રાજેશ વસાવે :- દાહોદ
બિરસા મુંડા ભવન દાહોદ ખાતે સમાજ રત્નો અને નવ નિયુક્ત અધિકારીઓનો સન્માન સમારંભ યોજાયો.
દાહોદ તા. ૨૮
બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન દાહોદ ખાતે આજ તારીખ 27 નવેમ્બર 2023ના રોજ સમાજ રત્નો અને છેલ્લા ચાર વર્ષોમાં જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષાઓ ઉત્તીર્ણ કરી સીધી ભરતીમાં નવ નિયુક્ત વર્ગ 1 અને 2 ના અધિકારીઓનો સન્માન સમારંભ મેનેજિંગ ટ્રસ્ટી શ્રી વી.એમ.પારગીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. દીપ પ્રાગટય કરીને કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મંત્રી સી.આર. સંગાડાએ કાર્યક્રમના ઉદ્દેશયો જણાવ્યા હતા. ભવનના સહ મંત્રી શ્રી રાજેશભાઈ ભાભોરે સ્વાગત કર્યુ હતુ.
દાહોદ, પંચમહાલ અને મહીસાગર જિલ્લાના આદિવાસીઓમાં શૈક્ષણિક, આર્થિક અને સામાજિક વિકાસમાં અભૂતપૂર્વ યોગદાન આપનાર વયોવૃદ્ધ અગ્રણીઓ અને સમાજ સેવકો એવા પૂર્વ સાંસદ અને ગુજરાત આદિવાસી વિકાસ પરિષદના પ્રમુખ શ્રી સોમજીભાઇ ડામોર, પૂર્વ ધારાસભ્ય અને ભીલસેવા મંડળ દાહોદના પૂર્વ પ્રમુખ શ્રી નરસિંહભાઈ હઠીલા અને મહંત શ્રી સુમરણદાસજી સાહેબનું બિરસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા “આદિવાસી સમાજરત્ન ” સન્માન પત્રો આપીને બહુમાન કરવામાં આવ્યું હતું.
ત્રણે આદિવાસી સમાજરત્નોના સન્માન પત્રોનું વાંચન પ્રા. હરિપ્રસાદ કામોલે કર્યું હતું. આદિવાસી સમાજરત્નોએ પ્રાસંગિક ઉદબોધનમાં શુભાષિશ પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં આઈ. એ.એસ.અધિકારી શ્રી બી.બી.વહોનીયા, અધિક કલેક્ટર શ્રી પ્રત્યુક્ષભાઈ વસૈયા, ટ્રસ્ટી ડૉ. કે.આર. ડામોર, ઉપપ્રમુખ નયનભાઈ ખપેડ, કન્વીનર શ્રી આર. એસ.પારગી, શ્રી દિનેશભાઇ બારીયા,ટ્રસ્ટી મંડળના સભ્યો, મેનેજમેન્ટ ટીમના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નવનિયુક્ત વર્ગ 1 અને 2ના કુલ 31 અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. મંચસ્થ મહાનુભાવોએ પ્રાસંગિક ઉદબોધન કરીને સિદ્ધિઓને બિરદાવી હતી અને સમાજની સળગતી સમસ્યાઓ અંગે ચિંતન કર્યુ હતુ.કાર્યક્રમના અધ્યક્ષે ત્રણે “આદિવાસી સમાજરત્નો” પ્રતિ કૃતજ્ઞતા, આનંદ અને ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી તથા નવ નિયુક્ત અધિકારીઓને આદર્શ અને સફળ અધિકારી બનવા અંગે જરૂરી માર્ગદર્શન અને ટિપ્સ આપ્યા હતા.
ચાર નવનિયુક્ત અધિકારીઓ ડેપ્યુટી કલેક્ટર શ્રી અક્ષયભાઇ પારગી, શ્રેયાન અધિક્ષક શ્રી સુરેશભાઈ રાઠોડ, નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી હિતેશભાઈ કટારા અને મેડીકલ ઓફીસર ડૉ. રીટાબેન બામણીયાએ પોતાના પ્રતિભાવોમાં દાહોદ સમાજભવનની સમાજ વિકાસની કામગીરીની પ્રશંસા કરી હતી. અંતમાં આભાર દર્શન ટ્રસ્ટી શ્રીમતિ રોશનીબેન બીલવાળ દ્વારા કરવામાં આવ્યુ હતુ.