બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના સુખસરમાં સેંકડો શ્રદ્ધાળુઓ દ્વારા અક્ષત કળશ યાત્રાનું ભવ્ય આયોજન કરાયું
૨૨ જાન્યુઆરીના રોજ અયોધ્યામાં અભિજીત મુહર્તમાં ભગવાન શ્રીરામલલાની પ્રાણ પ્રતિષ્ઠા આયોજન થનારા સમારંભ પૂર્વે કળશ યાત્રા યોજવામાં આવી હતી
સુખસર,તા.૭
અયોધ્યામાં ભગવાન શ્રી રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાનો સમય જેમ-જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ હવે શ્રદ્ધાળુઓમાં ઉત્સાહનો સંચાર વધી રહ્યો છે.મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ મુદ્દે રોજ નવીને નવી જાણકારી સામે આવી રહી છે.સૂત્રો અનુસાર પ્રાણ પ્રતિષ્ઠા સમારંભ સંપૂર્ણ પણે સનાતની અને વૈદિક પરંપરાઓ અનુસાર યોજવામાં આવનાર છે.જેના અનુસંધાને શનિવારના રોજ સુખસર ગામમાં સુખસર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોના શ્રદ્ધાળુઓ દ્વારા અક્ષત કળશ શોભાયાત્રાનું ભવ્ય અને ધામધૂમથી આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ ૨૨ જાન્યુઆરીના રોજ અયોધ્યાધામ ખાતે ભગવાન શ્રીરામની જન્મભૂમિ ખાતે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે રામભક્તો ઘરે ઘરે જઈ સર્વે શ્રદ્ધાળુ ભક્તોને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતુ.
યોજવામાં આવેલ કળશ યાત્રા કાર્યક્રમમાં રામ ભક્તો દ્વારા નાચગાન અને હર્ષોલ્લાસ પૂર્વક શોભાયાત્રા કાઢવામાં આવી હતી.સુખસર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારો માંથી ભાઈઓ,બહેનો,વડીલો અને બાળકોએ પોતાનુ યોગદાન આપી આ કાર્યક્રમમાં સહભાગી થયા હતા.તેમજ સર્વે રામ ભક્તો દ્વારા સાંજના સમયે સુખસર ગામમાં રામધૂન સાથે સંધ્યા ફેરીનો કાર્યક્રમ રાખી રામધૂન સાથે સંધ્યા ફેરી ફરીને ભક્તોના મનમાં ભક્તિ અને અયોધ્યા ધામની પ્રાણ પ્રતિષ્ઠા માટે જાગૃતિનું કામ કર્યું હતું.તેમજ સ્વયંસેવક અને પોલીસ કર્મીઓ દ્વારા સંધ્યા ફેરીમાં કોઈ વીઘ્ન ઊભું થાય નહીં તે હેતુથી સતર્કતા પણ રાખવામાં આવી હતી.૧૮૦ જેટલા કળશ સાથે કળશ યાત્રા કાઢવામાં આવી હતી.તે પૈકી ૪૮ જેટલા કળશ ગ્રામ્ય વિસ્તારોમાં આપવામાં આવેલ હોવાનું જાણવા મળે છે.