
બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા-ઝાલોદ તાલુકામાં ગરીબ શ્રમિક લોકોને ફાઇનાન્સ દ્વારા લોન અપાવવાના બહાના હેઠળ હજારો રૂપિયાની છેતરપિંડી કરી રહેલા તકવાદી તત્વો
ફાઈલ તૈયાર કરી બે થી સાત લાખ રૂપિયા સુધીની લોન અપાવવાના બહાને રજીસ્ટ્રેશનના નામે રસીદ કે સાબિતી આપ્યા વિના નાણાં પડાવવામાં આવી રહ્યા છે
ફાઈલ રજીસ્ટ્રેશનના નામે નાણા પડાવ્યા બાદ લોન મેળવવા લાલચ આપી વધુ નાણાં પડાવવાની કોશિશો કરવામાં આવે છે
ફાઇનાન્સ દ્વારા લોન અપાવવા ના બહાના હેઠળ છેતરપિંડી કરતા તત્વો સ્થાનિક લોકોને હાથા બનાવી લોન મેળવવા માંગતા લોકોને લૂંટી રહ્યા છે
સુખસર,તા.૯
ફતેપુરા તથા ઝાલોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાક લેભાગુ તત્વો ફાઇનાન્સ દ્વારા બે થી સાત લાખ રૂપિયા ઓછા વ્યાજે લોન આપવાના બહાના હેઠળ ગરીબ અબુધ લોકોને પોતાની વાક્છટાથી આંજી દઈ તકવાદી તત્વો હજારો રૂપિયા પડાવી લોન નહીં આપી છેતરપિંડીનો શિકાર બનાવી રહ્યા છે.લોનના નામે છેતરાઈ ચૂકેલા લોન મેળવવા માંગતા લોકો પ્રત્યક્ષ કે મોબાઈલ દ્વારા લોન બાબતે પૂછપરછ કરતા ભેજાબાજ લોકો દ્વારા લોન મંજૂરી માટે વધુ નાણાં ભરપાઈ કરવાનું જણાવી વધુને વધુ નાણાં પડાવવાની કોશિશો કરતા હોવાના અનેક કિસ્સા બની રહ્યા છે.ત્યારે છેતરપિંડીનો શિકાર બનાવતા તત્વોને કાયદાના હવાલે સોંપવા જરૂરી જણાઈ રહ્યા છે.
ખાસ જાણકાર સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ફતેપુરા તથા ઝાલોદ તાલુકામાં અનેક ફાઇનાન્સ કંપનીઓ મહિલાઓને વીસ હજારથી લઈ એક લાખ રૂપિયા સુધીની માસિક હપ્તાથી અને ઓછા વ્યાજથી લોન આપી રહી છે.જેઓની કામગીરીનો ગેરલાભ ઉઠાવી કેટલાક લેભાગુ તત્વો ફાઇનાન્સ દ્વારા લોન અપાવવાના બહાના હેઠળ છેતરપિંડી કરતા લેભાગુ તત્વો સક્રિય હોવાનું જાણવા મળે છે.તેમાં માત્ર પંદર દિવસમાં લોન મેળવવા ફાઈલ તૈયાર કરવા માટે બે થી પાંચ હજાર રૂપિયા કોઈપણ પ્રકારની સાબિતી આપ્યા વિના પડાવી રહ્યા છે.ત્યારબાદ સમય થતાં લોન માટેની પૂછપરછ કરતા નાણાં પડાવનાર લોકો લોન મંજૂર કરાવવા પચ્ચીસ હજાર રૂપિયા ઉપરાંત નાણાની માંગણી કરતા હોવાનું જાણવા મળે છે. અને જણાવવામાં આવે છે કે,તમારે બે થી સાત લાખ રૂપિયા સુધીની લોન જોઈતી હોય તો તમારે આ નાણાં ભરવા જ પડશે નહીં તો આપને લોન મળશે નહીંના જવાબો આપવામાં આવતા હોવાનું જાણવા મળે છે. ફાઈલ રજીસ્ટ્રેશન માટે નાણા આપી ચૂકેલા લોકો આપેલ નાણાની પરત માંગણી કરતા ફાઈલ રજીસ્ટ્રેશનના નાણા પરત આપવામાં આવતા નથી અને અમારા વિરુદ્ધમાં કાંઈ કરશો તો તમો ખોટી રીતે ભેરવાઈ જશો ની ધમકીઓ પણ આપવામાં આવતી હોવાનું છેતરપિંડીનો શિકાર બનેલા લોકો જણાવી રહ્યા છે.
અત્રે નોંધનીય બાબત એ પણ છે કે,ફાઇનાન્સ દ્વારા લાખો રૂપિયા લોન આપવાના બહાના હેઠળ છેતરપિંડીનો શિકાર શોધતા લેભાગુ તત્વો જે-તે વિસ્તારના સ્થાનિક લોકોને પોતાની માયા જાળમાં ફસાવી ફાઇનાન્સમાં નોકરી રાખી હાથા બનાવી રહ્યા છે.તેમાં કહેવાતી નોકરીએ રહેનાર વ્યક્તિ પોતાના ગામ,પરિચિતો અને સગાં-સંબંધીઓમાં લોન સંબંધે માહિતી આપી નાણા ઉઘરાવી ફાઇનાન્સના નામે કહેવાતી કામગીરી કરતા તત્વો સુધી પહોંચાડતા હોય છે.પરંતુ જ્યારે આ લોન મળતી ન હોય અને હજારો રૂપિયા ગુમાવી ચૂકેલા લોકો હાથા બનેલા લોકોને પૂછપરછ કરી નાણા પરત અપાવે તેવા પ્રયત્નો કરતા હોય છે.ત્યાં સુધીમાં આ હાથા બનેલા લોકોને આ લેભાગુ તત્વો કહેવાતા ફાઇનાન્સથી દૂર કરી દેતા હોય છે.ત્યારબાદ બોગસ ફાઇનાન્સ સંચાલકો નવા લોકોને હાથા બનાવી નવા વિસ્તારની શોધ કરી પોતાની માયાજાળ બિછાવી પોતાનો ગોરખ ધંધો ચાલુ રાખતા હોય છે.
આમ,કહેવાતા ફાઇનાન્સ સંચાલકો ઓછા વ્યાજથી મોટી લોન આપવાના બહાના હેઠળ ગ્રામ્ય વિસ્તારોના ભોળા લોકોને ટાર્ગેટ બનાવી હજારો રૂપિયાની છેતરપિંડી કરી રહ્યા છે.જેના અનેક દાખલા મોજુદ છે.ત્યારે આવા લેભાગુ તત્વોને ખુલ્લા પાડવા અને તેઓની સામે કાયદાકીય કાર્યવાહી કરવા આગળ આવવું ખૂબ જ આવશ્યક જણાઈ રહ્યું છે.