બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરાના કાળીયા વલુંડા ગામેથી જાગૃતિ કન્યા વિદ્યાલય સુધી મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં રસ્તો બનાવવાની માંગ કરાઇ
ફતેપુરા તાલુકાના કાળિયા વલુન્ડા ગામે હનુમાનજીની ટેકરીવાળા બાયપાસ નવીન રસ્તાને બનાવવામાં માટે ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી
સુખસર,તા.૬
ફતેપુરા નગરને અડીને આવેલા કાળીયા વલુંડા ગામમાંથી પસાર થતો રસ્તો જે હનુમાન ટેકરી થઈને જાગૃતિ કન્યા વિદ્યાલય થઈને નવીન બસ સ્ટેશન સુધી જઈ રહ્યો છે.આજુબાજુના જમીનદારોએ રસ્તો બનાવવા માટે જમીન તો આપી દીધી છે.વાહનોની અવર-જવર પણ થઈ રહી છે.
પરંતુ આ રસ્તા ઉપર કામ ચલાઉ રસ્તો બનાવવાના કારણે ખાડા ટેકરા તેમજ ધુળની ડમરીઓ ઉડી રહી છે.જેના કારણે બાયપાસ જતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.તથા આ રસ્તા ઉપર બાલવાડી થી ૧૨ ધોરણ સુધીની શાળાઓ પણ આવેલી છે.શાળાઓએ જતાં વિદ્યાર્થીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સલરા જિલ્લા પંચાયતના સભ્ય,
તાલુકા સભ્ય તેમજ ગ્રામજનો દ્વારા ૧૨૯ વિધાનસભાના ધારાસભ્ય રમેશભાઈ ભુરાભાઈ કટારાને નવીન રસ્તો બનાવવા માટે રજૂઆત કરવામાં આવી છે.જો આ રસ્તો ઝડપથી બનાવવામાં આવે તો ભારે તેમજ હલકા વાહનોને કારણે ફતેપુરા નગરમાં થતી ટ્રાફિકની સમસ્યાનો પણ ઉકેલ આવશે.તેમજ નવીન બસસ્ટેશન તેમજ રાજસ્થાન તરફ જતાં વાહનો તેમજ રાહદારીઓને નગરમાં પસાર થયા વગર સીધા ઝાલોદ બાયપાસ રસ્તે પહોંચી જવાશે.ત્યારે સત્વરે આ રસ્તો મંજૂર કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.