રાજેશ વસાવે :- દાહોદ
પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા હિમાલયન ગીધ બાદ હવે ઝરખની માવજત હાથ ધરાઈ..
ઘાયલ ઝરખને રેસ્ક્યુ કરી દાહોદ ખાતે સારવાર આપવામાં આવી.
ભાટીવાડાથી અન્ય પ્રાણીના હુમલાથી ઘાયલ ઝરખને રેસ્ક્યુ કરાયું છે.
દાહોદ,
દાહોદના ભાટીવાડા ગામના ઝેર ફળિયામાંથી તા.૧૧.૧૨.’૨૩ ના રોજ એક ઘવાયેલું ઝરખ જોવાતા ખૂબ દોડધામ બાદ તેને બચાવી લેવાના સંનિષ્ઠ પ્રયાસ હેઠળ પ્રકૃતિ મિત્ર મંડળની ટીમ દ્વારા રેસ્ક્યુ કર્યા બાદ દાહોદ ખાતે તેની સારવાર હાથ ધરવામાં આવી છે.
ભાટીવાડા ખાતે એક ઘાયલ ઝરખ આમથી તેમ ફરતું હોવાની જાણ થતાં પ્રકૃતિ મિત્ર મંડળ, દાહોદની રેસ્ક્યુ ટીમના ૧૦ થી ૧૨ સભ્યો તથા અન્ય સંસ્થાના રેસ્ક્યુ ટીમના સભ્યો પણ તે સ્થળે પહોંચી ગયા હતા. રેસ્ક્યુ દરમ્યાન સભ્યોને આ પૂર્વે કોઈ અન્ય જંગલી પ્રાણીઓની સાથે થયેલ સંભવિત ઝપાઝપીના લીધે ઘાયલ થયેલ આ ઝરખના ગળાના ભાગે ઊંડો ઘા પડેલ જોવા મળ્યો. એટલે દાહોદ વન વિભાગ તથા વેટરનરી વિભાગના અધિકારી ગણને જાણ કર્યા બાદ તેને પ્રકૃતિ મિત્ર મંડળ ખાતે લાવી વેટનરી વિભાગના ડૉ. ચાવડા તથા ડૉ વિશાલ અને તેમની ટીમ તથા સાથે સાથે મંડળ અને અન્ય સંસ્થાની રેસ્ક્યુ ટીમના સભ્યોના સહયોગથી તેને બેહોશ કરી ડ્રેસિંગ કરવામાં આવ્યું અને હાલ એક મોટા પાંજરામાં રાખી સારવાર હેઠળ રાખવામાં આવેલ છે.
આ પ્રયાસમાં પ્રકૃતિ મિત્ર મંડળની રેસ્ક્યુ ટીમના કિન્નર દેસાઈ અને જુઝર બોરીવાલા અને પ્રમુખ ધર્મેન્દ્ર ખત્રી વગેરેના માર્ગદર્શન હેઠળ મંડળની રેસ્ક્યુ ટીમના શાહિદ શેખ, ચિરાગ, આકાશ, વસીમ, વિમલ, કાદિર વગેરે ઉપરાંત અન્ય સંસ્થાના પણ મદદરૂપ સભ્યો કાર્તિકભાઈ, રેનીશભાઈ અને ચંદ્રેશભાઈએ પણ આ માવજત ઓપરેશનમાં ખૂબ જ મદદ કરી. તો આ સમગ્ર રેસ્ક્યુ અને સારવાર દરમ્યાન દાહોદ વન વિભાગના આર.એફ.ઓ. પરમાર પણ તેમની ટીમ સાથે ખડે પગે મદદમાં રહ્યા. પ્રકૃતિ મિત્ર મંડળ અને અન્ય સહુ લોકો દ્વારા આ ઝરખને શક્યત્ ઝડપથી સાજું કરી તેના કુદરતી વાતાવરણમાં તેને પરત મોકલી દેવા માટેના સક્રિય પ્રયાસો યથાવત્ છે. હાલમાં આ ઝરખની હાલત અગાઉ કરતાં સારી હોવાનું રેસ્ક્યુ ટીમ દ્વારા જણાવાયું છે.
બદલાતા સમયના વેણમાં ઝરખ (સ્ટ્રીપ્ડ હાયના) નામશેષ થતા જંગલ વિસ્તારમાં જ દેખાય છે :- કિન્નર દેસાઈ
અગાઉ દાહોદમાં ઝરખ જોવાવાનું સામાન્ય હતું.
થોડો વિચિત્ર દેખાવ અને કુતરા કરતાં મોટું કદ ધરાવતા ઝરખ (સ્ટ્રીપ્ડ હાયના)ના શરીર પર કાળી આડી પટ્ટીઓ હોય છે. તેના આગળના પગ, પાછળના પગ કરતા ઉંચા હોય છે. લાંબા, અણીદાર તથા હંમેશા ઉભા કાન અને ગર્દન પર વાળ ધરાવતું આ પ્રાણી દાટેલ મડદાં ખોદીને ખાવાની આદતના લીધે અગાઉ દાહોદના સ્મશાન જેવા નિર્જન વિસ્તારમાં પણ ખૂબ સામાન્ય જોવાતું. જે હવે કાળક્રમે અંતરિયાળ જંગલો પુરતાં મર્યાદિત જોવાય છે.
વન્ય પ્રાણીઓની સેવા કરવીએ પ્રકૃતિ મિત્ર મંડળનો અહોભાગ્ય છે:- – શાહિદ શેખ
૨૦૨૩ નો અંત ભાગ પ્રકૃતિ મિત્ર મંડળ માટે ખૂબ અનુભવ આપનારો બની રહ્યો છે. ગયા મહિને જ દુર્લભ એવા હિમાલયન ગીધની સારવાર કર્યા બાદ હવે અમને આ ઝરખની સારવાર કરવાની તક મળી છે તે અમારા માટે અહોભાગ્યની વાત છે.