
બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના ઘૂઘસ ગામે કનાગરા મહાદેવ મંદિરે ચાર પંચાયતોની સમાજ સુધારણા મીટીંગ યોજવામાં આવી
સમાજમાં ચાલતા કુરિવાજોને દૂર કરી સમાજને શિક્ષિત અને સંગઠિત બનાવવા અને વ્યસનો અને ફેશનથી દૂર રહી સમાજને આગળ લાવવા આહવાન કરવામાં આવ્યું
સુખસર,તા.૨
ફતેપુરા તાલુકાના ઘૂઘસ ગામે કનાગરા મહાદેવ મંદિર પર ઘૂઘસ ખુટા, નળવા અને બીલવાળ પંચાયતોની સમૂહમાં સમાજ સુધારણા મીટીંગ આદિવાસી ઉત્કર્ષ મંડળના નેજા હેઠળ અને તાલુકા પ્રમુખના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી.જેમાં સરપંચો અને આજુબાજુ માંથી મોટી સંખ્યામાં યુવાનો,વડીલો અને આગેવાનો હાજર રહ્યા હતા.સમાજ સુધારણા અંતર્ગત ચર્ચા વિચારણા અને ચિંતન કરવામાં આવ્યું હતુ.સૌ પ્રથમ શંકરભાઈ કટારા દ્વારા ઉપસ્થિત સમાજના નાગરિકો સાથે રમુજી અને આગવી શૈલીમાં તમામને ખૂબ સારી રીતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જેમાં ખોટા ખર્ચાઓ દૂર કરીને સમાજને શિક્ષિત અને સંગઠિત બનાવવા,વ્યસનો અને ફેશનોથી દૂર રહીને સમાજને શિક્ષિત અને સંસ્કારી બનાવવા તેમજ અન્ય સમાજની હરોળમાં ચાલવાની હાંકલ કરી હતી.દ્રષ્ટાંતો દ્વારા દેખાદેખી માંથી બહાર આવવા માટે આહવાન કરવામાં આવ્યું હતુ.ત્યારબાદ ઉત્કર્ષ મંડળના પ્રમુખ સરદારભાઇએ યુવાનોને જાગૃત થઈ આવનાર સમય ગામનું ભવિષ્ય તમારા હાથમાં છે.જેથી ભણી ગણીને આગળ વધો અને સાથે દહેજ દારૂ ડીજે અને દેખાદેખી જેવી બાબતોમાંથી બહાર આવવા માટે જણાવવામાં આવ્યું હતું.ત્યારબાદ મંડળના પ્રમુખ દ્વારા સમાજના આ મુજબના નવીન નિયમનો વાંચન કરવામાં આવ્યું હતુ. અને નિર્ણય કરવામાં આવ્યો હતો કે, વર પક્ષ પાસેથી કન્યાના લગ્નનો ખર્ચ રૂપિયા ૧,૫૧૫૫૧/-,ત્રણ તોલા સોનાના તથા પાંચસો ગ્રામ ચાંદીના દાગીના આપવાનો ઠરાવ કરવામાં આવ્યો છે તેમજ જમણવારમાં દાળ ભાત કંસાર અથવા બુંદી નું ભોજન રાખવા નું જણાવ્યું હતું.
દારૂ અને ડી.જે સિસ્ટમ સદંતર બંધ કરવા અને લગ્ન પ્રસંગમાં ડી.જે સિસ્ટમ લાવશે તેને પચાસ હજાર રૂપિયા દંડ કરવાનો પણ કરાર કરવામાં આવ્યો છે.ગામમાંથી આદિવાસી સમાજની છોકરી ભાગી જાય તો રૂપિયા ૨,૦૦૫૫૧/-ભગાવી જનાર વ્યક્તિ પાસેથી વસૂલાત કરવાનો જ્યારે આદિવાસી સમાજની કન્યાના અન્ય સમાજમાં લગ્ન કરાવનાર કન્યાના પિતાને રૂપિયા ૫,૫૧૦૦૦/-દંડ કરવાનો પણ કરાર પણ કરવામાં આવ્યો છે. જ્યારે નોકરીયાત કન્યાના લગ્ન માટે વર પક્ષ પાસેથી લગ્નના ખર્ચ માટે રૂપિયા ૨,૨૫૫૫૧/-, સાત તોલા સોનાના તથા ૫૦૦ ગ્રામ ચાંદીના દાગીના આપવા ઠરાવાયું છે.જ્યારે પત્ની હયાત હોવા છતાં અને પત્નીની સંમતિ વિના બીજી પત્ની ઘરમાં લાવશે તેવા વ્યક્તિને રૂપિયા ૫,૦૦૦૦૦/- લાખ દંડ કરવા તેમજ નિયમ મુજબ કન્યાના ૧૮ વર્ષ તથા વરના ૨૧ વર્ષ પહેલા લગ્ન કરી શકાશે નહીં તેવું પણ ઠરાવવામાં આવ્યું છે.આ તમામ નિયમોને ઉપસ્થિત લોકોએ ખુશીથી સહર્ષ સર્વાનુંમતે સ્વીકારવામાં આવ્યા હતા.