મહીસાગર જિલ્લામાં શિક્ષણ મંત્રીના હસ્તે વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નો શુભારંભ
મહીસાગર તા. ૩૦
મહીસાગર જિલ્લામાં શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે ઉખરેલી ખાતેથી “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નો શુભારંભ કરાવ્યો. મોદી સરકારની ગેરંટી “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નો જન કલ્યાણકારી યોજનાઓથી વંચિત લાભાર્થીઓને આવરી લેવાનો લક્ષ્યાંક
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ૧૫ મી નવેમ્બર ‘જનજાતીય ગૌરવ દિવસ’ થી આરંભરાયેલી મોદી સરકારની ગેરંટી “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” સરકારની તમામ જન કલ્યાણકારી યોજનાઓ ઘર-ઘર સુધી પહોંચાડીને વંચિત લાભાર્થીઓને આવરી લેતી સો ટકા લક્ષ્યાંક હાંસલ કરવાના નિર્ધાર સાથે આ યાત્રા ગામડાઓમાં ઠેર-ઠેર ભ્રમણ કરી રહી છે ત્યારે મહીસાગર જિલ્લામાં આ યાત્રાના રથને શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરના હસ્તે મહીસાગર જિલ્લાના ઉખરેલી પ્રા.શાળા ખાતેથી લીલી ઝંડી આપીને શુભારંભ કરાવ્યો હતો.
આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના લાભાર્થીઓ સાથેના સંવાદનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું હતું અને નમો ડ્રોન દીદીની યોજનાની શરૂઆતને તાળીઓથી વધાવી હતી.
આ કાર્યકમમાં ‘મેરી કહાની મેરી જુબાની ‘ થકી વિવિધ યોજનાના લાભાર્થીઓએ મેળવેલ લાભો અંગેનુ વર્ણન કર્યું હતું. ‘ધરતી કહે પુકાર કે’ નાટીકા રજુ કરાઈ હતી જેમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અંગેનો સંદેશ અપાયો હતો. સૌએ વિકસિત ભારતનો સંકલ્પ લીધો હતો. મહાનુભાવોના હસ્તે પીએમજેએવાયના કાર્ડ, આવાસ યોજના સહિતના લાભાર્થીઓને વિવિધ લાભો આપવામાં આવ્યા હતા.સાથે સાથે નજીકના ખેતરમાં ડ્રોન પરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું.
મહીસાગર જિલ્લામાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”ના શુભારંભ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ બાબુભાઈ પટેલ, કલેકટર ભાવિન પંડયા, જિલ્લા વિકાસ અધિકારી ચંદ્રકાંત પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ હરેશભાઈ વળવાઇ એપીએમસી ચેરમેન શાંતિલાલ સહિત અધિકારીઓ પદાધિકારીઓ અને વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.