
મહેન્દ્ર ચારેલ :- સંજેલી
સંજેલી તાલુકાના ડુંગરા ગામે પાંચ જેટલા બકરાનું મારણ કરનાર દીપડાને પાંજરે પુરવા બે પાંજરા મુકાયા..
છેલ્લા કેટલાય સમયથી આંતરિયાળ ગામોમાં વન્ય હિંસક પ્રાણીઓની અવારનવાર થતી અવર જવર
દાહોદ તા.૦૪
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ડુંગરા ગામે આજરોજ વહેલી પરોઢે ત્રાટકેલા વન્યપ્રાણી દીપડાએ એક પાકા ઘરની બાજુમાં બનાવેલ થાંભલાવાળા ઢાળિયામાં બાંધી રાખેલ પાંચ જેટલા બકરા ઉપર હુમલો કરી પાંચેય બકરાનું મારણ કરી નાસી છૂટતા ડુંગરા ગામ સહિત સંજેલી પંથકના લોકોમાં ભય સહિતનો ફફડાટ ફેલાવા પામ્યો છે. દાહોદ જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી આંતરિયાળ ગામોમાં વન્ય હિંસક પ્રાણીઓની અવારનવાર થતી અવરજવરથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમજ ઘણા ખરા ગામોમાં ગત દિવસોમાં મૂંગા પશુઓથી લઈ માનવ પરના વન્ય હિંસક પ્રાણીઓના હુમલાઓ વધ્યાના અહેવાલો પણ છે. અને વન વિભાગ દ્વારા પાંજરા મૂકી હિંસક વન્ય પ્રાણીઓને પાંજરે પુરવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા છે.તેવા સમયે આજરોજ વહેલી પરોઢે ચારેક વાગ્યાના સુમારે સંજેલી તાલુકાના ડુંગરા ગામના મંદિર ફળિયામાં લોકો પોતાના ઘરમાં નિરાંતની નીંદર માણી રહ્યા હતા. તે વખતે એક હિંસક વન્યપ્રાણી દીપડો અચાનક મંદિર ફળિયામાં આવી ચડયો. હતો. અને ડુંગરા ગામના મંદિર ફળિયામાં રહેતા સોમલીબેન ચોખલાભાઈ ભાભોરના પાકા સિમેન્ટના મકાનની બાજુમાં બનાવેલ થાંભલા વાળા ઢાળીયામાં ઘુસ્યો હતો. અને ઢાળિયામાં બાંધી રાખેલ એક સગર્ભા બકરી સહિત પાંચ જેટલા બકરા બકરી ઉપર હિંસક હુમલો કરી તે પાંચે બકરા-બકરીનું મારણ કરી ઘરધણી તેમજ ગામ લોકો દોડી આવે તે પહેલાં જ દીપડો જંગલ તરફ નાસી ગયો હતો. આ મામલે ગ્રામજનો દ્વારા સંજેલી રેન્જમાં જાણ કરવામાં આવતા સંજેલી રેન્જના આર. એફ.ઓ પોતાના સ્ટાફના કર્મીઓ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને સ્થિતીનો તાગ મેળવી સ્થળનું બારીકાઈ નિરીક્ષણ કર્યા બાદ દીપડાને પકડવા માટે વન વિભાગ દ્વારા તે વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ બે જેટલા પાંજરા મૂકી દીપડાને પાંજરે પુરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.