બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના સુખસર ખાતે રોહિત સમાજ દ્વારા સંત શિરોમણી રોહીદાસજીની 647મી જન્મ જયંતીની ઉત્સાહભેર ઉજવણી કરાઈ
સંત શિરોમણી રોહીદાસજી જન્મોત્સવની ઉજવણીમાં રોહિત સમાજ સહિત અન્ય સમાજના સભ્યોએ સહકાર આપ્યો
સુખસર,તા.25
મધ્યકાલીન સમયના સંત શિરોમણી રવિદાસ મહારાજની જન્મ જયંતીની સુખસર ખાતે રોહીદાસ સમાજના આગેવાનો સહિત સુખસર ગામના વિવિધ સમાજના સભ્યો દ્વારા સંત શિરોમણી રોહીદાસજીની 647મી જન્મ જયંતીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.સુખસર ખાતે દયાળુ હનુમાનજી મંદિર ખાતેથી પ્રસ્થાન થયેલી શોભાયાત્રામાં આરતી પૂજા કર્યા બાદ સુખસર ગામમાં ભક્તિ ભાવપૂર્વક શોભાયાત્રા કાઢવામાં આવી હતી.રોહીદાસજી જન્મોત્સવની ઉજવણી કરતા રોહિત સમાજના મોટી સંખ્યામાં ભાઈ-બહેનો એ હાજર રહી સુખસર ગામમાં સંત રવિદાસ મહારાજની વાજતે-ગાજતે શોભાયાત્રા કાઢવામાં આવી હતી.જેમાં ગામના તમામ સમાજના લોકોએ સહકાર આપી શોભાયાત્રામાં જોડાયા હતા.
સંત શિરોમણી રોહીદાસજીની 647મી જન્મ જયંતી નિમિત્તે સંત શિરોમણી રોહીદાસજીની છબીને ફુલહાર પહેરાવી શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.જેમાં હુતિયા પરગણા રોહિત સમાજના પ્રમુખ ગનાભાઈ ભૂનેતર સંતરામપુરની અધ્યક્ષતામાં સમાજના આગેવાનો દેવચંદભાઈ પરમાર નાની ઢઢેલી, દિલીપભાઈ પરમાર,મગનભાઈ ભૂનેતર સુખસર,કાળુભાઈ સોલંકી વટલી, રમેશભાઈ સોલંકી માંડલી,રમણભાઈ માધવીયા વાંકાનેર,શાંતિલાલ સિસોદિયા,વિક્રમભાઈ પરમાર ફતેપુરાના આયોજનથી સુખસર દયાળુ હનુમાન મંદિરેથી પૂજા,આરતી બાદ વાજતે-ગાજતે સંત શિરોમણી રોહીદાસજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી.
આ શોભાયાત્રામાં આર.એસ.એસ ના મુકેશભાઈ પીઠાયા આફવા સહિત તેમની ટીમના સભ્યોએ પણ સારો સહકાર આપ્યો હતો.દયાળુ હનુમાન મંદિરેથી નીકળેલી શોભાયાત્રા સુખસર ગામમાં પોલીસ સ્ટેશન રોડ,પંચાલ ફળિયા,પીપળી ચોક,બસ સ્ટેશન વિસ્તાર, સંતરામપુર હાઇવે માર્ગથી પસાર થઈ પરત આ શોભાયાત્રા દયાળુ હનુમાનજી મંદિર ખાતે આવી પહોંચી હતી.તે દરમિયાન પોલીસ સ્ટેશન ચોક ખાતે રોહિત સમાજના સભ્યો સહિત સુખસર ગામના તમામ સમાજના સભ્યોએ મળી સંત શિરોમણી રોહીદાસજીની જન્મ જયંતીને અનુલક્ષીને ગરબાનું પણ આયોજન કર્યું હતું.જે લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. રોહિત સમાજના ભાઈઓ-બહેનો અને વડીલો અને અન્ય સમાજના સભ્યોએ શોભાયાત્રામાં સહભાગી બની ગુરૂ જન્મોત્સવની ઉલ્લાસભેર ઉજવણી કરી ધન્યતા અનુભવી હતી.