
બાબુ સોલંકી :- સુખસર
સરકારની યોજનાઓનો નાગરિકો લાભ મેળવે તેવા આશયથી આ યાત્રા ગામે-ગામ ફરી રહી છે: ધારાસભ્ય રમેશભાઈ કટારા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી ભારત ને વિશ્વ ના ફલક પર લઈ જઈ રહ્યા છે: સાંસદ જસવંતસિંહ ભાભોર
ફતેપુરા તાલુકાના વાંગડ ગામે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું ઉમળકાભેર સ્વાગત કરાયું
વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવાનો સંકલ્પ લેતા વાંગડના ગ્રામજનો
સુખસર,તા.૨૬
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રત્યેક વ્યક્તિ સુધી સરકારના યોજનાકિય લાભો પહોંચાડીને તેમના વિકાસને આકાર આપવાની સાથે વિકસિત ભારતની પરિકલ્પનાને સાકાર કરવાના ઉદ્દેશ્યથી સમગ્ર દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે.જે અનવ્યે દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના વાંગડ ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થતા સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોર ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારાની ઉપસ્થિતિમાં ગ્રામજનોએ ઉત્સાહભેર આવકારી સ્વાગત કર્યું હતું.
આ અવસરે સાંસદ જશવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે,દેશનો કોઈ પણ નાગરિક સરકારની જન કલ્યાણકારી યોજનાઓના લાભોથી વંચિત ન રહી જાય માટે સંકલ્પ યાત્રા યોજાઈ રહી છે.છેવાડાના ગરીબ, મધ્યમ વર્ગના લોકોના હિત માટે સરકાર હરહંમેશા પ્રયત્નશી રહી છે. સરકારની યોજનાઓ આમ જનતા માટે બની છે.જેથી વધુમાં વધુ લોકોએ તેનો લાભ લેવો જોઈએ. સરકારની કલ્યાણકારી યોજનાઓનો ૧૦૦ ટકા નાગરિકો લાભ મેળવે તેવા આશયથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગામે-ગામ ફરી રહી છે તેમ જણાવી વધુમાં તેમણે ઉમેર્યું કે,ગ્રામ્ય વિસ્તારના પ્રારંભિક તબક્કામાં આદિમ જૂથના વિકાસ માટે અનેક યોજનાઓ અમલી છે.વડાપ્રધાનશ્રીએ ઝીરો બેલેન્સમાં જનધન યોજના થકી નાના લોકોને બેન્કિંગ સેવા પૂરી પાડવાના સંકલ્પ સાથે દેશભરમાં ૫૦ કરોડ લોકોના બેંકમાં ખાતા ખોલવામાં આવ્યા છે.જેમાં રૂ.બે લાખ કરોડની ડિપોઝીટ જમા થઈ છે.જે ભારતના વિકાસને વેગ આપવામાં મોટું યોગદાન આપી રહી છે.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી રમેશ કટારા એ જણાવ્યું હતું કે,પ્રજાજનોને અને ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં સરકારની વિવિધ યોજનાઓની માહિતી પુરી પાડવા તેમજ જરૂરિયાતમંદ લાભાર્થીઓને લાભાન્વિત કરવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આગવું માધ્યમ બની છે. સરકારે ગરીબ-મધ્યમવર્ગીય નાગરિકોના જનધન યોજના હેઠળ બેંક ખાતા ખોલાવી ગંગાસ્વરૂપા,કિસાન સન્માન નિધિ,શિષ્યવૃત્તિ સહાય જેવી અનેક આર્થિક સહાય કોઈ પણ વચેટિયા વિના સીધા બેંક ખાતામાં જ આપવાની પારદર્શી વ્યવસ્થા કરી છે. તેમણે આ યાત્રાથી લોકોને ઘરઆંગણે વિવિધ યોજનાઓના લાભો આપવામાં આવતા હોવાનું યોજનાઓના બાકી રહેલા લાભાર્થીઓ સત્વરે યાત્રાની જનસેવાનો લાભ ઉઠાવે એમ કહ્યું હતું.
આ કાર્યક્રમમાં લાભાર્થીઓએ ”મેરી કહાની, મેરી જુબાની” અંતર્ગત પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા.આ ઉપરાંત મહાનુભાવોના હસ્તે આયુષ્માન કાર્ડ,વિધવા સહાય વગેરે વિવિધ યોજનાના લાભો લાભાર્થીઓને અર્પણ કરાયા હતા.કાર્યક્રમના અંતે ગ્રામજનોએ વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ લીધા હતા.
આ પ્રસંગે ઉપસ્થિત સૌએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના પ્રેરક સંદેશાની વિડિયો ક્લીપ નિહાળી હતી. સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોર, ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારા સહિત મહાનુભાવોએ કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓની જાણકારી આપતા વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી.
આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઈ પારગી, આગેવાન ચુનીલાલ ચારપોટ,ડો.અશ્વિનભાઈ પારગી,ચતુરભાઈ પાંડોર,ગ્રામ પંચાયતના સદસ્યો,આસપાસના ગામોમાંથી પધારેલા અગ્રણીઓ,અધિકારીઓ તથા કર્મચારીઓ,સરપંચો તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.