બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના ભીતોડી પ્રાથમિક શાળામાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરાઈ
ભીતોડી પ્રાથમિક શાળામાં શાળાના બાળકો દ્વારા પાણીના 50 કુંડા મૂકી તેમાં દરરોજ પાણી ભરવાની જવાબદારી સોંપાઈ
સુખસર,તા.20
ફતેપુરા તાલુકાના ભીતોડી પ્રાથમિક શાળામાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં શાળાના આચાર્ય દ્વારા વિશ્વ ચકલી દિવસ ક્યારથી ઉજવવામાં આવે છે?ચકલી દિવસ કેમ ઉજવવામાં આવે છે?અને આપણે વિશ્વ ચકલી દિવસ કેવી રીતે ઉજવવો જોઈએ?જેની જાણકારી બાળકોને આપવામાં આવી હતી.સાથે વિશ્વ ચકલી દિવસ 2010 થી કરવામાં આવે છે અને ચકલીએ વિશ્વના તમામ દેશોમાં જોવા મળતું પક્ષી છે.તથા આપણા આંગણાનું પક્ષી છે.તેની સમજ આપવામાં આવી હતી.બાળક પ્રથમ વખત ચકલીને જોતું હોય છે અને બોલવાની શરૂઆત પણ કરતું હોય છે.બાળકને આપણે પૂછીએ કે ચકલી કેમકેમ બોલે તો બાળક જવાબ આપશે ચી..ચી..ચી તેવી માહિતી બાળકોને આપવામાં આવી હતી. ત્યારબાદ તમામ બાળકોને ગ્રુપ પાડીને ઉનાળાના ધૂમ ધક્કા તાપમાન પક્ષીઓને પાણીની સગવડ માટે 50 જેટલા કુંડા શાળામાં લગાવવામાં આવ્યા હતા.જેમાં દરરોજ પાણી ભરવાની અને પક્ષીઓને ચણ નાખવાની જવાબદારી જે તે ગ્રુપને સોપવામાં આવી હતી.સાથે દરેક બાળકને પોતાના ઘરે પણ પક્ષીઓ માટે પાણીનો કુંડો બાંધવાની સમજણ દરેક બાળકને આપવામાં આવી હતી.જેથી બાળકોમાં પર્યાવરણનું સંતુલન જાળવતા પક્ષીઓ પ્રત્યે સહાનુભૂતિ રાખતા થાય.સાથે ધોરણ બે થી પાંચમાં ચકલી વિશે નિબંધ લેખન સ્પર્ધા અને છ થી આઠ માં ચકલી અને ચબૂતરા વિશે ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી.આ રીતે શાળામાં વિશ્વ ચકલી દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.