દાહોદમાં લોકસભા ચૂંટણી પ્રક્રિયા શરૂ,પ્રથમ દિવસે વિવિધ પક્ષોના 16 ઉમેદવારો દ્વારા 50 ફોર્મનો ઉપાડ..
દાહોદ તા.૧૨
લોકસભા 2024 ની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયો છે. જેનાં પગલે આજથી ચૂંટણી પ્રક્રિયાની શરૂઆત થતા લોકસભાની ચૂંટણી લડવા માંગતા ઉમેદવારો દ્વારા આજરોજ ફોર્મ ઉપાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં પ્રથમ દિવસે 16 ઉમેદવારો દ્વારા 50 જેટલા ફોર્મ લીધાં હોવાનું મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા જાણવા મળેલ છે.
લોકસભા 2024 ની ચૂંટણી પંચનું જાહેરનામુ તથા ચૂંટણી નોટીસ બહાર પાડવાની તા.૧૨ એપ્રિલ, ૨૦૨૪ રાખવામાં આવી હતી જેમાં આજરોજથી ચૂંટણી પ્રક્રિયા શરૂ થતા ઉમેદવારોને ફોર્મમાં વિતરણ કરવાની કામગીરી ચૂંટણી અધિકારી દ્વારા નિયત કરેલ કચેરી દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી હતી જેમાં પ્રથમ દિવસે વિવિધ પક્ષોના 16 જેટલા ઉમેદવારોએ 50 જેટલા ફોર્મ ઉપાડ્યા હતા. જેમાં બહુજન સમાજ પાર્ટીના 2 ઉમેદવારો દ્વારા 6 ફોર્મ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 3 ઉમેદવારો દ્વારા 12 ફોર્મ, ભારતીય જનતા પાર્ટીના 2 ઉમેદવારો દ્વારા 8 ફોર્મ, ભારતીય આદિવાસી પાર્ટીના 1 ઉમેદવાર દ્વારા 4 ફોર્મ, ભારતીય જન સન્માન પાર્ટીના 1 ઉમેદવાર દ્વારા 2 ફોર્મ, ભારતીય નેશનલ જનતા દળના એક ઉમેદવાર દ્વારા 2 ફોર્મ, જનસંઘના એક ઉમેદવાર દ્વારા 2 ફોર્મ, સાત સહકાર વિકાસ પાર્ટીના એક ઉમેદવાર દ્વારા 3 ફોર્મ, તથા અપક્ષના ચાર ઉમેદવારો દ્વારા 11 જેટલા ફોર્મનો ઉપાડ થતાં ઉમેદવારી પત્ર ભરવાના પહેલા દિવસે વિવિધ 16 જેટલા ઉમેદવારોએ 50 જેટલા ફોર્મનો ઉપાડ કર્યો છે. ત્યારે ઉમેદવારી પત્રો તા.૧૨ એપ્રિલ, ૨૦૨૪ થી તા.૧૯ એપ્રિલ, ૨૦૨૪ (જાહેર રજાના દિવસો સિવાય) સુધીમાં (સવારે ૧૧.૦૦ થી બપોરે ૩.૦૦ દરમિયાન) રજૂ કરી શકાશે. ઉમેદવારે પોતાનું ઉમેદવારી પત્ર ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી, દાહોદને કલેકટર કચેરી, જિલ્લા સેવા સદન, દાહોદ ખાતે અથવા મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીશ્રી, દાહોદને પ્રાંત કચેરી, ગડી ફોર્ટ, દાહોદ ખાતે ઉમેદવારી પત્રો રજૂ કરી શકશે.
ઉમેદવારી પત્રોની ચકાસણી તા.૨૦ એપ્રિલ, ૨૦૨૪ ના રોજ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી સમક્ષ કરવામાં આવશે. ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તા.૨૨ એપ્રિલ, ૨૦૨૪ (બપોરના ૩.૦૦ કલાક સુધીમાં) છે, મતદાન તા.૭ મે, ૨૦૨૪ના રોજ સવારે ૭ થી સાંજે ૬ વાગ્યા સુધી રહેશે.