લીમખેડા તાલુકાના અંબા ગામે જમીન સંબંધી અદાવતે ચાર ઈસમોએ તેના જ કુટુંબી ભાઈને ફટકાર્યો..
લીમખેડા તા.12
લીમખેડા તાલુકાના અંબા ગામે જમીન સંબંધી અદાવતે ચાર ઈસમોએ ભેગા મળી તેમના જ કુટુંબી ભાઈને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધાકધમકી આપી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર લીમખેડા તાલુકાના અંબા હોળી ફળિયા ગામના અભેસિંગ મુળાભાઈ પરમાર, વજેસિંગ મુળાભાઈ પરમાર, મૂળા મનસુખભાઈ પરમાર તેમજ મનીષ અભેસિંગભાઈ પરમાર તેમના જ કુટુંબી બાબુભાઈ મનસુખભાઈ પરમારના ગાળો બોલતા જઈ ઘરે આવ્યા હતા. અને બાબુભાઈ ને જણાવ્યું હતું કે જમીનમાં અમારો ભાગ છે તેમ છતાં તમો વહેંચણી કર્યા વગર ખેતી કરો છો તેમ કહી ઉપરોક્ત ચારેય ઈસમોએ બાબુભાઈને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધાક ધમકી આપી જતા રહ્યા હતા.
ઉપરોક્ત બનાવ સંદર્ભે અંબા ગામના હોળી ફળિયાના બાબુભાઈ મનસુખભાઈ પરમારે લીમખેડા પોલીસ મથકે ગુનો દાખલ કરાવતા લીમખેડા પોલીસે ઉપરોક્ત ચારેય ઈસમો વિરુદ્ધ નામજોગ ગુનો દાખલ કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.