રાજેશ વસાવે :- દાહોદ
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪
મીડિયા મોનીટરીંગ સેન્ટરની મુલાકાત લેતા જિલ્લા ચુંટણી અધિકારી શ્રી યોગેશ નિરગુડે
દાહોદ જિલ્લા સેવા સદન ખાતે આવેલા ગ્રીન બિલ્ડીંગમાં ઇલેકટ્રોનિક મીડિયા મોનિટરિંગ રૂમ રાઉન્ડ ધ ક્લોક કાર્યરત
આચાર સંહિતાના ભંગ, પેઇડ ન્યુઝ સહિતની બાબતો ઉપર મીડિયા મોનિટરીંગ કંટ્રોલ રૂમની બાજનજર
દાહોદ તા. ૧૭
લોકસભાની સામાન્ય ચૂંટણીની જાહેરાત થઇ ગઇ છે ત્યારે દાહોદ જિલ્લા સેવા સદન ખાતે આવેલી સ્માર્ટ સીટીની ગ્રીન બિલ્ડીંગમાં જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં મીડિયા સર્ટીફિકેશન અને મોનિટરીગ કમિટી અંતર્ગત ઇલેકટ્રોનિક મીડિયા મોનિટરિંગ રૂમ રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી રહ્યો છે અને ૧૮ જેટલા કર્મચારીઓ સતત ન્યુઝ ચેનલો ઉપર આવી રહેલા સમાચારો ઉપર ચાંપતી નજર રાખી રહ્યાં છે. જિલ્લામાં આચારસંહિતાનો ભંગ ન થાય તે સુનિશ્ચિત કરવા તેમજ પેઇડ ન્યુઝ પર ચાંપતી નજર રાખવા માટે મીડિયા સર્ટીફીકેશન અને મોનીટરીંગ કમિટી જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડેના માર્ગદર્શનમાં રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી રહી છે. લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે ભારતીય ચૂંટણી પંચના માર્ગદર્શન અનુસાર રાજ્યનાં તમામ જિલ્લામાં માધ્યમ પ્રમાણીકરણ અને દેખરેખ નિયંત્રણ સમિતિની રચના કરવામાં આવી છે. રાજ્યમાં આચાર સંહિતા લાગુ થતા જ જિલ્લામાં મીડિયા સર્ટીફિકેશન અને મોનિટરીગ કમિટીએ કામગીરી શરૂ કરી દીધી હતી અને અહીં જિલ્લા સેવા સદન ખાતે આવેલી સ્માર્ટ સીટીની ગ્રીન બિલ્ડીંગ ખાતે મીડિયા મોનિટરિંગ કંટ્રોલ રૂમને કાર્યરત કરાયો છે.
ઉમેદવારો તથા રાજકીય પક્ષો દ્વારા કરાતા ચૂંટણી ખર્ચાના નિયંત્રણ માટે ચૂંટણી પંચની માર્ગદર્શક સૂચનાઓ અનુસાર જિલ્લામાં મીડિયા સર્ટીફીકેશન અને મોનીટરીંગ કમિટીની રચના કરાઇ છે. જેના અધ્યક્ષ તરીકે જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડે તેમજ સભ્ય સચિવ તરીકે નાયબ માહિતી નિયામક શ્રી સુરેન્દ્ર બળેવીયા સહિત કુલ સાત સભ્યોની કમિટીની રચના કરવામાં આવી છે. ઉમેદવારો દ્વારા આપવામાં આવતાં પેઈડ ન્યૂઝ-જાહેરાતો જેવી બાબતો ઉપર કમિટી સતત ધ્યાન રાખી તેનું નિરીક્ષણ-નિયંત્રણ સહિતની કામગીરી કરી રહી છે.
કમિટી દ્વારા રાજકીય પક્ષો તરફથી ઈલેક્ટ્રોનિક માધ્યમોમાં પ્રચાર-પ્રસાર માટે તૈયાર કરવામાં આવતી જાહેરાતોને પ્રમાણિત કરવાની તથા ઉમેદવારોની તરફેણમાં ઉમેદવારો, સંસ્થા, ટેકેદારો તરફથી પ્રિન્ટ મીડિયામાં આપવામાં આવતી જાહેરાતો અંગેનો ખર્ચ ઉમેદવારના ચૂંટણી ખર્ચમાં ઉધારવા અંગે(પેઈડ ન્યુઝ)ની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં વિજ્ઞાપનોનું પ્રમાણીકરણ તથા પેઈડ ન્યૂઝ સંબંધી તમામ ફરિયાદોની ચકાસણીનો સમાવેશ થાય છે.
આ મુલાકાત દરમિયાન નાયબ જિલ્લા ચુંટણી અધિકારી સુ શ્રી હેતલબેન,મામલતદાર શ્રી સહિત નાયબ મામલતદાર શ્રીઓ અને મીડિયા મોનીટરીંગના સભ્ય શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦