Wednesday, 04/12/2024
Dark Mode

દાહોદમાં બહુચર્ચિત નકલી કચેરી મહાકૌભાંડનો એક છેડો સીંગવડમાં જતા નવો વળાંક: માસ્ટર માઈન્ડ અબુ બકરે સીંગવડના બે મજુરોના બેંક એકાઉન્ટ થકી લાખોની લેવડ દેવડ કર્યાનો ખુલાસો.

December 18, 2023
        1837
દાહોદમાં બહુચર્ચિત નકલી કચેરી મહાકૌભાંડનો એક છેડો સીંગવડમાં જતા નવો વળાંક:  માસ્ટર માઈન્ડ અબુ બકરે સીંગવડના બે મજુરોના બેંક એકાઉન્ટ થકી લાખોની લેવડ દેવડ કર્યાનો ખુલાસો.

#DahodLive#

દાહોદમાં બહુચર્ચિત નકલી કચેરી મહાકૌભાંડનો એક છેડો સીંગવડમાં જતા નવો વળાંક:

માસ્ટર માઈન્ડ અબુ બકરે સીંગવડના બે મજુરોના બેંક એકાઉન્ટ થકી લાખોની લેવડ દેવડ કર્યાનો ખુલાસો..

કૌભાંડના પર્દાફાશ બાદ બંને ભાઈઓએ અબુબકર અને એઝાઝ સામે ફરિયાદ નોધાવતા ચકચાર…

આબુ બકર આણી મંડળીએ આવા કેટલા ખાતા ખોલાવી નાણાંકીય હેરાફેરી કરી તેની તપાસ શરૂ..

દાહોદ તા.15

નકલી કચેરી કૌભાંડના મુખ્ય સૂત્રધાર અબુ બકર આણી મંડળીએ સીંગવડ ગામના પ્લમ્બિંગ કામ કરતા બે ઈસમોને ગેરમાર્ગે દોરી તેઓ સાથે વિશ્વાસઘાત કરી તેઓના નામે બેંકમાં ખાતા ખોલાવી બારોબાર લાખોની લેવડ દેવડ કરી હોવાનું સપાટી પર આવ્યું છે. જેના પગલે બન્ને ઈસમોએ અબુ બકર, અને ઈજાઝ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા નકલી કચેરી કૌભાંડમાં આર્થિક વ્યવહારો અંગે આવા કેટલા ખાતા ખુલ્યા છે. એ તો સમય બતાવશે પરંતુ હાલ આ ફરિયાદથી સમગ્ર વહીવટી બેડામાં અને અબુ બકરની મિત્ર મંડળીમાં છુપા ભય સાથે ખળભળાટ મચી જવા પામ્યો છે. તો પોલીસે ફરિયાદીની ભૂમિકા અંગે પણ ઝીણવટભરી તપાસ પણ હાથ ધરી છે.સમગ્ર પ્રકરણમાં ફરિયાદી ખરેખર નિર્દોષ છે કે પછી આ કૌભાંડથી બચવાં ફરિયાદ નોંધાવી છે તે પણ પોલીસ તપાસમાં બહાર આવશે. ત્યારે આવા કેટલા લોકોના નામે ખાતા ખુલ્યા છે. તે જોવું રહ્યું. અત્રે ઉલ્લેખની છે કે દાહોદ જિલ્લાના તાલુકાના જાલીયાપાડા ખાતે રહેતા અને મજૂરી કામ કરતા ચંપકલાલ કાંતિલાલ ભુરીયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે એક વર્ષ અગાઉ મારી પત્ની સ્ટાફ નર્સ તરીકે કામ કરતી હતી. તે સમયે અમારી રૂમ નજીક રહેતા અબુ બકર આણી મંડળી સાથે નકલી કચેરી મારફતે ફાળવાયેલા કામો કરતા ઝાલોદના સદ્દામભાઈ ઇસ્માઇલભાઈ માતાદાર કે જેઓ સરકારી બોર અને કુંવાનું કામ કરાવતા હતા. તેમની સાથે ઓળખાણ થતાં હું અને મારાં બે મિત્રો ભાર્ગવ ડામોર મીરાંખેડી , અને કાળુંભાઈ રહે કોણી..સહીત ત્રણ જણા કુંવાનું પાઇપ લાઈનનું કામ કરવા જતા હતા.લગભગ એકાદ વર્ષ કામ કર્યા બાદ કોન્ટ્રાકટર સદ્દામઇસ્માઇલભાઈ માતાદારના સાહેબ અબુબકર અને એઝાઝહુસૈન સિંચાઈના કામોનું વિઝીટ કરવા આવતા ઓળખાણ થતાં એકબીજાના નંબરની આપ-લે થઈ હતી. ત્યારબાદ અમે અમારા વતન પરત ફરતા એ દરમિયાન નળ સે જળની યોજનાનું કામ આવતા હરેશભાઈ નામક કોન્ટ્રાક્ટર જોડે મુલાકાત થઈ હતી. જેઓની સાથે હું તથા મારા કુટુંબી ભાઈ મેહુલ મણિલાલ ભુરીયા બન્ને જણા કામ કરવા જતા એ દરમિયાન એઝાઝહુસૈન સૈયદ રહેવાસી. ઈલોરા પાર્ક વડોદરાએ મારો ટેલિફોનિક સંપર્ક કરી સરજુમી, તથા ટોકરવા ગામે કુંવાનું બાંધકામ કરવા માટે જણાવ્યું હતું. અમને સમય મળતા થોડા દિવસ પછી આ સાઇડ ઉપર કામ કરવા જતા દરમિયાન એઝાઝહુસૈને અમને બંનેને તમને સિંચાઈ વિભાગના કામોના સુપરવાઇઝર બનાવવાના છે. તેવી લાલચ આપી અમારા ફોટા તેમજ ડોક્યુમેન્ટ સાથે વડોદરા મુકામે બોલાવ્યા હતા. ત્યારબાદ અમે વડોદરા મુકામે પહોંચતા અબુ બકર અને એઝાઝહુસૈન જોડે મુલાકાત થતા બંને જણાવ્યું હતું કે અમો તમને સુપરવાઇઝર બનાવીએ પરંતુ તમારા બેન્ક એકાઉન્ટ ખોલાવવા પડશે. તેમ કહી બધા ડોક્યુમેન્ટ લીધા હતા અને ત્યારબાદ કોટક મહિન્દ્રા બેંકમાં કામ કરતા એક બેંનને બોલાવી બધા ફોર્મ ભરી,સહી કરી અંગૂઠાના નિશાન લઈ ખાતું ખોલાવ્યું હતું. એટલું જ નહીં તમારી પાસબુક તથા એટીએમ કાર્ડ તમારા ઘરના સરનામે આવી જશે તેમ કહી અમને રવાના કરી દીધા હતા. બે અઠવાડિયા પછી અમે એજાજ સૈયદને ફોન કરી અમારી બેંકની પાસબુક એટીએમ તેમજ ચેકબુક માટે પૂછતા તેઓએ હજી સુધી આવી નથી તેમ જણાવ્યું હતું. ત્યારબાદ ગત નવેમ્બર માસમાં છોટાઉદેપુર પોલીસ મારા ઘરે આવતા અને અબુ બકર વિરુદ્ધ ખોટી કચેરીઓ ઊભી કરી સરકારી ગ્રાન્ટના નાણા હયગય કરાઈ હોવાનું જણાવતા તથા તમારા ખાતામાં કેટલીક રકમો આવ્યા હોવાનું જણાવતા અમોએ આ મામલે અમોને કોઈ જાણકારી નથી તેવું જણાવતા અને હું તથા મારો કુટુંબી ભાઈ મેહુલ બન્ને કોટક મહિન્દ્રા બેન્ક માં જઈ ખાત્રી કરતા એકાઉન્ટમાં મારા મોબાઈલ નંબરના બદલે તેઓના મોબાઈલ નંબર લખી ખાતું ખોલાવેલ હતું અને તેમાં અમારી જાણ બહાર ખાતામાં લાખો રૂપિયાની નાણાંની લેવડદેવડ કરી હોવાનું માલુ કરતા અમારા પગ તળેટી જમીન સરકી ગઈ હતી. ત્યારબાદ અબુ બકર સૈયદ તેમજ એઝાઝહુસૈન દ્વારા અમોને સુપરવાઇઝર બનાવવાની ખોટી લાલચ આપી અમારા દસ્તાવેજી પુરાવાઓનો નકલી કચેરી કૌભાંડમાં ખોટી રીતે ઉપયોગ કરી અમારી સાથે છેતરપિંડી કરી તથા બેન્ક એકાઉન્ટ નંબર 2846204611 માંથી રૂપિયા 23,40,781 તથા એકાઉન્ટ નંબર 2846204642 માંથી રૂપિયા 21,67,721 જેટલી માતબર રકમ ગેરકાયદેસર રીતે મેળવી સરકારી નાણાંની લેવડ-દેવડ કરી અમારા બેંક ખાતાનો ખોટો ઉપયોગ કરી ગુનો કર્યો છે. તો ઉપરોક્ત બંને સામે કાયદેસર કરવા પોલીસ દફતરે ફરિયાદ નોંધાવતા પોલીસે નકલી કચેરી કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર અબુબકર સૈયદ તેમજ એજાઝ હુસેન સૈયદ વિરુદ્ધ ઇપીકો કલમ 406,120 બી,34 મુજબ ગુનો રજીસ્ટર કરી વધુ તપાસ હાથ ધરી છે.

અબુ બકર આણી મંડળી સામે છેતરપિંડીની ફરિયાદ કરનાર બંને ફરિયાદી પણ પોલીસની રડારમાં

 અબુ બકર આણી મંડળીના એજાજ સૈયદ તેમજ અબુ બકર સામે સિંગવડ તાલુકામાંથી છેતરપિંડીની ફરિયાદ નોંધાતા સમગ્ર નકલી કચેરી કૌભાંડમાં નવો વળાંક આવ્યો છે. પરંતુ ચોકાવનારી બાબતે છે કે ફરિયાદીના જણાવ્યા અનુસાર તેઓ 2021 થી અન્ય વ્યક્તિ મારફતે અબુ બકરના સંપર્કમાં આવ્યા હતા.અને સુપરવાઇઝર બનાવવાની લાલચમાં અબુબકર તેમજ એજાજ સૈયદે તેમના નામના બેન્ક એકાઉન્ટ ખોલી નકલી કચેરી કૌભાંડમાં વપરાયેલા ફંડની લેવડદેવડ તેમના એકાઉન્ટમાં કરી હતી. તો પ્રશ્ન એ ઊભો થાય છે કે નકલી કચેરી કૌભાંડમાં છેલ્લા એક વર્ષ ઉપરાંતથી નાણાકીય લેવડદેવડ થતી હતી. અને આ દરમિયાન બંને ફરિયાદીએ અવારનવાર તેમના ખાતાના ચેકબુક એટીએમ તેમજ પાસબુકની માંગણી કર્યા છતાંયે અબુ બકર તેમજ એજાજ સૈયદે તેમને તેમની બેન્ક એકાઉન્ટ પાસબુક તેમજ એટીએમ ન આપતા તેઓએ બેંકમાં જઈને કેમ પૂછપરછ ન કરી.? બીજું કે છોટાઉદેપુર પોલીસ દ્વારા નકલી કચેરીમાં ફરિયાદ કર્યા બાદ તપાસનો રેલો સિંગવડમાં પહોંચ્યા બાદ જ કેમ ઉપરોક્ત બંને ફરિયાદીએ ફરિયાદ નોંધાવી.? તે એક પોલીસ તપાસનો વિષય છે. બીજું કે બેંકની લેવડદેવડના આ ખેલમાં શું અબુ બકર આણી મંડળીયે કૌભાંડના ફંડમાંથી બંને ફરિયાદીને ભાગબટાઇ આપી હતી. આ બેક એકાઉન્ટમાં મોટા પ્રમાણમાં ફંડની લેવડ-દેવડમાં ફરિયાદી સામે કેવા પ્રકારની જવાબદારી બને છે તે તો પોલીસ તપાસમાં બહાર આવશે તે ચોક્કસ છે પરંતુ નકલી કચેરી કૌભાંડમાં આવા અન્ય કેટલા લોકોના નામે બે એકાઉન્ટ ખોલી નાણાકીય હેરફેરના ખેલ ખેલવામાં આવ્યા હતા. તેનો પર્દાફાશ નજીકના સમયમાં થશે. તેમાં કોઈ બે મત નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!