#DahodLive#
દાહોદના નવીન અને અધ્યતન સુવિધાઓ થી સજ્જ રેલ્વે સ્ટેશન નું વડાપ્રધાન મોદીના હસ્તે વર્ચ્યુઅલ ઉદ્દઘાટન
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પુનઃવિકસિત થનાર દેશના ૫૫૪ રેલવે સ્ટેશનોનો શિલાન્યાસ કર્યો
પહેલાના સમયના જર્જરિત રેલવે સ્ટેશનો આજે વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં આધુનિક અને સુવિધાસભર બની રહ્યા છે-સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોર
દાહોદ તા. ૨૬
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈ અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ દેશના ૫૫૪ રેલવે સ્ટેશનોનો શિલાન્યાસ તથા ૧૫૦૦ જેટલા રેલવે ફ્લાયઓવર તેમજ અંડરપાસના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરી ૪૧ હજાર કરોડની રેલવે પરિયોજનાઓની દેશવાસીઓને ભેટ આપી હતી.આ ઉપક્રમ અંતર્ગત દાહોદ રેલવે સ્ટેશનના પુનઃવિકાસનો શિલાન્યાસ તેમજ ફ્લાયઓવરના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત પણ વડાપ્રધાનશ્રીએ કર્યા હતા.
પ્રાસંગિક ઉદબોધન કરતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે આજનું ભારત મોટા સપના જુએ છે અને તેને પૂર્ણ કરવા માટે દિવસ રાત એક કરે છે. શિક્ષણ, મેડિકલ સંસ્થાન, રેલવે સહિતના ક્ષેત્રે સરકાર આધુનિકરણ કરી રહી છે. આજે ૪૦ હજાર કરોડથી વધુના રેલવેના વિકાસ કામો એક સાથે પરિપૂર્ણ થયા તે તેનું ઉદાહરણ છે. વિકસિત ભારતના મુખ્ય સૂત્રધાર દેશના યુવાઓ છે તેમ જણાવતા વડાપ્રધાનશ્રીએ કહ્યું કે યુવાઓને આ વિકાસ કામો થકી નવા રોજગારની વિપુલ તકો પ્રાપ્ત થશે. વિકસિત ભારત યુવાઓના સપનાનું ભારત છે અને યુવાઓના સપના, મહેનત અને મોદીનો સંકલ્પ એ વિકસિત ભારતની ગેરંટી છે.આજે શિલાન્યાસ થયેલ પુનઃવિકસિત થનાર રેલવે સ્ટેશન તેની સ્થાનિક સંસ્કૃતિને કેન્દ્રમાં રાખી નવો આકાર પામનાર છે જે પોતાના શહેરની વિશેષતાઓનો દુનિયાને પરિચય કરાવશે.ગરીબ અને મધ્યમ વર્ગ માટેની રેલવે સુવિધા આજે એરપોર્ટ જેવી આધુનિક બની રહી છે.આગામી સમયમાં ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થ વ્યવસ્થા બનાવવા સરકાર પૂરજોશમાં પ્રયત્નશીલ છે.
સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોરે જણાવ્યું કે તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસની અનેક ભેટ હાલારને અર્પણ કરી છે.ત્યારે આજે ફરી રેલ્વે સ્ટેશનના નવીનીકરણનો શિલાન્યાસ કરી નાગરિકો માટે રેલ સુવિધાઓનો ઉમેરો કર્યો છે.પહેલાના સમયના જર્જરિત રેલવે સ્ટેશનો આજે વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં આધુનિક અને સુવિધાસભર બની રહ્યા છે. તેમજ જિલ્લાના જે વિસ્તારોમાં રેલ નથી પહોંચી રહી તેવા વિસ્તારોને રેલ્વેથી જોડવા પણ પૂરતા પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.આ તકે સાંસદશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે સાંસદ તરીકે કરેલી વિસ્તારના વિકાસની રજૂઆતો અંગે વડાપ્રધાનશ્રીએ હંમેશા હકારાત્મક અભિગમ દાખવ્યો છે અને ત્વરિત નિર્ણયો લઈ દાહોદ સંસદીય ક્ષેત્રના અનેક વિકાસ કામો તથા લાભો મંજુર કરી સમગ્ર વિસ્તારને વિકાસની એક નવી દિશા આપી છે.
કાર્યક્રમ અંતર્ગત વિકસિત ભારતની થીમ પર વિવિધ ૭૫ શાળાઓના ૭,૯૫૦ જેટલા વિદ્યાર્થીઓ નિબંધ તથા ચિત્ર સ્પર્ધામાં સહભાગી થયાં હતાં જેમાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અર્પણ કરી મહાનુભાવોના હસ્તે સન્માનિત કરાયાં હતા.
અમૃત સ્ટેશનોની મુખ્ય વિશેષતાઓ દરેક સ્ટેશનનો શહેરના સિટી સેન્ટરના સ્વરૂપમાં વિકાસ થશે રૂફ પ્લાઝા, શોપિંગ ઝોન, ફૂડ કોર્ટ, ચિલ્ડ્રન પ્લે એરિયા જેવી સુવિધાઓ પ્રવાસીઓની સુવિધા માટે અલગ અલગ પ્રવેશ અને નિકાસ દ્વાર તથા મલ્ટી લેવલ પાર્કિંગ લિફ્ટ, એસકેલેટર, એક્ઝિક્યુટિવ લોન્જ, વેઇટિંગ એરિયા તથા દિવ્યાંગો માટે અનુકૂળ સુવિધાઓ આમ, કનેક્ટિવિટી મલ્ટી મોડલ એકીકરણથી પુનઃવિકસિત આ રેલવે સ્ટેશન દેશના સામાજિક તથા આર્થિક પ્રગતિના કેન્દ્ર બનશે.
આ પ્રસંગે નગર પાલિકાના પ્રમુખ શ્રી નીરજ દેસાઇ, નગરપાલિકાના ઉપ પ્રમુખ સુ શ્રી શ્રદ્ધા ભડંગ, જિલ્લા પંચાયતના સભ્ય શ્રી સુધીરભાઈ લાલપુરવાલા, રેલવેના અધિકારી શ્રીઓ સહિત દાહોદ નગરપાલિકાના કાઉન્સિલરશ્રીઓ સહિત બહોળી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦