બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકામાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ સરકારી કચેરીઓ સહિતની સંસ્થાઓમાં ૭૫ મા રિપબ્લિક ડે ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી
ફતેપુરા તાલુકા કક્ષાનો ગણતંત્ર દિવસ મામલતદારની અધ્યક્ષતામાં જવેશી મુકામે યોજાયો
સુખસર,તા.૨૬
ભારતનું સંવિધાન ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ ના રોજ લાગુ થયું હતું.અને ભારત એક લોકતાંત્રિક તથા સંવૈધાનિક દેશ બની ગયો.આ કારણોસર ૨૬ જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે.ભારતના ઇતિહાસમાં ૨૬ જાન્યુઆરીનું ઘણું મહત્વ છે.આ દિવસે ભારતીય બંધારણ અમલમાં આવ્યું હતું.અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયા બાદ દેશમાં આ દિવસથી ભારતીય બંધારણ લાગુ થયું હતું.જેની યાદમાં દર વર્ષે ૨૬ જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે.તેવી જ રીતે ફતેપુરા તાલુકામાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ,સરકારી કચેરીઓ સહિતની સંસ્થાઓમાં ૭૫ મા રિપબ્લિક ડે ની ઉજવણી કરવામાં આવી હતી.
જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકા કક્ષાનો ગણતંત્ર દિવસ જવેસી ખાતે મામલતદારની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો.જેમાં લાગતા વળગતા તંત્રના કર્મચારીઓ,સ્થાનિક કાર્યકરો સહિત વિશાળ સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.જ્યારે સુખસર કૃષિ શાળા ખાતે ૨૬ જાન્યુઆરીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.તેવી જ રીતે પાટડીયા પ્રાથમિક શાળામાં ગ્રામજનો,ગામના આગેવાનો હાજર રહ્યા હતા અને શાળાના બાળકો દ્વારા વિવિધ કાર્યક્રમો સાથે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી.મકવાણાના વરુણા ખાતે આવેલ નાલંદા પબ્લિક સ્કૂલમાં પણ હર્ષોલ્લાસ સાથે ગણતંત્ર દિવસની ઉજવણી થઈ હતી.જ્યારે ભિતોડી સહિત સુખસર પાસે આવેલા ખાખરીયા બચકરિયા પ્રાથમિક શાળામાં પ્રાથમિક શાળાના બાળકો દ્વારા વિવિધ કાર્યક્રમો સાથે ૨૬ જાન્યુઆરીની ઉજવણી કરવામાં આવી હતી.તેવી જ રીતે મકવાણાના વરૂણા ખાતે આવેલ
આશ્રમશાળા,સુખસર પોલીસ સ્ટેશન,સુખસર ગ્રામ પંચાયત તથા સુખસર ખાતે આવેલ કન્યાશાળામાં પણ ગણતંત્ર દિવસની વિશાળ સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.શાળાના બાળકો દ્વારા દેશભક્તિ ના સૂત્રો સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપી ઉજવણી કરવામાં આવી હતી.આમ ફતેપુરા તાલુકાના સુખસર વિસ્તારની સરકારી,અર્ધસરકારી કચેરીઓ,શૈક્ષણિક સંસ્થાઓમાં ૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ઉજવણી થતા પંથકની પ્રજામાં દેશભક્તિના દર્શન જોવા મળ્યા હતા.