Wednesday, 11/12/2024
Dark Mode

દાહોદ જિલ્લામાં સિકલસેલ તેમજ એનિમિયાને નાબૂદ કરવા “એનીમિયા જાગૃતિ અભિયાન” ની શરૂઆત કરાઈ

March 2, 2024
        254
દાહોદ જિલ્લામાં સિકલસેલ તેમજ એનિમિયાને નાબૂદ કરવા “એનીમિયા જાગૃતિ અભિયાન” ની શરૂઆત કરાઈ

દાહોદ જિલ્લામાં સિકલસેલ તેમજ એનિમિયાને નાબૂદ કરવા “એનીમિયા જાગૃતિ અભિયાન” ની શરૂઆત કરાઈ

દાહોદ તા. ૨

આજરોજ દાહોદ જિલ્લામાં “એનીમીયા જાગૃતિ અભિયાન” ની શરૂઆત જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમના અધ્યક્ષસ્થાને ઠક્કરબાપા પ્રાથમિક શાળા દાહોદ ખાતેથી કરવામાં આવી હતી. દાહોદ એ આદિજાતિ બાહુલ્ય વસ્તી ધરાવતો મહત્વકાંક્ષી જિલ્લો છે. જેમાં એનીમિયા (પાંડુરોગ) અને સિકલસેલ એનિમિયાનું પ્રમાણ વધુ માત્રામાં જોવા મળે છે.એનીમિયા એ શરીરમાં રક્તકણો અને હોમોગ્લોબિનની ઉણપના કારણે થાય છે જ્યારે સિકલસેલ એનીમિયા એ વારસાગત રોગ છે, જેમાં રક્તકણો દાંતરડા આકારના થઈ જાય છે. એનીમિયાના કારણે બાળકોના વૃધ્ધિ વિકાસ અવરોધ થવો, કાર્યક્ષમતામાં ઘટાડો થવો, થાકી જવુ, હાંફ ચઢવો, અભ્યાસમાં એકાગ્રતાનો અભાવ અને શારીરિક પ્રવૃત્તિઓમાં નબળો દેખાવ જેવા લક્ષણો જોવા મળે છે.

        એનીમીયા અને સિકલસેલ એનીમીયાના કારણે સગર્ભા મહિલાઓને પ્રસુતિ દરમ્યાન રક્તસ્ત્રાવની તકલીફ થાય છે, અવારનવાર ગર્ભપાત થવા જેવી ગંભીર સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે. ઘણીવાર તે મૃત્યુનું કારણ પણ બનતુ હોય છે.એનીમીયાને અટકાવવા માટે દૈનિક આહારમાં આયર્નયુક્ત ખોરાક જેવા કે લીલાં પાંદડાવાળા શાકભાજી, ફળફળાદી, ફણગાવેલા કઠોળ વિગેરેને વિટામીન-સી યુક્ત ખોરાક સાથે લેવા જોઈએ. જ્યારે સિકલસેલ એનીમીયાને અટકાવવા તેની સમયસર તપાસ કરાવવી જોઈએ.આ અભિયાન અંતર્ગત દર મહિનાના પ્રથમ મંગળવાર અને ગુરૂવારે સ્થાનિક આરોગ્ય કર્મચારી દ્વારા જિલ્લાની તમામ શાળાઓમાં જઈ એનીમિયા અને સિકલસેલ એનીમીયા કેવી રીતે થાય છે અને તેને કઈ રીતે અટકાવી શકાય તે અંગે વીડિયો પ્રેઝન્ટેશન માધ્યમથી જનજાગૃતિ કરવામાં આવશે તથા દર ત્રણ માસે સ્થાનિક કોમ્યુનીટી હેલ્થ ઓફિસર અને આર.બી.એસ.કે. ટીમ દ્રારા જનજાગૃતિ કરવામાં આવશે.

         આ અભિયાન અંતર્ગત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી, આર.બી.એસ.કે. ટીમ તથા આરોગ્ય અને શિક્ષણ વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત તમામ તાલુકાઓમાં પણ “એનિમિયા જાગૃતિ અભિયાન” ની શરૂઆત શાળાઓમાં ઉપસ્થિત રહેલ પદાધિકારીશ્રી/અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.

૦૦૦

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!