફેર ચૂંટણી યોજવા વહીવટી તેમજ પોલીસ તંત્ર કટિબંધ.
દાહોદ જિલ્લાના 18.60 લાખ મતદારો ૯ પૈકી એક ઉમેદવારને સાંસદ તરીકે ચૂંટશે.!!
ભાજપ,કોંગ્રેસ, અપક્ષ સહિત વિવિધ પાર્ટીના નવ ઉમેદવારોના ભાવી EVM મશીનમાં સીલ થશે.
દાહોદ તા.06
લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ગઈકાલે પ્રચાર પડઘમ શાંત થયા બાદ ઉમેદવારો દ્વારા ઓટલા તેમજ ખાટલા મીટીંગોનો રાતભર દોર ચાલ્યો હતો.. આવતીકાલે સવારે 7 થી સાંજના છ વાગ્યા સુધીમાં મતદાન યોજાવા જઈ રહ્યું છે.જેમાં દાહોદ જિલ્લાના સાત વિધાનસભામાં સમાવિષ્ટ 1399 મતદાન કેન્દ્રો પર આવેલા 1958 બુથો ઉપર દાહોદ જિલ્લાની જનતા પોતાના માતાધિકારનો ઉપયોગ કરી આગામી પાંચ વર્ષ માટે દાહોદ લોકસભા બેઠક પર ઉમેદવારી કરનાર 9 ઉમેદવારો પૈકી એક ઉમેદવારને સંસદમાં દાહોદ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવા ચૂંટીને મોકલશે.જોકે મુખ્ય ચૂંટણી અધિકારી યોગેશ નિર્ગુડેની અધ્યક્ષતામાં તમામ ચૂંટણી અંગેની તમામ તૈયારીઓનો પૂર્ણ કરી દેવામાં આવી છે.આજરોજ બપોરે પ્રીસાઈડિંગ ઓફિસરો તેમજ પોલિંગ એજન્ટોને એવીએમ તેમજ વવપત મશીનો વિતરણ કરી દેવામાં આવ્યા છે.
અને તેઓ પોલીસ સુરક્ષા વચ્ચે ચૂંટણીની તમામ સાધન સામગ્રીઓ લઈ ફાળવેલા બુથો ઉપર રવાના થઈ ગયા છે. આ ઉપરાંત મતદારોને મતદાન કરવામાં કોઈ સમસ્યા ઊભી ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ઓવરરેજ મતદારો માટે, સગર્ભા માતા બહેનો, ધાત્રિ માતાઓ ,તેમજ દિવ્યાંગ મતદારો માટે અલગથી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેમની અલગથી લાઈન મતદાન મથકો ઉપર લાગશે.વહીવટી તંત્રએ આ પૂર્વે વધુમાં વધુ મતદાન થાય તે માટે સાથે વિધાનસભામાં એક એક મોડલ બુથ, દિવ્યાંગ બુથ તેમજ દાહોદમાં યુવા મતદાન કેન્દ્ર શરૂ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આદર્શ મતદાન કેન્દ્ર પણ તંત્ર દ્વારા ઉભા કરવામાં આવ્યા છે.
સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે પોલીસ તંત્ર પણ સજાગ બન્યું છે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન એસ.પી કક્ષાના બે અધિકારીઓ, ડીવાયએસપી કક્ષાના 5 અધિકારીઓ પીઆઈ કક્ષાના 9 અધિકારીઓ 51 જેટલા પીએસઆઇ 2000 જેટલા પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીની 10 કંપનીઓ, બીએસએફ સહિતના સુરક્ષા કર્મીઓ તમામ મતદાન મથકો ઉપર ચાપતો બંદોબસ્ત રાખશે.સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન લો-એન્ડ ઓર્ડર મેન્ટેન થાય તે માટે પોલીસ દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. ચૂંટણી વેલ એન્ડ ફેર પરિસ્થિતિમાં યોજાય તે માટે એસ.એસ.ટી એફ.એસ.ટી ની ટીમો પણ રાઉન્ડ ઘ ક્લોક કામ કરશે તે ઉપરાંત ક્વિક રિસ્પોન્સ ટીમની પણ દાહોદ એસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલા દ્વારા રચના કરવામાં આવી છે.પોલીસે આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ફ્રીબીજ અથવા અન્ય કોઈ રીતે ચૂંટણી પ્રભાવીત ન થાય તે માટે 9,967 જેટલા લોકો સામે અટકાયતી પગલા લીધા છે, 2,284 જેટલા પ્રોહિ કેસો કર્યા છે તદુપરાંત બે કરોડ બે લાખ ઉપરાંતની વિદેશી દારૂ પકડી છે સાથે સાથે 6 જેટલા ઈસમો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત 150 જેટલા આરોપીઓ જે નાસતા ફરતા હતા. તેઓને પણ ઝડપી પાડવામાં આવ્યા છે. આ ઉપરાંત આ વખતે જે લોકો પર અગાઉ પ્રોબીશન અંગેના કેસો થયેલા હોય અને તેઓ જામીનમુક્ત થઈ ફરી પ્રોહીબિશનની પ્રવર્તીમાં જોડાયેલા હોય તેમના માટે પ્રિવેંટીવ કાર્યવાહી અંતર્ગત 1756 જેટલા લોકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ ઉપરાંત જે લોકો આવી રીતે જામીનમુક્ત થયા બાદ ફરીથી દારૂનો ધંધો કરે છે.તેમના માટે સીઆરપીસી 122 મુજબ જામીનદારના બોન્ડ રદ કરવા માટે આ વખતે કાર્યવાહી હાથ ધરી છે જેમાં 102 લોકો સામે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય સાથે સાથે કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે મુખ્ય અધિકારી યોગેશ નિર્ગુડે તેમજ પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલા દ્વારા તમામ તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે આ ઉપરાંત બંને અધિકારીઓ તથા જાહેર સેવા સાથે જોડાયેલા જન પ્રતિનિધિઓ તેમજ સંસ્થાઓ, તેમજ ગામના પ્રસિદ્ધ વ્યક્તિઓ દ્વારા દ્વારા વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરવામાં આવી રહી છે