બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના કાળીયા પ્રાથમિક શાળાના બાળકો દ્વારા પ્રિ-વોકેશનલ કાર્યક્રમ અંતર્ગત સુખસરના વિવિધ સ્થળોની મુલાકાત લેવામાં આવી
કાળીયા પ્રાથમિક શાળાના બાળકોને ધંધાદારી તથા સરકારી સાહસોની કામગીરીથી વાકેફ કરાયા
સુખસર,તા.28
હાલ ફતેપુરા તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓ દ્વારા ખાનગી ધંધાદારી ઓની તેમજ સરકારી વિભાગના કર્મચારીઓની કામગીરી અને ફરજો વિશે બાળકોને માહિતગાર કરવામાં આવી રહ્યા છે.તેવી જ રીતે આજરોજ મોટા કાળીયા પ્રાથમિક શાળાના બાળકોને સુખસર ખાતે આવેલ ખાનગી તથા સરકારી સ્થળોની મુલાકાત કરાવવામાં આવી હતી.જેમાં શાળાના બાળકોને જે તે જગ્યાની કામગીરી વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.
જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સુખસર પાસે આવેલ મોટા કાળીયા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ છ થી આઠ ના વિદ્યાર્થીઓને પ્રિ-વોકેશનલ કાર્યક્રમ અંતર્ગત સુખસરના વિવિધ સ્થળોની મુલાકાત કરાવવામાં આવી હતી.જેમાં બાળકોને ઇંટ ભઠ્ઠામાં ઈંટો કેવી રીતે બનાવવામાં આવે છે?અને તે બનાવ્યા બાદ તેને કઈ રીતે પાકી કરવામાં આવે છે?તે વિશે ભટ્ટા સંચાલકો દ્વારા બાળકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.જ્યારે બાળકોને પેટ્રોલ પંપની પણ મુલાકાત કરાવવામાં આવી હતી. જેમાં પોતાના વાહનોમાં પેટ્રોલ ડીઝલ ભરાવવા માટે આવતા ગ્રાહકોને પોતાની ગાડીમાં જેટલાં નાણાંનુ પેટ્રોલ ભરવામાં આવે છે કોમ્પ્યુટર સિસ્ટમથી કેવી રીતે ભરવાનું હોય છે?તેના વિશે માહિતગાર કરાયા હતા.ત્યારબાદ સોમીલની મુલાકાત કરાવવામાં આવી હતી.તેમાં ઈલેક્ટ્રીક મશીનો દ્વારા લાકડાઓ કઈ રીતે વહેરવામાં આવે છે?અને તેમાં શું ધ્યાન રાખવાનું હોય છે?તેની સમજણ આપવામાં આવી હતી.108 એમ્બ્યુલન્સની મુલાકાત દરમિયાન ઉપસ્થિત બાળકોને 108 ની કામગીરી તથા આ એમ્બ્યુલન્સનો ક્યારે અને કેવી રીતે લાભ લઈ શકાય તે વિશે પાયલોટ તથા ઇ.એમ.ટી દ્વારા માહિતગાર કરાયા હતા.
જ્યારે સુખસર પોલીસ સ્ટેશનની મુલાકાત દરમિયાન સુખસર પી.એસ.આઇ જી.બી ભરવાડ દ્વારા મુલાકાતથી બાળકોને આવકાર આપી પોલીસ સ્ટેશન દ્વારા પ્રજા માટે પોલીસ કેવી રીતે ઉપયોગી છે?તેમજ વિવિધ ગુનાહિત પ્રવૃત્તિ આચરતી હોય ત્યારે પોલીસની સેવાનો નિઃસંકોચ લાભ લેવા જણાવ્યું હતું.તેમજ પોતાના વડીલો વાહનો ચલાવતા હોય તો કયા નિયમો ધ્યાનમાં રાખવા અને કયા નિયમો વાહન ચાલકોએ પાળવા જોઈએ તેના વિશે માહિતગાર કરાયા હતા.સાથે સાથે સુખસર પોલીસ સ્ટેશનના વિવિધ ટેબલોની બાળકોને મુલાકાત કરાવી જે-તે ટેબલ ઉપર કરાતી કાર્યવાહી વિશે બાળકોને સમજ આપવામાં આવી હતી.કાળીયા પ્રાથમિક શાળાના બાળકોએ બેંકની પણ મુલાકાત લીધી હતી.જ્યાં બેંકની કાર્યરીતિ વિશે બેંકના કર્મચારીઓએ માહિતી આપી હતી.સાથે સાથે બાળકોએ સુખસર આઈ.ટી.આઈ ની મુલાકાત લીધી હતી.અને આઈ.ટી.આઈ માં વિવિધ ટ્રેડોની અપાતી તાલીમ વિશે આઈ.ટી.આઈ ના ઇન્સ્ટ્રકટરો દ્વારા વિગતે સમજણ આપવામાં આવી હતી.સુખસર કૃષિ શાળાની મુલાકાત દરમિયાન શાળામાં બાળકો માટે ઉપલબ્ધ રમત-ગમતના મેદાન,સાધન સુવિધાની પ્રત્યક્ષ જાણકારી આપવામાં આવી હતી.
જ્યારે માટી કામ કરતા પ્રજાપતિ સમાજના હરજીભાઈ પ્રજાપતિની બાળકોને મુલાકાત કરાવતા તેઓએ માટીના જે-તે વાસણો બનાવવા માટી ને કેવી રીતે કેળવવામાં આવે છે?તથા માટીના વાસણો બનાવવા કેટલી મહેનત મજૂરી કરવાની હોય તેના વિશે માહિતી આપી હતી.તેમજ બાળકોની લુહારી કામ કરતા કારીગરની મુલાકાત દરમિયાન લુહારી કામ કરવા માટે કયા સાધનોનો ઉપયોગ કરવામાં છે?તેમજ લુહારી કામ કામગીરી બાબતે બાળકોને માહિતગાર કરાયા હતા. દિવસ દરમિયાન વિદ્યાર્થીઓને અલગ અલગ જગ્યાઓની મુલાકાત કરાવતા વિવિધ જગ્યાઓની કામગીરી બાબતે પ્રત્યક્ષ સમજણ મેળવી બાળકોએ પ્રસન્નતા અનુભવી હતી.