બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના આફવા ખાતે રામજી મંદિર સમિતિ દ્વારા વિવિધ કાર્યક્રમોનું થઈ રહેલ આયોજન
આફવા ગામમાં છેલ્લા બાર દિવસથી ૭૦ જેટલા યુવાનો દ્વારા વિવિધ કાર્યક્રમો અને ૧૦૦ બહેનો દ્વારા સાંજના સમયે સંધ્યા ફેરી કરવામાં આવે છે
સુખસર,તા.૨૦
અયોધ્યા ખાતે ૨૨ જાન્યુઆરીએ યોજાનારા ભવ્યાતિભવ્ય શ્રી રામ મંદિરના ઉદ્ઘાટન તથા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પૂર્વે ફતેપુરા તાલુકાના નાના- મોટા ગ્રામ્ય વિસ્તારોમાં હિન્દુ સંગઠનો તથા સ્થાનિક રહીશો દ્વારા પ્રભાતફેરી, સંધ્યાફેરી,મહાઆરતી,મહાપ્રસાદી, રામધુન,રામસ્તુતિ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.જેમાં આફવા ખાતે આવેલ રામજી મંદિર સમિતિ દ્વારા યુવાનો તથા બહેનો દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.
જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના આફવા ગામમાં ગત ૭ જાન્યુઆરીના રોજથી આફવા ગામના ૧૩૦ જેટલા ઘરોમાં રામજી મંદિર સમિતિ દ્વારા યુવાનોની પાંચ ટીમ બનાવી ૭૦ જેટલા યુવાનોએ પ્રત્યેક ઘરોમાં રામસ્તુતિ,રામધૂન અને પાંચ પાંચ હનુમાન ચાલીસાના પાઠ ગામના દરેક ઘરોમાં કરવામાં આવી રહ્યા છે. આફવા ગામની સો જેટલી બહેનો દ્વારા દરરોજ સાંજના સંધ્યાફેરનું આયોજન “શ્રીરામ જય રામ જય જય રામ”ની ધૂન સાથે કરવામાં આવી રહ્યું છે.તદ ઉપરાંત ગામના યુવાનોએ આસપાસના પાટી,કંથાગર તેમજ અન્ય ગામડાઓમાં પણ હનુમાન ચાલીસા ના પાઠ છેલ્લા ૧૪ દિવસથી કરી રહ્યા હોવાનું જાણવા મળે છે.હાલ આફવા પંથક રામ મય બન્યો હોવાની પ્રતીતિ થઈ રહી છે.