
રાજેશ વસાવે :- દાહોદ
દાહોદમાં આકાશી વીજળી પડતાં રેલવે સિગ્નલ ફેલઃ અડધો ક્લાક સમારકામ ચાલ્યું
સબરાળામાં વીજળી પડતાં રેલવે ટ્રેક ઉપર કામ કરતા બે ગેંગમેન લકવાગ્રસ્ત,108 ની સરાહનીય કામગીરી.
દાહોદ તા.12
દાહોદમાં ગુરુવારની સાંજના સમયે તોફાની પવન અને કરા સાથે ધોધમાર વરસાદ તૂટી પડયો હતો.જેમા દાહોદ તાલુકાના સબરાળા ગામે સાંજના 5.30 વાગ્યાના અરસામાં રેલવે ટ્રેક નજીક વીજળી પડી હતી.જોરદાર કડાકા ભડાકા સાથે વીજળી પડતા આસપાસના ગામમાં ભય ફેલાયો હતો.આ ઘટનામાં રેલવે ટ્રેક નજીક કામ કરી રહેલા ગેંગમેન 25 વર્ષીય બાબુભાઈ રામસીંગભાઈ ડીંડોર અને 34 વર્ષિય પ્રવીણભાઈ કશુભાઈ પસાયા વીજળીની ચપેટમાં આવતા બંને બેભાન થતા સાથી કર્મચારીઓએ 5.46 વાગ્યે 108ને જાણ કરી હતી. 108 દાહોદ-1 એમ્બ્યુલન્સના એમપી સુશીલા પટેલ તેમજ પાયલોટ નિલેશ રાઠોડ ઘટના સ્થળે જતા આ બંને કર્મચારી ગંભીર રીતે લકવાગ્રસ્ત થયેલા જણાયા હતા. જે બાદ બંનેને તાત્કાલિક રેલવે હોસ્પિટલ ,દાહોદ શિફ્ટ કર્યા હતા. વીજળી પડવાની ઘટના પગલે રેલવે નજીક આવેલું રેલવે સિગ્નલ પણ ફેલ થઈ ગયું હતું. આ ઘટના પગલે સબરાળા પહોંચેલા રેલવે કર્મીઓએ અર્ધા કલાકની જહેમત બાદ સિગ્નલ દુરસ્ત કર્યું હતું.દાહોદથી મેમુ ટ્રેન રવાના કરાય તેના પહેલા જ આ ઘટના બની હતી.જોકે રેલવે વ્યવહારને કોઈ માઠી અસર થઈ હોવાનું સામે આવ્યું નથી