
રાજેન્દ્ર શર્મા :- દાહોદ લાઈવ ડેસ્ક…
દાહોદ:દીપોત્સવી પર્વ દરમિયાન GVK EMRI 108 ના 133 કર્મચારીઓ ખડે પગે સેવા આપી દિવાળીની ઉજવણી કરશે..
સામાન્ય દિવસોની સરખામણીમાં દીપાવલી પર્વ દરમિયાન 38 થી 45 ટકા કેસોનો વધારો નોંધાય છે.
દાહોદ શહેર સહિત જિલ્લાની ૩૨ જેટલી જુદી-જુદી લોકેશનો પર 133 જેટલાં GVK EMRI ના કર્મચારીઓ ડ્યુટી પર તૈનાત
દાહોદ તા.04
દિવાળી પર્વના તહેવાર દરમિયાન દાહોદ શહેર સહિત જિલ્લામાં ૧૦૮ ઇમરજન્સી સેવામાં કાર્યરત કર્મચારીઓ 133 જેટલાં કર્મચારીઓ ખડે પગે સેવા આપી દિવાળી પર્વની ઉજવણી કરશે.
આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં પ્રકાશના પર્વ એવા દીપાવલી પર્વનો એક અનેરૂ મહત્વ ધરાવે છે. દિવાળીના તહેવારો દરમિયાન દાહોદ શહેર સહીત જિલ્લામાંથી મજૂરી અર્થે બહારગામ ગયેલો એક મોટો વર્ગ પોતાના વતન આવે છે. તેમજ દિવાળી પર્વની સાથે-સાથે આદિવાસી સંસ્કૃતિ મુજબ ગાયગોરી સહિતના આદિવાસી સંસ્કૃતિ ધરાવતા પર્વની પણ ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ બધી પરિસ્થિતિઓની સાથે દિવાળીના પર્વ દરમિયાન સામાન્ય દિવસો કરતા અકસ્માતના અને દાઝવાની ઇમર્જન્સીના કેસો નું પ્રમાણ ઉંચુ રહેતું છે. સામાન્ય રીતે દરરોજ દાહોદ જિલ્લામાં આશરે 150 થી 160 જેટલા ઇમરજન્સી કેસ 108 સેવાને મળતા હોય છે. પરંતુ આગળના વર્ષોના નોંધાયેલા આંકડાઓને જોતા આ વર્ષે દિવાળીના દિવસે આશરે 200 થી 210 જેટલા કેસો એટલે 25 થી 30 ટકા જેટલો વધારો જોવા મળી શકે તેમ છે.તેવી જ રીતે નવું વર્ષ અને ભાઈબીજ પર્વના દિવસે રાત્રે 250 થી 260 જેટલા કેસો એટલે કે 38 થી 45 ટકા જેટલો વધારો કેસોમાં જોવા મળી શકે તેમ છે. હાલમાં દાહોદ જિલ્લામાં કુલ 32 જેટલી 108 એમ્બ્યુલન્સ તથા 133 લોકોની ટીમ ખડે પગે દિવાળી દરમિયાન લોકોની સેવામાં હાજર રહી દિવાળી પર્વની ઉજવણી કરશે…