રાજેશ વસાવે :- દાહોદ
ટેક્સ ભરવામાં ગલ્લા-તલ્લા કરતા મિલ્કતદારો સામે તંત્રની લાલ આંખ..
દાહોદમાં નગરપાલિકા તંત્રે 24 કલાકમાં 16 દુકાનોને સીલ મારતા ખળભળાટ…
ગોદીરોડ નૂર સ્કવેર બિલ્ડીંગની 12 દુકાનો તેમજ પડાવમાં 4 દુકાનો સીલ મરાઈ..
દાહોદ તા.02
દાહોદ નગરપાલિકાએ શહેરી વિસ્તારમાં આવેલ મિક્લતોના બાકી નીકળતા ટેક્સની ભરપાઈ કરવા કડક વલણ અપનાવી મિલ્કતદારો સામે લાલ આંખ કરી કાર્યવાહી હાથ ધરતા વીતેલા 24 કલાકમાં 16 જેટલી દુકાનોને સીલ મારતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
દાહોદ નગરપાલિકા પોતાનું સ્વ ભંડોળ મજબૂત કરવા કમર કસી છે.જેના પરિણામ સ્વરૂપ શહેરી વિસ્તારમાં આવેલા મિલકતદારો દ્વારા અવારનવાર નોટિસો ફટકારતા બાકી નીકળતા ટેક્સની ભરપાઈ કરવા માટે ગલ્લા તલ્લા કરતા આખરે દાહોદ નગરપાલિકાએ કડક વલણ અપનાવી કાર્યવાહી હાથ ધરી છે. જેમાં ગઈકાલે પડાવ વિસ્તારમાં આવેલી 4 દુકાનોના ટેક્સની ભરપાઈ ન કરતા દુકાનોને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ આ કામગીરી બીજા દિવસે પણ ચાલુ રહેવા પામી હતી જેમાં મોદી રોડ ખાતે આવેલા નૂર સ્ક્વેર હાઇરાઇઝ બિલ્ડિંગમાં બીજા માળે 12 જેટલી દુકાનોને પાલિકા દ્વારા સીલ મારી દેતા ચકચાર મચી જવા પામી છે. પાલિકાના સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આવનારા સમયમાં પાલિકા તંત્ર જે મિલ્કતદારોએ NRP ની ભરપાઈ ન કરેલ હશે તેમની પણ મિલ્કત સીલ કરવા કામગીરી હાથ ધરાશે તેમ જણાવ્યું હતું.પાલિકા દ્વારા ઓચિંતી કામગીરી હાથ ધરતા કેટલાક મિલ્કતદારો દ્વારા બાકી નીકળતા ટેક્સની ભરપાઈ કરવા માટે દોડધામ કરતા હોવાનું દેખાઈ રહ્યું છે.